'તેઓ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે,નોનવેજ ખાવા, ફરવા કે રાત્રે ચરવા નથી આવ્યા'

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
'તમારા મહેમાન ભગવાનના દર્શન કરવા આવે છે ને ?'
'હા… ઉજ્જૈનના મહાકાલમંદિરના દર્શન કરવા આવે છે ?
'તો એમાં નોનવેજની વાત ના હોય.. ભગવાનના દર્શન કરવા આવે છે તમારા મહેમાન… નોનવેજ ખાવા માટે છેક લંડનથી ભારત નથી આવતા…'
'એટલે મારી વ્યવસ્થામાં તમારા મહેમાન માટે નોનવેજની કોઈ વ્યવસ્થા થઈ શકશે નહીં. હું જ્યાં સુધી આ મધ્યભારતના મુખ્યમંત્રી પદ પર છું, ત્યાં સુધી અહીં તમારા મહેમાન માટે જ નહીં, કોઈપણ વ્યક્તિ માટે નોનવેજનો ઉપયોગ નહીં જ થવા દઉ… અને એક બીજી વાત..'
'શું?'
જેમનો જન્મ મધ્યભારતના દેવાસ જિલ્લામાં સોનકચ્છ ખાતે થયો હતો. ત્યાંના જૈન વ્યાપારી બાલચંદ ગંગવાલના જેઓ એક બાહોશ દીકરા હતા.
ઇ.સ.સન્ ૧૯૦૨ ના ૭ ઓક્ટોબરના રોજ જન્મેલા આ મિશ્રીલાલજી ગંગવાલ એક બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે પૂરા ઇલાકામાં પ્રસિદ્ધિ પામ્યા હતા. ૧૪ વર્ષની નાની ઉંમરે પણ તેઓ ત્યાંની શ્રી ત્રિલોકચંદ હાયર સેકંડરી સ્કૂલમાં સ્ટુડન્ટ કમિટિના ચેરમેન પદે શોભાયમાન થયા હતા.
જૈનધર્મના પાયાના સિદ્ધાંતો અને માનવતાના નિયમોને સાથે રાખીને આગળ વધેલા ગંગવાલજી પોતાના ગુણો અને સ્વભાવની સુંદરતાના લીધે ત્યાંના લોકોમાં ભૈયા, કાકાસાહબ અને માલવાના ગાંધી તરીકે ખૂબ સન્માન પામ્યા હતા.
ઇસ ૧૯૪૫માં ઇંદોર રાજય પ્રજામંડળ અધિવેશનના પ્રેસીડેન્ટ બનનારા ગંગવાલજીનું જીવન ખૂબ જ સાદગી સભર વીત્યું હતું.
તેમણે ક્યારેય વીજળીનો દુરૂપયોગ ન હતો કર્યો. કુદરતી પ્રકાશ હોય ત્યાં સુધી ક્યારેય બલ્બ ચાલુ નહોતો કર્યો. એમ કહેવાય છે કે બીજા બધા કરતાં એમના ઘરનું વિજળીનું બિલ બહુ જ ઓછું આવતું હતું.
તેઓ નહાવામાં ક્યારેય સાબુનો ઉપયોગ નહોતો કરતા. માત્ર ત્રણથી ચાર લોટા જેટલા પાણીથી સ્નાન કરી લેતા હતા. છતાં એમ કહેવાય છે કે તેમનું શરીર સ્વચ્છ ચમકતું રહેતું હતું. એમની ચામડી ચમકીલી હતી.
એમને ભગવાનની ભક્તિ ખૂબ જ ગમતી. ભગવાનના ભક્તિગીતો ગાવા એમનો શોખ હતો. લોકોની વચ્ચે જાહેરમાં ભગવાનના ભક્તિગીતો ગાવા એમનો શોખ હતો. લોકોની વચ્ચે જાહેરમાં ભગવાનના ગીતો ગાવામાં તેઓ નાનપ કે શરમ અનુભવતા નહોતા. તેઓ માનતા કે પ્રભુના ગીતો ગાવા એ તો બહુ સન્માનભર્યું કામ છે, તેમાં શરમ શાને ?
તેમનો અધ્યયન-શોખ પણ મોખરે હતો. તેમણે ઘણા વિદ્યાર્થીઓને સહાય કરી છે. અનેક છોકરાઓને આગળ વધવામાં સહાયક બન્યા છે.
ધાર્મિક-સામાજિક દરેક ક્ષેત્રોમાં તેમણે સેવા-યોગદાન આપેલ છે.
