'યોગ્ય સમયે યોગ્ય કામ'

- 'હાય રે! સંજય, શું પાંડવોએ મારા સો એ સો પુત્રોને મારી નાખ્યા? દૈત્ય જેવો ભીમ મારા બધા પુત્રોને ખાઈ ગયો? સંજય, ઓ સંજય. તું સાચું કહે છે? યુધિષ્ઠિર તો ધર્માત્મા છે, ધર્મભીરૂ છે. ધર્મરક્ષક છે તેણે મારા પુત્રોને મારતાં તેના ભાઈઓને રોક્યા નહિ.'
કુરૂક્ષેત્રનું મહાયુધ્ધ સમાપ્ત થયું. સંજય કુરૂક્ષેત્રના સમરાંગણમાંથી હસ્તિનાપુર પહોંચ્યો. હસ્તિનાપુરના રસ્તાઓ સ્ત્રીઓની રોકકળના શોકથી ઘેરાયેલા, પુરૂષવિહીન, નિસ્તબ્ધ અને ભેંકાર દેખાતા હતા. સંજય રાજભવનમાં દાખલ થયો. ગાંધારી, દુ:શલા, કૌરવ-પત્નીઓ, દુર્યોધનની સ્ત્રીઓ હૈયાફાટ રૂદન કરતી હતી. વિદુર સૌને સાંત્વન આપતા હતા. અંધ રાજા ધૃતરાષ્ટ્ર લોહીલુહાણ લાગણીઓના ઢગલા જેવો ઉદાસ બેઠો હતો. સંજય ધૃતરાષ્ટ્રની સામે જઈ ઉભો રહ્યો,'મહારાજ, આ અભાગી સંજય આપને પ્રણામ કરે છે.' તેનો અવાજ સાંભળતાં જ ધૃતરાષ્ટ્રના શરીરે કંપારી આવી ગઈ. તેણે અત્યંત ઉત્કંઠ સ્વરે પૂછયું.' શી ખબર લાવ્યો છે, સંજય?' સંજયે કહ્યું, 'મહારાજ, હવે હું બીજી કઈ ખબર લાવવાનો હતો! આપણે હારી ગયાં છીએ. આપણી અઢાર અક્ષૌહિણી સેના ધૂળધાણી થઈ ગઈ છે. પાંડવો યુદ્ધ જીતી ગયા. એકલા ભીમે જ દુર્યોધન સહિત આપના બધા જ પુત્રોને મારી નાખ્યા છે.' આ વાત સાંભળતાં જ ત્યાં બેઠેલી સ્ત્રીઓના મુખમાંથી હૃદયવેધક ચિચિયારીઓ નીકળવા લાગી. ધૃતરાષ્ટ્ર ઢળી પડયો. તેને હાંફ ચડયો. તે ધુંવાંપુવાં થતો આવેશમાં આવી વિલાપ કરવા લાગ્યો.
'હાય રે ! સંજય, શું પાંડવોએ મારા સો એ સો પુત્રોને મારી નાખ્યા ? દૈત્ય જેવો ભીમ મારા બધા પુત્રોને ખાઈ ગયો ? સંજય, ઓ સંજય. તું સાચું કહે છે ? યુધિષ્ઠિર તો ધર્માત્મા છે, ધર્મભીરૂ છે. ધર્મરક્ષક છે તેણે મારા પુત્રોને મારતાં તેના ભાઈઓને રોક્યા નહિ.' તેના કૌરવભાઈઓની સહેજેય દયા ના આવી ? પાંડવોએ મને ડાળી વિનાના બાંડા વૃક્ષ જેવો, પાંખ વિનાના પંખી જેવો લાચાર બનાવી દીધો. તેમણે મારા પુત્રોને મારી વગર વાંકે મારૃં રાજ્ય પડાવી લીધું. વાતાવરણમાં ઘેરા શોકનો ભાર છવાઈ ગયો. થોડીવારે સંજયે કહ્યું,' મહારાજ, શાંત થાવ. આપ જાતે જ જ્ઞાન ધારણ કરી સ્વસ્થ થાવ. હવે જ્યારે પરિણામનો મહાન ભય માથા પર આવી ગયો છે ત્યારે આમ શોક કેમ કરો છો ? આ વ્યાજબી નથી, મહારાજ, એમાં કોઈ સંદેહ નથી કે કુરૂવંશના વિનાશનું મૂળ કારણ આપ જ છો. પુત્રોની દરેક વાતમાં હા-એ-હા કરી તમે ખુદ વેરનાં બીજ રોપ્યાં હતાં. જ્યારે એ વેર ભૂલવાની વાત બધાએ સમજાવી ત્યારે તમે કોઈની વાત ના માની. પુત્ર મોહમાં અધર્મ થવા દીધો.
