Dharmlok

ભારતને માટે પ્રેરણારૂપ એવું અમેરિકાની 'જૈના' સંસ્થાનું સંગઠન !

By GS Team
8 Jul 20265 mins read
ભારતને માટે પ્રેરણારૂપ એવું અમેરિકાની 'જૈના' સંસ્થાનું સંગઠન !

આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
આજે વિદેશોમાં ફેલાયેલા જૈન સમાજની એટલે કે જૈન ડાયસ્પોરાની વાત કરીએ, ત્યારે આપણા ખૂબ ઊંડે સુધી જડ ઘાલીને બેઠેલા આવેશયુક્ત વાદ-વિવાદ અને મત-મતાંતરના ઉગ્ર મતભેદોનો પીડાદાયક અનુભવ થાય છે. આજે વિશ્વના અનેક દેશોમાં વસતો યહૂદી સમાજ પરસ્પર સાથે એકસૂત્રે જોડાયેલો છે અને એમાં પણ ઇઝરાયલમાં આવેલી યુનિવર્સિટી ઓફ હિબ્રૂએ વિશ્વભરના યહૂદીઓને પોતાની પ્રાચીન ભાષા હિબ્રૂ આત્મસાત્ કરાવી અને એ રીતે યહૂદી ધર્મના આચાર-વિચારનું વૈશ્વિક અનુસંધાન સાધ્યું. વિશ્વના વિભિન્ન દેશોમાં વસતો યહુદી સમાજ જૈન સમાજની જેમ ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ કરતાં ઘણી ઓછી સંખ્યા ધરાવે છે, પણ વર્તમાન વિશ્વ પર એના સંગઠનને કારણે પ્રબળ પ્રભાવ જોવા મળે છે. આ વાત વ્યાપાર અને વ્યવસાયમાં નિપુણ જૈન સમાજે ભૂલવા જેવી નથી.
આવી જ રીતે ગ્રીક ડાયસ્પોરાનો ઉદ્ભવ અન્ય દેશોનાં આક્રમણના ભયથી અને વધુ તો અન્ય દેશોની સંસ્કૃતિ પોતાની પ્રાચીન સંસ્કૃતિની જીવનશૈલી અને મૂલ્યોને ભૂંસી નાખશે એવા ભયમાંથી થયો હતો. આજે ગુજરાતી ડાયસ્પોરા દ્વારા અમેરિકા અને અન્ય દેશોના નિવાસી ગુજરાતીઓને માતૃભાષા, ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વ્યવસાયના માધ્યમથી એક સૂત્રે જોડવાનો પ્રયાસ થાય છે. ગુજરાત સરકારની ગ્દઇય્ સંસ્થાઓ દ્વારા પણ ગુજરાતી ડાયસ્પોરાનું કામ ચાલે છે. 'ગુર્જરી ડાયજેસ્ટ' સામયિક વિદેશમાં વસતા ગુજરાતી લેખકોની કૃતિઓ અને એમની સાહિત્યિક ગતિવિધિઓને પ્રગટ કરે છે.
દેશાવર ખેડવાનાં કારણો : જૈન ડાયસ્પોરાનો વિચાર કરીએ, ત્યારે પ્રારંભે માદરે વતન છોડીને અન્ય દેશમાં ગયેલા જૈનોની પરિસ્થિતિનો વિચાર કરવો પડે. સૌપ્રથમ તો જૈન સમાજે આજીવિકાની ખોજમાં દેશાવર ખેડવાનો વિચાર કર્યો છે. આપણે ત્યાં એક લોકગીત છે,
'લાડલો પૂછે લાડલીને
કિયો ભલેરો દેશ ?
સંપત્ત હોય તો દેશ ભલો,
નહીં તો ભલો પરદેશ.'
૧૯મી સદી અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં રાજસ્થાન અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં વસતા જૈનોની આર્થિક પરિસ્થિતિ ઘણી કફોડી હતી. વારંવાર આવતો દુષ્કાળ ગરીબી ઓછી આજીવિકા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ, અણવિકસિત અર્થતંત્ર, ભાંગી ગયેલા ગૃહઉધોગો- આ સઘળા પ્રશ્નોથી એ સમયનો જૈન સમાજ વ્યથિત હતો. એમાં પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં રાજ-રજવાડાંઓના શોષક વ્યવસ્થાતંત્રને પરિણામે પ્રજાની પીડાનો પાર નહોતો.
કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના પાણી વિનાના પ્રદેશમાં ધંધો ખેતીનો હોય અને મેઘરાજાએ અબોલા લીધા હોય, ત્યારે ખેડૂતોને સદાય જીવનનિર્વાહ માટે વલખાં મારવાં પડતાં. વળી રાજ-રજવાડાંઓ વચ્ચે થતી નાની નાની લડાઈઓથી પણ ઘણું સહન કરવું પડતું, આથી કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી રોજી-રોટી રળવા માટે કેટલાક જૈનો પહેલાં મુંબઈ, પછી કરાંચી અને ત્યારબાદ ઝાંઝીબાર, માડાગાસ્કર અને કેન્યાના અજાણ્યા પ્રદેશોમાં અજાણી પ્રજા વચ્ચે અપ્રતિમ ધૈર્યથી આજીવિકાની પ્રાપ્તિ માટે ગયા. કેટલાય જૈનોએ એ સમયે 'અંધારિયા ખંડ' તરીકે ઓળખાતા આફ્રિકાના આ દેશોમાં અગણિત આફતો સહન કરીને આજીવિકા માટે વેપાર દ્વારા આર્થિક ઉપાર્જન કરવાનો પ્રયત્ન કર્યો.
પરદેશમાં માત્ર ભૌગોલિક પરિસ્થિતિ જ નહીં, બલ્કે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને સત્તાકીય પર્યાવરણની અનેક મુશ્કેલીઓ અને પ્રતિરોધો વચ્ચે જૈન પ્રજાએ તિતિક્ષાપૂર્વક એનું સ્થાન ટકાવી રાખ્યું. એ જ એ સાહસિક પૂર્વજોની ખુમારી અને આત્મબળ દર્શાવે છે. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં આફ્રિકાના યુગાન્ડા જેવા દેશોમાં જુલમી શાસકોને કારણે જૈન સમાજના જૈનોને સ્થાળાંતર કરવાની ફરજ પડી અને એમણે ઇંગ્લેન્ડમાં વસવાટ કરીને લેસ્ટર જેવા શહેરની સિકલ બદલી નાખી.
અમેરિકામાં સૌથી પ્રથમ કોઈ મહત્ત્વની વ્યક્તિએ પ્રવેશ કર્યો હોય તો તે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી છે. એમણે અમેરિકા જતી વખતે સ્ટીમરમાં પોતાના ભોજનને માટે અલાયદી ગોઠવણ કરી હતી અને એથીય વિશેષ જૈન પ્રણાલી મુજબ ભોજન બનાવવા માટે એમણે પોતાના ગામ મહુવાના જાદુગર નથુ મંચ્છાને સાથે લીધા હતા. એમણે એ સમયે અમેરિકાના શિકાગોમાં ૧૮૯૩માં યોજાયેલી 'વિશ્વ ધર્મ પરિષદ'માં વિદેશી પોશાક પહેરવાને બદલે જૈન શ્રાવકની પાઘડી, ઝભ્ભો અને ઓખાઈ જોડા સાથે ભારતીય પોશાકમાં વકતવ્ય આપ્યું. પોતાનાં વ્યાખ્યાનોમાં ભારત વિશેની ભ્રામક માન્યતાઓનું નિરસન કર્યું અને ભારતીય પ્રજાનાં તહેવારો, ભોજનશૈલી અને જીવનરીતિની વિશેષતા બતાવી.
ઇ.સ.૧૯૦૪માં યોજાયેલા વિશ્વમેળામાં અમેરિકાનાં સેન્ટ લૂઇસમાં અત્યંત કલાપૂર્ણ એવું જૈન કાષ્ઠમંદિર દર્શાવવામાં આવ્યું. જે આજે લોસ એન્જેલસના જૈન સેન્ટર ઓફ સધન કેલિફોનિયાનું એક કલામય આકર્ષણ છે. આ પછીના સમયગાળામાં થોડાક જૈનો અમેરિકાના પ્રવાસે આવતા હતા, પરંતુ ઇ.સ.૧૯૬૦ પછી વધુ અભ્યાસ કરીને તેજસ્વી કારકિર્દીનું ઘડતર કરવા અને ત્યારબાદ વ્યવસાય પ્રાપ્ત કરી અમેરિકામાં સ્થાયી થવા માટે આવનારા જૈનોનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો.
૧૯૬૫માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પ્રથમ જૈન સંઘની સ્થાપના થઈ અને એને 'જૈન સેન્ટર ઓફ અમેરિકા'નું નામાભિધાન આપવામાં આવ્યું. એ પછી અમેરિકા અને કેનેડામાં જુદાં જુદાં જૈન સેન્ટરોનો પ્રારંભ થયો. ગુરુદેવ શ્રી ચિત્રભાનુ અને આચાર્યશ્રી સુશીલમુનિજી દ્વારા જૈન ધર્મના પ્રચાર-પ્રસારના પ્રયોગો થયા. આચાર્યશ્રી સુશીલમુનિજીએ અમેરિકામાં એકસો એકરમાં 'સિદ્ધાચલમ્' નું સર્જન કર્યું. આજે અમેરિકા અને કેનેડાનાં જૈન સેન્ટરો જોડાયેલાં છે. તો એની સાથોસાથ જુદા જુદા પંડિતો, અભ્યાસીઓ અને પૂજા-પૂજન કરાવનારા દ્વારા અમેરિકામાં જૈન ધર્મનો પ્રસાર થતો રહ્યો. ૧૯૮૦માં સ્થપાયેલી 'જૈન' સંસ્થા દર બે વર્ષે અમેરિકાનાં શહેરોમાં વ્યાપક સ્તરે અધિવેશન કરે છે, જેમાં પાંચેક હજારથી વધુ જૈનો એકત્રિત થાય છે. અમેરિકામાં રહેતા જૈનોમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના ઉપાસકો વિશેષ છે, પણ અહીં શ્વેતાંબર ઉપરાંત દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથ અને શ્રીમદ્ રાજચંદ્ર વગેરે પરંપરાની આરાધના કરતા જૈનો પણ એકસાથે ભાગ લે છે. અમેરિકાના ૬૭ જેટલાં જૈન સેન્ટરોમાં પાઠશાળા ચાલે છે અને તેને માટે 'જૈના' સંસ્થાએ પાઠયપુસ્તકો તૈયાર કર્યા છે. વળી પાઠશાળાના શિક્ષકોનું અધિવેશન પણ થાય છે. વડીલો માટે સ્વાધ્યાય-સત્સંગના આયોજન ઉપરાંત ભારત અને અમેરિકામાં આવેલાં જૈન તીર્થસ્થાનોની તીર્થયાત્રા પણ યોજાય છે. ' જૈના' ઇ-લાઇબ્રેરી દેશ-વિદેશના અભ્યાસીઓને માટે મૂલ્યવાન ગ્રંથાલય છે. આ જૈન સેન્ટરોમાં પર્યુષણ મહાપર્વ, આયંબિલની ઓળી જેવા પ્રસંગોએ ધાર્મિક પ્રવચનો રાખવામાં આવે છે. જૈના દ્વારા જૈન ધર્મનો વૈશ્વિક સ્તરે પ્રભાવ પાડનારી પાંચ વ્યક્તિઓને ૨૦૨૫માં 'જૈના ગ્લોબલ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો. જેમાંની એક વ્યક્તિ જે આ કોલમ લેખક કુમારપાળ દેસાઈ છે. આ પૂર્વે એમને 'જેના' સંસ્થા દ્વારા 'જૈન પ્રેસિડેન્ટ સ્પેશ્યલ એવોર્ડ' અને 'જૈના એમ્બેસેડર એવોર્ડ' એનાયત થયા છે.
આજે લગભગ એક લાખ જૈનો અમેરિકામાં વસે છે. ભારત બહાર જેટલા જૈનો રહે છે, તેમાં લગભગ ૩૩ ટકા જૈનો અમેરિકામાં વસે છે. 'જૈના' સંસ્થા ભારતમાં કુદરતી આપત્તિ વખતે સહયોગ કરે છે. એનો ઇતિહાસ વિસ્તૃત છે, જેની માહિતી 'જૈન વિશ્વકોશ' (ખંડ :૪, પૃ.૨૨)માંથી પ્રાપ્ત થશે. ભારત સિવાયના અન્ય દેશોમાં ચાલતી જૈન ધર્મની વિશેષ પ્રવૃત્તિઓની વાત હવે પછી કરીશું.