Dharmlok

વ્યવહારિક વેદાંતના પ્રવર્તક: હસતા સંન્યાસી સ્વામી રામતીર્થ

By GS Team
2 Sep 20264 mins read
વ્યવહારિક વેદાંતના પ્રવર્તક: હસતા સંન્યાસી સ્વામી રામતીર્થ
  • વિચાર-વીથિકા- દેવેશ મહેતા

'સુખ બહારની વસ્તુઓમાં નથી, સુખ તમારી પોતાની અંદર (આત્મામાં) છે. જ્યારે તમે બહાર સુખ શોધવાનું બંધ કરો છો અને તમારી અંદર સ્થિર થાઓ છો ત્યારે તમે પોતે જ આનંદનું સ્વરૂપ બની જાઓ છો.'

  • 'ધર્મ એ પુસ્તકો કે મંદિરોમાં પુરાઈ રહેવા માટે નથી. જે ધર્મ ભૂખ્યાને અન્ન, અજ્ઞાાનીને શિક્ષણ અને સમાજને એકતા ન આપી શકે તે ધર્મ નથી પણ અંધશ્રદ્ધા છે.'
  • 'જો તમે તમારી જાતને કમજોર સમજશો તો આખી દુનિયા તમને કમજોર માનશે. જો તમે તમારી અંદર રહેલી દિવ્યતાને ઓળખી લેશો તો આખી દુનિયા તમારી સામે ઝૂકી જશે.'
  • 'ભૂતકાળની ચિંતા છોડી દો અને ભવિષ્યનો ડર ન રાખો. વર્તમાન ક્ષણમાં જીવવું અને સિંહની જેમ નિર્ભય રહેવું એ જ સાચા જ્ઞાાનીના લક્ષણો છે.'
  • જો તમે ઇશ્વરને મંદિરમાં કે મૂર્તિમાં શોધવા માંગો છો તો પહેલાં તેને ગરીબોના આંસુમાં અને પીડિતોની સેવામાં શોધો. માનવ સેવા એ જ સાચી માધવ સેવા છે.'
  • સ્વામી રામતીર્થ
    મૂળ જેમનું નામ તીર્થરામ હતું અને સંન્યાસ પછી જે રામતીર્થ બન્યા તે પ્રખર વેદાંતી, આદર્શ સંન્યાસી, દેશભક્ત તત્વચિંતક સ્વામી રામતીર્થ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર હતા. તે અત્યંત મેધાવી અને બહુશ્રુત હતા. તે ગણિતમાં એટલા હોશિયાર હતા કે તેમણે કોલેજમાં ગણિતના પ્રોફેસર તરીકે પણ કામગીરી કરી હતી. પ્રોફેસર તરીકે કામ કરતી વખતે તે આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા અને તે કૃષ્ણભક્ત બન્યા હતા. ૧૮૯૭માં લાહોરમાં તેમની મુલાકાત સ્વામી વિવેકાનંદ સાથે થઈ હતી. સ્વામી વિવેકાનંદના વિચારો અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને તેમણે સંન્યાસ લેવાનો વિચાર કર્યો હતો. સ્વામી રામતીર્થ સંન્યાસ લીધા પછી પોતાની પાસે ક્યારેય પૈસા કે સામાન રાખતા નહોતા છતાંય તેમણે ભારત અને વિશ્વભરમાં ભ્રમણ કરીને વેદાંતનો પ્રસાર અને પ્રચાર કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પછી અમેરિકામાં હિંદુ ધર્મ પર પ્રવચન આપનારા બીજા મુખ્ય આધ્યાત્મિક ગુરૂ હતા. તે કહેતા કે વેદાંતને જાણીને જીવનના વ્યવહારમાં ઉતારવું ખૂબ જરૂરી છે.
