Dharmlok
પિતૃતર્પણ - શ્રાદ્ધનો ધાર્મિક મહિમા
By GS Team
23 Sep 20263 mins read

- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
'એકાદિનાપિ મર્ત્યેન શ્રાદ્ધં કાર્યં વિભનતા ।
પિતૃઋણ વિમોક્ષાય યાવજ્જીવં યથાતથમ્ ।।
શાસ્ત્રોના રહસ્યને જાણનારા (સમજુ) મનુષ્યે પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે, પોતાના જીવનકાળ દરમિયાન અર્થાત્ જીવે ત્યાં સુધી દર વર્ષે શાસ્ત્ર વિધિ અનુસાર યથાશક્તિ ઓછામાં ઓછું એક દિવસ પણ શ્રાદ્ધકર્મ અવશ્ય કરવું જોઈએ.'
- ગરૂડપુરાણ (ધર્મકાંડ/પ્રેતકલ્પ, અધ્યાય-૨૧)
- આયુ: પ્રજ્ઞાં ધનં વિદ્યાં સ્વર્ગં મોક્ષં સુખાનિ ચ ।
પ્રયચ્છન્તિ તથા રાજ્યં પ્રીતા નૃણાં પિતામહા: ।।
શ્રાદ્ધકર્મથી પ્રસન્ન થઈને પિતૃઓ પોતાના વંશજોને દીર્ઘ આયુષ્ય, બુદ્ધિ, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સંસારના તમામ સુખો અને રાજ્ય (પ્રતિષ્ઠા) પ્રદાન કરે છે.
(માર્કંડેય પુરાણ/મનુસ્મૃતિ)
હિંદુ સંસ્કૃતિ એ કૃતજ્ઞાતાની સંસ્કૃતિ છે. આપણા અસ્તિત્વ માટે જે પૂર્વજો નિમિત્ત બન્યા, તેમના પ્રત્યે આદર અને શ્રદ્ધા પ્રગટ કરવાનું પર્વ એટલે શ્રધ્ધા. શાસ્ત્રોમાં શ્રાદ્ધનો સીધો સંબંધ શ્રદ્ધા સાથે જોડવામાં આવ્યો છે.
શ્રદ્ધયા દીયતે યસ્માચ્છ્રદ્ધં તેનર્કીર્તિતમ્ । પિતૃમુદ્દિશ્ય યદ્દાનં શ્રાદ્ધં તદભિધીયતે ।।
જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. પોતાના પિતૃઓને ઉદ્દેશીને જે અન્ન, જળ અને દાન શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે છે તે જ શ્રાદ્ધ છે. (મરીચિ સ્મૃતિ)
મહાભારતના અનુશાસન પર્વ અને અન્ય પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પિતૃઓ યમલોક કે પિતૃલોક છોડીને પોતાના વંશજોના ઘરે આવીને પોતાના સૂક્ષ્મરૂપે નિવાસ કરે છે અને શ્રાદ્ધની પ્રતીક્ષા કરે છે - 'કન્યાગત સૂર્યે ચ યાતુધાન્યા: ।
ભયાનકા: । પિતૃલોકં પરિત્યજ્ય તિષ્ઠન્તિ સ્મ ગૃહે ગૃહે ।।
અનુશાસન પર્વના ૮૭મા અધ્યાયના ૯ થી ૧૭ સુધીના શ્લોકોમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને પ્રતિષ્ઠાથી અમાસ સુધીની દરેક તિથિમાં શ્રાદ્ધ કરવાનું જુદું જુદું ફળ બતાવ્યું છે.
માર્કંડેય પુરાણમાં ઉલ્લેખ છે કે આસો માસના કૃષ્ણ પક્ષમાં જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે યમરાજ તમામ પિતૃઓને પોતાના વંશજો પાસેથી અન્ન-જળ ગ્રહણ કરવા માટે મુક્ત કરે છે. આ સમયે કરેલું શ્રાદ્ધ પિતૃઓને સીધું તૃપ્ત કરે છે. શ્રાદ્ધમાં તર્પણની વિધિનું ખાસ મહત્વ હોય છે. તર્પણ કરવું એટલે જ પ્રસન્ન કરવું કે સંતુષ્ટ કરવું. મહર્ષિ મરીચિ દર્શાવે છે - મૃત પિતૃઓ માટે પોતાને પ્રિય ભોજન શ્રદ્ધાયુક્ત થઈને પ્રદાન કરવું એને જ શ્રાદ્ધ કહેવાય.
રામાયણમાં દશરથ રાજાના શ્રાદ્ધનો પ્રસંગ નોંધપાત્ર છે. વનવાસ દરમિયાન જ્યારે ભગવાન શ્રીરામ, માતા સીતાજી અને લક્ષ્મણ બિહારના ગયા તીર્થ ખાતે પિતૃ તર્પણ (શ્રાદ્ધ) કરવા ગયા હતા ત્યારે શ્રીરામ અને લક્ષ્મણ ક્ષાદ્ધની સામગ્રી લેવા નગર તરફ ગયા હતા. સામગ્રી લાવવામાં વિલંબ થતા અને શ્રાદ્ધનો શુભ સમય વીતી રહ્યો હોવાથી માતા સીતાએ ફાલ્ગુ નદી, ગાય, વડનું વૃક્ષ (અક્ષયવટ) એ કેતકીના ફૂલને સાક્ષી રાખીને રાજા દશરથનું પિંડદાન ફાલ્ગુ નદીની રેતીથી જ કરી દીધું. જ્યારે શ્રીરામ પાછા આવ્યા ત્યારે રાજા દશરથના આત્માએ સ્વયં સશરીર પ્રગટ થઈને સીતાજીના પિંડદાનનો સ્વીકાર કર્યો હોવાની સાક્ષી પૂરી હતી. આજે પણ ગયાજી પિતૃશ્રાદ્ધ માટે સર્વોત્તમ તીર્થ માનવામાં આવે છે.
એક પૌરાણિક કથા પ્રમાણે તરવર નામના રાજા આમ તો ધાર્મિક હતા, પરંતુ એકવાર વ્યસ્તતાને કારણે પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા. તે જ રાત્રે તેમના સ્વપ્નમાં તેમના પૂર્વજો કાગડાના સ્વરૂપમાં આવ્યા અને ભૂખથી વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યા. રાજા તરત જ જાગી ગયા અને સવારે વહેલા ઊઠીને પિતૃઓ નિમિત્તે અન્ન અને જળનું દાન કર્યું. તેનાથી પિતૃઓએ પ્રસન્ન થઈ તેમને અનેક આશિષ આપ્યા. શ્રાદ્ધમાં કાગડાને ભોજન (કાગવાસ) આપવાની પરંપરા પાછળ એ માન્યતા જોડાયેલી છે કે કાગડાના માધ્યમથી અન્ન પિતૃઓ સુધી પહોંચે છે. એટલે કહેવાય છે - 'યમદૂતા: પ્રપન્ના: સ્મ, કાકરૂપ ધરા: ક્ષિતૌ । પિતૃણાં તૃપ્તિહેતોર્વૈ ગૃહીત્વાન્નં પ્રયાન્તુ તે ।।
અમે યમના દૂતો કાગડાના રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવેલા છીએ. પિતૃઓની તૃપ્તિના હેતુરૂપ અન્નને ગ્રહણ કરીને તેઓ પ્રયાણ કરે.'