(તતો ભીમ: સ્મરન્ કલેશાનક્ષદ્યૂતે વનેપિચ… ધર્માત્મા જીવિતને વૃકોદર : દ્રોણપર્વ.૧૨ થી ૨૦ ) મહારાજ, દુર્યોધન નાનપણમાં પાંડવોને હેરાન કરતો હતો ત્યારે, વગર અપરાધે કુંતીદેવીને પાંડવો સહિત લાક્ષગૃહમાં બાળી મૂકવાનો પ્રયત્ન થયો ત્યારે, કુલવધૂ દ્રૌપદીનું ચોટલો પકડી ભરી સભામાં ખેંચી અપમાન થયું ત્યારે, વનગમન વખતે તમારા પુત્રો તેમની નિ:સહાય દશા પર ચેનચાળા કરતા હતા ત્યારે, પાંડવોની સમૃધ્ધ રાજધાની પડાવી લીધી ત્યારે, ત્યારે તમે ચૂપ રહ્યા. કશું ના બોલ્યા. તમે રાજા હતા. પાંડવોને મન પૂજ્ય પિતા સમાન હતા. જો તમે પાંડવોના ધર્મ અને દુર્યોધનના અધર્મને યોગ્ય સમયે હૈયાના ત્રાજવે તોલવાનું કામ કર્યું હોત તો આજે શોક કરવાનો વારો ના આવત.' (આહાવેવ મનુષ્યેણ વર્તિતવ્યં યથાક્ષમમ્ । યથા નાતીતમર્થ વૈ પશ્ચાતાપને પુજ્યતે..સ્ત્રીપર્વ.૩૫) મહારાજ, માણસે યોગ્ય સમયે યોગ્ય કામ-વર્તન કરવું જોઈએ. જેથી ભવિષ્યમાં વીતેલી કોઈ વાતનો પશ્ચાતાપ ના કરવો પડે.'
વ્યક્તિએ સુપેરે સમજી લેવું જોઈએ કે યોગ્ય સમયે કામ ના થાય તો તેના પરિણામો કેટલાં ઘાતક આવી શકે છે. જો ધર્મને રસ્તે લઈ જનારો ઇરાદો સ્પષ્ટ અને મજબૂત ના હોય તો ઇચ્છાશક્તિ અધર્મને માર્ગે લઈ જઇ ભવ બગાડે છે. સમય કોઈના માટે રોકાતો નથી. કોઈ પણ કિંમતે પાછો ફરતો નથી. તે ગયો એટલે ગયો. સમયની સાથે વીતેલી જીવનની કોઈપણ ક્ષણ ફરી જીવવા મળતી નથી. માટે મોહમાં પડયા વગર કટોકટીની ક્ષણે પણ ધર્મ અનુસાર સીધા રસ્તે ચાલનાર દુ:ખી થતો નથી.
જોન હન્ટસમેન પ્રેસિડેન્ટ નિકસનના સમયે તેમની સાથે ઊંચા હોદ્દા પર હતા. તેમનું પદ સન્માનીય હતું. એક વખત અગત્યની બાબતે ખોટો નિર્ણય લેવાની જરૂર પડી. લાભ મળવાનો હતો. ફાયદો થવાનો હતો. છતાં નૈતિક મૂલ્યો સાથે સમાધાન ના કરવાના સિધ્ધાંતને લીધે તેમણે આત્માની વાત માની. કોઈની સલાહ લીધા વગર ચૂપચાપ રાજીનામું આપી દીધું. સમયસરના એ યોગ્ય નિર્ણયથી તે વોટરગેટ કૌભાંડમાંથી બચી ગયા. યોગ્ય સમયે યોગ્ય કામ કરવાથી માણસ અધર્મની જાળમાં ફસાતાં બચી શકે છે.