    જ્યારે સ્વામી રામતીર્થ જાપાનથી સ્ટીમર દ્વારા અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો બંદરે પહોંચ્યા ત્યારે તેમની પાસે કોઈ પૈસા કે સામાન નહોતો. ત્યાં કોઈની ઓળખાણ પણ નહોતી. સ્ટીમર પરના એક અજાણ્યા મુસાફરે તેમને પૂછયું - સ્વામીજી, તમારો સામાન ક્યાં છે ? સ્વામજીએ હસીને પોતાના શરીર તરફ ઇશારો કર્યો અને કહ્યું - 'આ રહ્યો મારો સામાન.' તે મુસાફરે ફરી પૂછયું - 'તમારા પૈસા ક્યાં છે?' સ્વામીજીએ કહ્યું - 'હું ક્યારેય પૈસા સાથે રાખતો નથી. મારા ખિસ્સા હંમેશા ખાલી જ હોય છે.' આ સાંભળી પેલો મુસાફર ચિંતિત થયો અને તેણે પૂછયું - 'તો પછી અમેરિકામાં તમારો ખર્ચ કોણ ઉપાડશે ? તમે ક્યાં રહેશો ? તમારો કોઈ મિત્ર અહીં રહે છે ?' સ્વામજીએ એ મુસાફરના ખભા પર હાથ મૂક્યો અને અત્યંત હેતથી કહ્યું - 'હા, મારો એક મિત્ર છે ને… અહીં મારી સામે જ છે. તમે જ મારા મિત્ર છો ! સ્વામીજીના આ નિખાલસતા, આત્મીયતા અને ઉદાર ભ્રાતૃભાવનાથી એ અમેરિકન પ્રભાવિત થઈ ગયો. તેનું નામ હતું ડો. આલ્બર્ટ હિલર (Dr. Albert Hiller) ડો. હિલર અને તેમના પત્ની સ્વામી રામતીર્થના જ્ઞાાન, વ્યક્તિત્વ અને સ્વભાવથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે સેન ફ્રાન્સિસ્કોમાં સ્વામીજીને પોતાના ઘેર આદરપૂર્વક આશ્રય આપ્યો હતો. સ્વામીજી લગભગ દોઢ વર્ષ સુધી તેમના મહેમાન તરીકે રહ્યા અને ત્યાંથી જ તેમણે વેદાન્તનો પ્રચાર શરૂ કર્યો હતો.
    અમેરિકાના લોકો માટે એક સંન્યાસીને નિત્ય પ્રસન્ન, આનંદમય અને મોટેથી હસતા જોવો એ એક નવો અનુભવ હતો. અમેરિકાના વર્તમાનપત્રોએ સ્વામીજી વિશે મોટા લેખો છાપ્યા અને તેમને હસતા સંન્યાસી (The Laughing Monk) તરીકે ઓળખાવ્યા. સ્વામી પોતે પોતાના પ્રવચનોની શરૂઆતમાં અમેરિકન શ્રોતાઓને ખૂબ જ સ્નેહ, પ્રેમ, આત્મીયતાથી 'માય ઓન સેલ્ફ ઈન ધ ફોર્મ ઓફ અમેરિકન્સ (સ્અ ર્ુહ જીઙ્મક ૈહ ંરી ર્કદ્બિ ર્ક છદ્બીિૈષ્ઠટ્વહજ) અર્થાત્ અમેરિકનોના રૂપમાં મારો જ આત્મા) કહીને સંબોધતા હતા. તે પોતાને કોઈ ગરીબ સાધુ નહીં, પણ બ્રહ્માંડના સ્વામી સમજતા, તેથી અમેરિકનો તેમને 'રામ બાદશાહ' પણ કહેતા હતા. અમેરિકાના તત્કાલીન પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ પણ તેમને મળ્યા હતા. સ્વામી રામતીર્થ દેશભક્તિને સર્વોચ્ચ ધર્મ માનતા હતા. તેઓ કહેતા - 'જ્યારે હું ચાલું છું ત્યારે સમજો કે આખું ભારત ચાલી રહ્યું છે, જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે આખું ભારત શ્વાસ લે છે. ભારતનું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે.' રામતીર્થ જાતિવાદ અને ધાર્મિક ભેદભાવના સખત વિરોધી હતા.