પરમ પવિત્ર... 'વામન' ચરિત્ર

આદિકાળથી આજસુધી ઉચ્ચતમ જીવનમૂલ્યો તેમજ દિવ્ય જીવન સંપદાઓથી દિવ્ય રીતે વિભૂષિત થઈ 'અવતારો', ભારત ભૂમિ ઉપર જન્મ્યા છે. તેથી જ, આપણા દેશને દેવોની… અવતારાી નરરત્નોની ખાણ કહેવામાં આવે છે.
આપણી સનાતન ધર્મધારામાં ૨૪ અવતારોનો ઉલ્લેખ છે. ઉચ્ચસ્તરીય ચેતનાથી સંપન્ન દિવ્યાવતારોના વારસાનું ગૌરવ માત્ર ભારતભૂમિને મળ્યું છે.
ગીતામાં ભગવાને કહ્યું છે, 'યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ… તદાત્મને સંભવામિ યુગે યુગે…'
ભાદરવા સુદ ૧૨ - મધ્યાહન કાળે માતા અદિતિ સન્મુખ 'વામન ભગવાન' પ્રગટ થયા. ચારે બાજુ પ્રકાશ… આનંદ ફેલાઈ ગયો.
ભગવાન 'વામન' સ્વરૂપે પ્રગટ થયા. પ્રગટ થયા ત્યારે સાત વર્ષના હતા. સુંદર લંગોટી પહેરી હતી. દિવ્યતેજ હતું. બ્રહ્માદિ દેવો ત્યાં આવીને દર્શન કરવા માંડયા.
વામન પ્રભુને જનોઈ - યજ્ઞાોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. અદિતિએ લંગોટી આપી. ધરતીએ આસન આપ્યું. બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સરસ્વતીમાતાએ માળા આપી. ને…. કુબેરે 'ભિક્ષાપાત્ર' આપ્યું. વામનપ્રભુ ગુરૂજીને ત્યાં ભણવા ગયા. ત્યાં રહ્યા. અભ્યાસ પૂરો થયો એટલે ગુરૂજીએ આજ્ઞા કરી કે… બલિરાજા અશ્વમેઘ યજ્ઞા કરે છે. તેમને ત્યાં જાઓ. તે તમને ભિક્ષા આપશે.
પગમાં પાવડી, હાથમાં કમંડળ, કેવળ લંગોટી, હાથમાં છત્ર, કમર ઉપર મુંજની મેખલા, ને શરીરે યજ્ઞાોપવિત ધારણ કર્યું હતું. બગલમાં મૃગચર્મ, શિર પર જટા, મુખ ઉપર બ્રહ્મ તેજ ઝળહળતું હતું.
વામનજી યજ્ઞાસ્થળે પહોંચ્યા. બલિરાજાએ તથા રાણી વિંધ્યાવલીએ ભાવપૂર્વક પૂજા કરી. વામનજીએ બલિરાજાનાં વખાણ કર્યા. બલિરાજાએ કહ્યું, 'હે પ્રભુ ! તમે કંઈક માગો.' વામન ભગવાને કહ્યું, 'હું ત્રણ પગલાં ધરતી ભૂમિ માગું છું.'
ત્રણ પગલાં જમીન આપવા બલિરાજા તૈયાર થયા. તેમના ગુરૂ શુક્રાચાર્યે બલિરાજાને ના પાડી. શુક્રાચાર્યે સંકલ્પવિધિ કરવાની ના પાડી. ભગવાન વામજીએ બલિરાજા પાસે સંકલ્પ વિધિ કરાવ્યો. સંકલ્પવિધિ વખતે નાળચાવાળી લોટીમાં પાણી લઈ બલિરાજાને પાણી આપવા ગયા. બલિરાજાના ગુરૂ શુક્રાચાર્ય નાળચામાં પેસી ગયા. પ્રભુ જાણી ગયા એટલે નાળચામાં એક મજબૂત સળી નાખી. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ.
વામન પ્રભુએ બલિરાજા પાસે સંકલ્પ કરાવ્યો બલિરાજાએ ત્રણ ડગલાં… પગલાં ભૂમિ માગી. વામન ભગવાને ચમત્કાર સર્જ્યો. તેમણે આકાશ કરતાં મોટું સ્વરૂપ કર્યું. એક ડગલે સમસ્ત ધરતી લઈ લીધી. બીજે ડગલે આકાશ, સ્વર્ગલોક લીધો. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું તે બલિરાજાના માથા ઉપર ત્રીજું ડગલું એવું મુક્યું કે બલિરાજા ઠેઠ પાતાળમાં પહોંચી ગયા. ભગવાને તેને પાતાળનું રાજ્ય સોંપ્યું. સ્વર્ગાદિનું રાજ્ય દેવોને મળી ગયું. પાતાળમાં વામન ભગવાન બલિરાજાના દ્વારે પહેરેગીર બન્યા. 'રાવણ' બલિરાજાને મારવા પાતાળ પહોંચેલો. પહેરો ભરતા ભગવાને રાવણને લાત મારી સમુદ્રમાં ફેંક્યો.
લક્ષ્મીજીએ બલિરાજાને હાથે રાખડી બાંધી ને તેને ધર્મનો ભાઈ બનાવ્યો. બલિરાજાએ ભગવાનને પહેરેગીરની સેવામાંથી મુક્ત કર્યા.
પરમપવિત્ર વામન ચરિત્રની કથા 'પિતૃદિન'ના દિવસે કરવામાં આવે તો પિતૃઓને સદ્ગતિ મળે છે. વામન ભગવાન વિષ્ણુજીનો પાંચમો અવતાર ગણાય છે.
આ કથાના સારરૂપ એટલું સમજીએ કે પ્રભુને (૧) તન, (૨) મન, (૩) ધન તથા સત્વ… રજસ્… તમસ્… અર્પણ કરીને પ્રભુને ગમે તેવું જીવન જીવીએ. પરમેશ્વરને જે તન, મન, ધન અર્પણ કરે તેની દરેક ઇંદ્રિયોનું રક્ષણ થાય છે.
- લાભુભાઈ ર. પંડયા




