ભગવાન સદાશિવની આરાધનાનું પર્વ: 'પવિત્ર શ્રાવણ માસ'

વિક્રમ સંવત પ્રમાણે બાર મહિના છે. તેમાં શ્રાવણ માસનું મહત્વ અનેરું છે. શ્રાવણ માસ એટલે ભગવાન સદાશિવની પૂજા, આરાધના કરવાનો પવિત્ર માસ. ભગવાન શિવજીના મંદિરને શિવાલય કહેવાય છે. શ્રાવણ માસમાં શિવાલયમાં જઈને ભગવાન શિવજીના જ્યોતિરૂપી લીંગની પૂજા કરે છે. બિલ્લીપત્ર અર્પણ કરે છે. બિલ્લીપત્ર ત્રણ દલવાળાં હોય છે. જે આપણી પ્રકૃતિના સતોગુણ, રજોગુણ અને તમોગુણનું પ્રતીક છે. દરેક ગુણનું પોતાનું મહત્વ છે. ત્રણેય ગુણ શરીરમાં સમ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે.
ભગવાન શિવજીનું કુટુંબ વિવિધતાથી ભરેલું છે. ભગવાન શિવજીના ગળામાં સાપ છે. તેમના પુત્ર ગણેશજીનું વાહન ઉંદર છે. સાપ અને ઉંદરને વેર હોય છે. સાપ ઉંદરને ખાઈ જાય છે. આવી ભિન્ન પ્રકૃતિ હોવા છતાં બન્ને એક પરિવારમાં સાથે રહે છે. ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેયનું વાહન મોર છે. શિવજીનું વાહન પોઠીયો છે. હાથમાં ત્રિશુળ છે. બીજા હાથમાં વાદ્યનું પ્રતીક ડમરું છે. શિવજી તાંડવ નૃત્ય કરી શકે છે. સ્વભાવ ભોળો છે. તેથી થોડું તપ કરનાર સાધકને પણ મનવાંછીત ફળ વરદાન રૂપે આપી દે છે. પોતાના ત્રીજા નેત્ર દ્વારા કામદેવને બાળીને ભસ્મ કરી દે છે. આવા સર્વ શક્તિમાન ભગવાન શિવજીને રીઝવવા વ્રત, ઉપવાસ તથા ભજન કીર્તન કરવાનો મહિમા છે.
શ્રાવણ માસમાં ભગવાન શિવજીની કથા 'શિવપુરાણ' સાંભળવાનું બહુ જ મહત્વ હોવાથી ગામે ગામ અને શહેરોમાં મોહલ્લે મોહલ્લે શિવકથા સાંભળવાનું સુંદર આયોજન થાય છે.
શિવ એટલે કલ્યાણ કારી. આવા કલ્યાણકારી ભગવાન સદાશિવની કથા શિવપુરાણનું શ્રવણ કરીએ. ' ઓમ નમ: શિવાય' ના મંગલમય જાપ કરીએ. ભારતીય વૈદિક સાહિત્યમાં દ્વાદશ (બાર) જ્યોતિર્લીંગના દર્શનનું મહાત્મય દર્શાવાયું છે. યથા શક્તિ જ્યોતિર્િંલગનાં દર્શન કરીને આધ્યાત્મિક ઉર્જા મેળવીએ. ભક્તિ કરવી. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ યોગ્ય વ્યક્તિઓને દાન કરવું, પોતાના વર્તનમાં દયા, કરૂણા, પ્રેમ અને લાગણી સભર હૂંફ દર્શાવીને અન્યના હિતની ચિંતા કરવી. આ રીતે ભક્તિ સાથે સત્કર્મો ભળી જાય તો… શાંતિ, સિદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થશે તેવું શાસ્ત્રોમાં વિધાન છે.
શિવજીને પ્રસન્ન કરતો મહામૃત્યુંજય મંત્ર :
ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ ।
જન્મ, મૃત્યુ, જરા,
વ્યાધિ પિડિતં કર્મ બંધને ।।
ઓમ ત્ર્યંબકં યજામહે
સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વા રૂકમિવ બન્ધનાત મૃત્યોમોક્ષીય મામૃતાત્ ।।
વ્યક્તિના અંત સમયે આ મૃત્યુંજય જાપ તેના કાનમાં સંભળાવીએ તો તે વ્યક્તિ પરમપદને પામે છે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય




