Dharmlok

સંતે ઉપનય કથાનું પૃથ્થકરણ કર્યું

By GS Team
29 Jul 20263 mins read
સંતે ઉપનય કથાનું પૃથ્થકરણ કર્યું
  • પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

જીવનના પંચ્યાશી વર્ષની પૂર્ણની પૂર્ણતાએ હવેલીને હીંચકે ઝુલતા પૂનમચંદ શેઠ વિચારે છે, ''સઘળો વૈભવ છોડવાનો સમય આવ્યો છે, પરલોકે કશું સાથ નહીં આવે, પણ પ્રાણથી અધિક પ્રેમ કરતી મારી પત્નીઓ તો જરૂર સાથ દેશે.' તેમણે પહેલી પત્નીને બોલાવીને કહે છે, 'હવે મારો જવાનો સમય નજીક છે. જ્યારે હું પરલોક પ્રયાણ કરું ત્યારે તું મારી સાથે ચાલીશ ?' 'ના એવું કઈ રીતે બને ? તમારો સમય નજીક છે. મારો સમય ક્યાં થયો છે ? મારે જવાની હજુ વાર છે. પુત્રને ત્યાં પુત્ર આવશે, એને રમાડીને જ હું જઈશ' પહેલી પત્નીએ કહ્યું.
બીજી પત્નીને બોલાવીને પૂછે છે કે, 'હું પરલોકે પ્રયાણ કરું ત્યારે તું મારી સાથે આવીશ ?' ના, મારે તો દીકરાને પરણાવવાનો છે' બીજીએ કહ્યું.
ત્રીજી પત્નીને પૂછે છે કે, 'તું મને સર્વથી અધિક વહાલી છો ને તું પણ મને પ્રાણપ્યારાનું સંબોધન કરે છે, તો તું તો મારી સાથે પરલોકની મહાયાત્રામાં આવીશને ?' ત્રીજી પણ કહે છે કે, 'ના, ના. હું કઈ રીતે આવી શકું ? હજુ તો મારે પુત્રીને પરણાવવી છે.'
પૂનમચંદ શેઠે સંસારની અસારતા જણાય છે. તે વિચારે છે કે, 'મારા જીવનમાં ચોથી પત્નીનો પ્રવેશ મારા જીવનનો ટર્િંનગ પોઇન્ટ હતો. જીવનમાં તેના પ્રવેશ પછી તેની પ્રેરણાથી જ મારાં સત્કાર્યોની શરૂઆત થઈ, જીવન ધર્મમય બન્યું. ખેર, કોઈએ આમાં સાથ ન આપ્યો તો આ નાની શું સાથ આપે ? તેને હજુ ઘણું માણવાનું, ભોગવવાનું બાકી છે.' થોથવાતી જીભે શેઠ ચોથી પત્નીને પૂછે છે, 'તું પરલોકયાત્રામાં મારી સાથે આવીશ?'
ચોથી કહે, 'જરૂર, હું આવીશ. હું તમને અત્યંત ચાહું છું, સાચા હૃદયથી પ્રેમ કરું છું. આપના અંતિમ સમયે મારું આયુષ્યકર્મ પૂર્ણ થતું હશે તો જરૂર હું આપની સાથે આવવા તૈયાર છું. આપની એક-એક ક્ષણમાં કર્મનિર્ઝરા થાય અને આપની અંતિમ ક્ષણો સમાધિમય હોય તેવા મારા સમ્યક્ પુરુષાર્થનું સાતત્ય હશે'… આટલું કહે છે કે ત્યાં રસોઈઘરમાંથી બૂમ સંભળાય છે, 'પધારો…પધારો.' સંત ભિક્ષા લેવા પધાર્યા છે. બન્ને ઝડપથી રસોઈઘર તરફ દોટ મૂકે છે. પત્ની અને પૂનમચંદ શેઠ સંતને ભાવથી ભિક્ષા વહોરાવે છે અને પછી દીવાનખાનામાં એક બાજુ ઊભા રહીને શેઠ કહે છે કે, 'ગુરૂદેવ, એક મૂંઝવણ છે. આપને શાતા અનુકૂળતા હોય તો જણાવું ?' ગુરુજી કહે, 'કહો !'
શેઠે આજે પોતાની ચારે પત્ની સાથે થયેલા સંવાદની વિગત કહી. સંત કહે, 'આ સાંભળીને મને લાગે છે કે, આજે તમારા જીવનમાં એક ઉપનય કથાની ઘટના ઘટીત થઈ તેનું હું પૃથ્થકરણ કરું છું. તમારી પહેલી પત્ની એ ના કહી એ તમારું શરીર છે એમ સમજવું. આપણને આ સંસાર છોડીને પરલોક જઈએ ત્યારે આપણું શરીર આપણી સાથે આવતું નથી. આ નશ્વર દેહને સ્વજનો અગ્નિના હવાલે કરી દે છે જે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે.
તમારી બીજી પત્નીએ ના પાડી એટલે તમારે એમ સમજવું કે, મારું મન પણ મારી સાથે આવવાનું નથી. જ્યારે આપણે જઈએ ત્યારે આપણું મન અને બુદ્ધિ પણ આપણાથી છૂટી જાય છે.
તમારી ત્રીજી પત્નીએ ના પાડી તે માટે તમારે એમ સમજવું કે, મારી ઓળખ, મારા સંબંધો, મારા સ્વજનો મારી સાથે આવવાના નથી, તે બધા જ અહીં છૂટી જશે. 'હું શેઠ છું, પિતા છું, પતિ છું, પુત્ર છું, ભાઈ છું' વગેરે તમામ સંબંધો કે કોઈ પણ દુન્યવી ઉપલબ્ધિઓ, વકીલ, ડૉક્ટર, સભાપતિ, નગરશેઠ, પ્રધાનમંત્રી, કમિશનર કલેકટર, ટ્રસ્ટી કે પ્રમુખ…આ બધું જ છૂટી જશે.
આપની ચોથી પત્નીએ સાથ આપવાની વાત કરી તેને કર્મરૂપે જાણી. તમે જ્યારે પરલોક સિધાઓ ત્યારે તમારી સાથે બીજું કશું ન આવી શકે, પણ તમારાં કર્મ તમારો સાથ કદી છોડશે નહીં. તમારા પુન:જન્મમાં આત્મા સાથે તમારા સારાં-નરસાં કર્મો જ આવશે. તે કર્મોના પરિણામ પ્રમાણે જ તમારી ભવાંતરની યાત્રા થશે. માટે તમારી ચોથી પત્ની એને તમારા ધર્મના સંસ્કાર સમજીને સત્કાર્યોમાં મન પરોવી, શક્ય એટલી કર્મનિર્ઝરા કરવી અને એ રીતે સમાધિમરણની તૈયારી કરવી, તેથી સદ્ગતિ ને વરશો' સંતે માંગલિક કહી વિદાય લીધી.