પ્રત્યેક માણસના જીવનમાં એક એવી પળ આવતી હોય છે. જ્યારે તે પળને ઓળખીને તરત કામ શરૂ કરે તો ખુદ પોતાના બળે સફળતાના શિખર પર પહોંચી શકે છે. અનેક શ્રેષ્ઠ ગાયિકાઓ વચ્ચે લતાજીએ પહેલું ગીત ગાયું ત્યારે તે સ્વરકોકિલા બની શક્યાં. અનેક ખેલાડીઓ વચ્ચે સચીને પહેલીવાર બેટ ઉપાડયું, ત્યારે તે માસ્ટરબેટ્સમેન બની શક્યો. અત્યાર સુધી થયેલી દરેક વૈજ્ઞાનિક શોધ યોગ્ય સમયે, સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં કરતાં તરત તેનો અમલ કરવાથી થયેલી છે. ડો.ચંદ્રશેખર વ્યંકટરમણ ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. આથમતી સંધ્યાએ સ્ટીમરની ડેક પરથી ભૂમધ્ય સમુદ્રના લહેરાતાં પાણીમાં પ્રકાશથી ઝગમગતા રંગોનો ઝબૂકતો પ્રકાશ જોયો. તે જોતાં જ વૈજ્ઞાનિક ડો.રમણના એ નિરીક્ષણથી દુનિયાને રમન લાઈટ ઇફેક્ટ્સ મળી. આ શોધ માટે તેમને નોબેલ પ્રાઈઝ મળ્યું.
કામ થવું જ જરૂરી નથી. જરૂરી કામ સમયસર થવું જરૂરી છે. તૈયાર થવામાં એટલીવાર ના થવી જોઈએ કે કન્યાવિદાય થઇ હોય અને આપણે મંડળમાં પ્રવેશતાં હોઈએ. સંત, જ્ઞાની કે વડીલ પાસેથી મનની છાબડીમાં સંસ્કારના સુગંધિત ફૂલો ભેગાં કરવામાં આળસ ના કરવી. અને આપણાથી નાનાને ફક્ત સલાહથી નહિ સંસ્કારી વર્તનથી સફળ જીવન જીવવાની રીતનો પરિચય કરાવવો.
ઓકલેહામ શહેરમાં બોબી-લેવિસ પોતાના બે બાળકોને ગોલ્ફ રમાડવા લઈ ગયો. ટિકીટ કાઉન્ટર પર જઈ તેણે પૂછયું,' ટિકિટનો શો ભાવ છે ?' સામેથી જવાબ મળ્યો છ વરસથી ઉપરના અને પુખ્ત વ્યક્તિના ત્રણ ડોલર. પાંચ વરસથી નાના બાળકને મફત પ્રવેશ મળશે.' બોબીએ કહ્યું- 'ભાઈ નાનાની ઉંમર ત્રણ વરસ છે અને મોટાની સાડા છ વરસ લો, છ ડોલર. મને બે ટિકિટ આપો. ટિકિટ આપનારે કહ્યું : 'ભાઈ, તમે ધારત તો ત્રણ ડોલર બચાવી શક્ત ! મને ક્યાં ખબર પડવાની હતી કે દીકરો કેટલા વરસનો છે ?' બોબીએ કહ્યું,' હા, તમને કદાચ ખબર ના પડે, પણ મારી દીકરાઓને તો ખબર છે ને !! તે જાણે છે તેમની કેટલી ઉંમર છે. ભાઈ, પિતા તરીકે હું તેમની નજર સામે ખોટો સાબિત થવા નથી માંગતો. મને લાગે છે બાળપણથી જ આપણે બાળકોને સંસ્કાર અને નૈતિક મૂલ્યોની જાળવણી વિષે સમયસર સમજાવવું જોઈએ.
- સુરેન્દ્ર શાહ