ઇસ ૧૯૫૨માં મધ્યભારતના સ્ન્છ બન્યા. તથા તેજ વર્ષે ત્રણ માર્ચના રોજ આઝાદ ભારતના મધ્યભારતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
એજ વર્ષે ભારતની મુલાકાત લેવા માટે લંડનના લેડી માઉન્ટબેટન મહેમાન તરીકે આવવાના હતા. ભારત પર વર્ષો સુધી રાજ કરનારા બ્રિટનના લેડી ભારતમાં મહેમાન બનવાના હોય તો તેમની સરભરા સારી રીતે થાય.
મધ્યભારતના ઉજ્જૈનના મહાકાલના દર્શન કરવાની ઇચ્છા પણ લેડી માઉન્ટબેટને નેહરુ આગળ પ્રદર્શિત કરી. ત્યારે નહેરુએ તે સમયના મધ્યભારતના મુખ્યમંત્રી મિશ્રીલાલજી ગંગવાલને તેમના આદર-સન્માનની સૂચના કરી. અને રહેવા- જમવાની બ્રિટીશરી ભલામણ કરી.
મિશ્રીલાલજીએ જણાવ્યું કે એમની રહેવાની ઉતરવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા આપણા સરકીટ હાઉસમાં થઈ જશે. અને જમવાની પણ ઉત્તમ શાકાહારી વ્યવસ્થા થઈ જશે. માંસાહાર નહીં થાય..
એ બાબતમાં જ્યારે વિશિષ્ટ ભલામણ નહેરુજી તરફથી આવી ત્યારે આ ચુસ્ત કોંગ્રેસી અને જૈની ગંગાવાલજીએ સ્પષ્ટ શબ્દોમાં નનૈયો ભણી દીધો. અને વાત ઉમેરવાની દિશામાં કહ્યું કે એક બીજી પણ વાત સમજી લેજો. નહેરુજીના 'શું' ના પ્રશ્નમાં જવાબ આપ્યો કે અહીં મારી હાજરીમાં રાત્રિભોજન પણ નહીં થાય. તેઓ અહીં ફરવા નથી આવી રહ્યા. અહીં તીર્થયાત્રા કરવા આવી કરવા આવી રહ્યા છે. જોઈએ તો મારું રાજીનામું આપી દઇશ. પણ રાત્રિભોજન કે નોનવેજ વ્યવસ્થા મારી ભલામણ ચિઠ્ઠીમાં નહીં જ થાય.
અને મિશ્રીમલજી ગંગવાલની સમુચિત વ્યવસ્થામાં લેડી આવ્યા. એમની સુવાસ વ્યવસ્થાથી તેઓ ખૂબ ખુશ થયા હતા. શાકાહારની મજા માણી. ધર્મ અને સમાજમાં ખૂબ ઊંચો મોભો જાળવનાર ગંગવાલજી ૧૯૫૬માં ફાઈનાન્સ મિનિસ્ટર પણ બન્યા. અને આગળ અનેક પ્રકારના જાત-ભાતના મિનિસ્ટર પદને શોભાવતા ગંગવાલજી ૧૯૮૧માં સ્વર્ગવાસ પામ્યા.
ઇ.સ. ૨૦૦૮માં મિશ્રીલાલજીની યાદમાં અને તેમના માનમાં દેશભક્તિ જાગરણ અભિયાન તેમના દીકરા નરેન્દ્ર ગંગવાલના સંચાલન હેઠળ થયું હતું.
પ્રભાવના
૧૫ મી ઓગસ્ટે ભારતને આઝાદ કરાવવામાં જેઓ કોંગ્રેસ પાર્ટીમાં સાથે રહીને લડયા હતા. હંમેશા કોંગ્રેસપાર્ટીને વફાદાર રહ્યા હતા. તથા ૨૦મી ઓગસ્ટે, શ્રાવણ સુદ-૮ના રોજ જે પ્રાર્શ્વનાથ પરમાત્મા આ નશ્વર સંસારમાંથી આઝાદ થઈને શાશ્વત-સિદ્ધપદને પામ્યા હતા, તેવા પાર્શ્વનાથ પરમાત્માના તેઓ પરમ ઉપાસક હતા.
પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા આગળ તેમણે સંકલ્પ કરેલો કે હું કદી રાત્રિભોજન કરીશ નહીં. અને મારી હાજરીમાં ક્યાંય-કયારેય રાત્રિભોજન થવા દઇશ નહીં. પછી ભલે ભારતના પ્રેસીડેન્ટ હોય કે બ્રિટનના. દુનિયાના પ્રેસીડેન્ટ એક જ છે - ત્રિલોકનાથ ભગવાન




