Dharmlok

સદ્ગુરુની માનસિક ઉપસ્થિતિ પણ તારક છે

By GS Team
21 Oct 20262 mins read
સદ્ગુરુની માનસિક ઉપસ્થિતિ પણ તારક છે

એક સંત. અધ્યાત્મ પરંપરામાં ખૂબ જ ઊંડા ઉતરેલા. દિન-રાત ધ્યાન કરે. એક દિવસ સંત ધ્યાનમાં હતા, ત્યારે એક યુવાન આવ્યો. થોડીવાર બેઠો રહ્યો. અલ્પ સમય પછી સંત ધ્યાનમાંથી બહાર આવ્યા, ત્યારે યુવાને કરબદ્ધ નમસ્કાર કરી કહ્યું : 'ગુરુદેવ! મારે આપના શિષ્ય થવું છે. આપ મારો સ્વીકાર કરશો?'
સંતે સસ્નેહ કહ્યું : 'ભાઈ! તારો અસ્વીકાર કરનાર હું કોણ? પરત્માના દ્વાર તો સમસ્ત વિશ્વ માટે ખુલ્લા છે, તો હું કેવી રીતે કોઈને ના કહી શકું ?' સંતના પ્રેમાળ વાર્તાલાપથી યુવાન ભિંજાઈ ગયો. તેણે આગળ પૂછયું : 'ગુરુદેવ! હું ખૂબ જ પાપી છું. મારા જીવનમાં મેં ઘણાં બધાં પાપો કર્યા છે. આવા પાપીનો આપ સ્વીકાર કરશો?' સંતે સ્નેહની અભિવૃદ્ધિ સાથે કહ્યું : 'આ દુનિયામાં કોણ પાપી નથી? સૌએ થોડા પાપો તો કર્યા જ હોય છે. મારા માટે તો આનંદની વાત આ છે કે, તું તારા પાપનો સરળતાથી સ્વીકાર અને આટલી સહજતાથી એકરાર કરે છે. સૌ કોઈ માટે આ સહેલું નથી!'
યુવાન તો સંત ઉપર ઓવારી ગયો. તેને એમ હતું કે, મારા જેવા પાપીને સૌ ધિક્કારતા જ હોય છે, તો સ્વીકાર કોણ કરે? અને આટલું જલદી સંત સ્વીકારશે, તેવી તેને કલ્પના ન હતી. હવે વધુ નિખાલસતાથી તેણે કહ્યું : 'હું શરાબનું વ્યસન કરું છું, વ્યભિચાર પણ કરું છુ,? અર્થાત્ બધા જ પાપો કરું છુ. હવે મારે આ બધાં ભયંકર પાપોથી મુક્ત થવું હોય, તો હું શું કરું? કૃપા કરી આપ મને માર્ગદર્શન આપો.'
સંતે કહ્યું : 'જો વત્સ! આજથી તેં મને ગુરુ બનાવ્યો છે, અને મેં તારો શિષ્ય તરિકે સ્વીકાર પણ કર્યો છે, તેથી હવે તને જ્યારે પણ પાપ કરવાનું મન થાય, ત્યારે તારે મારી હાજરીમાં પાપ કરવાનું. તનથી પાપ કરવું હોય તો પણ મારી હાજરીમાં કરવાનું, અને મનથી પાપ કરવું હોય તો પણ મારી હાજરીમાં જ કરવાનું !' 'તહત્તિ' કરી શિષ્ય જતો રહ્યો.
કેટલાંક દિવસો પછી તે આવ્યો. સહજ ગુરુદેવે પૂછયું : 'કેવું છે હવે?' તો યુવાન બોલ્યો : 'ગુરુદેવ! તે દિવસે તો હું આપને 'હા' કહીને જતો રહ્યો, પણ પછી ખ્યાલ આવ્યો કે શરાબ કે વ્યભિચાર તો આપની હાજરીમાં કરાય જ નહીં, અને આપનાથી દૂર હોઉ ત્યારે કરવાનો વિચાર આવે ને તરત જ સામે આપ દેખાઓ છો. હવે આપની ઉપસ્થિતિ અનુભવાય, તો પાપનું આચરણ કેવી રીતે થાય? તેથી એ દિવસથી શરાબ, વ્યભિચાર, જુગાર વગેરે બધું જ છૂટી ગયું છે.'
સંતે હવે યુવાનની આંખમાં આંખ મિલાવી કહ્યું : સદ્ગુરુની વાસ્તવિક ઉપસ્થિતિ તો તારક છે જ, પણ સાથે સાથે માનસિક - કાલ્પનિક ઉપસ્થિતિ પણ તારક છે. તે આપણને પાપોની મોટી મોટી ગર્તામાં પડતા બચાવે છે. સદ્ગુરુ સ્વીકારનો આ જ સૌથી મોટો લાભ છે.

  • રાજ સંઘવી