Dharmlok
મન મજબૂત તો જીવન મજબૂત
By GS Team
15 Jul 20263 mins read
આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ સાગર મનની અપાર શક્તિ વિશે જણાવે છે. 1957માં ગળાના કેન્સરથી પીડાતા રાઈટ નામના પાયલટે 'ક્લેબાયોસિન' દવા વિશે વાંચ્યું. દવાથી સાજા થયા પછી, તે દવા નકામી હોવાના સમાચાર વાંચીને 7 દિવસમાં મૃત્યુ પામ્યા. અશ્રદ્ધા, દ્વિધા અને શંકા મનને નબળું પાડી નકારાત્મક પરિણામ લાવે છે.
00:00
00:20
Summarized by AI; it may make mistakes. Check important info
આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ સાગર મનની અપાર શક્તિ વિશે જણાવે છે. 1957માં ગળાના કેન્સરથી પીડાતા રાઈટ નામના પાયલટે 'ક્લેબાયોસિન' દવા વિશે વાંચ્યું. દવાથી સાજા થયા પછી, તે દવા નકામી હોવાના સમાચાર વાંચીને 7 દિવસમાં મૃત્યુ પામ્યા. અશ્રદ્ધા, દ્વિધા અને શંકા મનને નબળું પાડી નકારાત્મક પરિણામ લાવે છે.
00:00
00:20
Summarized by AI; it may make mistakes. Check important info

- પ્રેરણાની પરબ આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
સાગર જેમ પાણીની દ્રષ્ટિએ અપાર છે, આકાશ જેમ સ્પેસની દ્રષ્ટિએ અપાર છે, તેમ મન શક્તિની દ્રષ્ટિએ અપાર છે. અલબત્ત, ક્યારેક એવું બને છે કે મનની આ શક્તિ સકારાત્મક યા શુભ કાર્યોમાં જ નિર્બળ સાબિત થાય છે. આજે મનની અપાર શક્તિ વિશેના ત્રીજા લેખમાં આપણે વિમર્શ કરીશું મનની શક્તિને ખરા ટાણે જ નિર્બળ કરનારા પરિબળો વિશે. આવા પરિબળો કુલ ત્રણ છે ઃ (૧) અશ્રદ્ધા : કાર્યસિદ્ધિ પ્રત્યે અથવા પોતાની તે કાર્ય સાથેની ક્ષમતા વિશે અશ્રદ્ધા હોવી - અવિશ્વાસ હોવો. જેમકે 'મારી તાકાત જ નથી, તેથી આ કાર્ય હું નહિ કરી શકું.' આવા વિચારો મનઃશક્તિને નિર્બળ કરે છે. (૨) દ્વિધા : સફળતા વિશે વિચારો વિવરીંગ બની જવા. ઉદાહરણરૂપે ક્યારેક વિચાર આવે કે હું સફળ થઈશ અને વળી ક્યારેક એમ પણ થાય કે સફળ થવાય એવું લાગતું તો નથી અને (૩) શંકા : વિચારો સતત શંકિત રહેવા કે શું મારો આ પ્રયાસ સફળ થશે ખરો ? નહિ થાય તો ? વગેરે. આવા વિચારો મનની શક્તિ અપાર હોવા છતાં તેને કુંઠિત કરવાનું અને નુકસાન કરવાનું કાર્ય કરે છે. પરિણામ એ આવે છે કે આના કારણે રિઝલ્ટ પોઝિટિવ આવવાના બદલે નેગેટિવ આવે છે. આપણે એક સત્ય ઘટના દ્વારા આ વાતની પ્રતીતિ કરીએ :
ઇ.સ. ૧૯૫૭. એ વર્ષે રાઈટ નામના એક પાઈલોટને ગળાનો દુઃખાવો શરૂ થયો અને વધવા લાગ્યો. રિપોર્ટ્સ આવતા ખબર પડી કે રાઈટને ગળાનું કેન્સર છે. ત્યારે કેન્સર અસાધ્ય રોગ ગણાતો અને તેની કોઈ દવા નહોતી. રાઈટ મનથી સાવ તૂટી ગયો. કારણ તેની જિંદગી હવે ખૂબ થોડી જ હતી. એક દિવસની વાત. એણે અખબારમાં વાંચ્યું કે કેન્સરને કાબૂમાં કરી શકાય તેવી 'ક્લેબાયોસિન' નામની દવા શોધાઈ છે. આ દવા ગમે તેવા કેન્સરને મટાડશે અને દવા લેવાની શરૂઆત થવા સાથે જ કેન્સરની ગાંઠો ઓગળવા લાગશે. વાંચીને રાઈટની ખુશીનો પાર ન રહ્યો. મૃત્યુનો ડર સાવ ભાગી ગયો. ડોક્ટરોને આ દવા વિશે શંકા હતી. પણ રાઈટને વિશ્વાસ હતો કે આ દવાથી તે બચી જશે. તેના આગ્રહથી ડોક્ટરોએ આ દવા તેને આપી. અસર એવી જોરદાર થઈ કે થોડા જ દિવસોમાં કેન્સરની ગાંઠો સાવ ઓગળી ગઈ અને રાઈટ સ્વસ્થ થઈને નોકરી ઉપર પરત ફર્યા. થોડા મહિનાઓ પછી અખબારોમાં ફરી સમાચાર ચમક્યા કે 'કેન્સરની જે દવા શોધાઈ હતી, તેની લેબોરેટરીમાં તપાસ થતા સાબિત થયું કે એ દવા સાવ ખોટી છે. તેનાથી કેન્સર મટતું નથી…' આ સમાચાર વાંચતાં જ રાઈટનાં મનમાં દવા પ્રત્યે શંકા થઈ. કપાળ પરસેવે રેબઝેબ થઈ ગયું. એનું મન ઢીલું પડી ગયું. બીજા જ દિવસે તે બિમાર પડયો. હોસ્પિટલમાં દાખલ થયો. શરીરમાં કેન્સરની ગાંઠો ફરી જોવા મળી અને સાત દિવસમાં તો તે મૃત્યુ પામ્યો. શું દર્શાવે છે આ ઘટના ? એ જ કે અશ્રદ્ધા-દ્વિધા અને શંકા ઃ આ ત્રણેય પરિબળો દ્વારા નિર્બળ બનેલું મન આપણા શરીર ઉપરાંત જીવનમાં પણ નેગેટિવ સ્થિતિનું સર્જન કરે છે. આપણે આ ત્રણેય પરિબળોને દૂર રાખવા સાથે યાદ રાખીએ આ સંદેશ કે 'માંદુ મન જીવન માંદુ બનાવે છે… મજબૂત મન જીવન મજબૂત બનાવે છે…'









