આષાઢસ્ય પ્રથમ દિવસે... મેઘદૂત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેઘદૂત એ મહાકવિ, કવિકુલગુરૂ, કાલિદાસે લખેલું ઉર્મિકાવ્ય છે. રામાયણ અને મહાભારત પછી તેની ગણના સંસ્કૃત સાહિત્યના એક મહાન કાવ્ય તરીકે થાય છે. એથી જ તો વાલ્મીકી અને વ્યાસ પછી કાલિદાસના નામનું સ્મરણ થાય છે.
મેઘદૂત બે ભાગોમાં લખાયેલ છે. પૂર્વમેઘ અને ઉત્તરમેઘ, મેઘદૂતના ૧૧૭ શ્લોકો છે. તેમાં ૧૪ શ્લોકો સંદેશના છે. ૮ શ્લોકો અલકાનગરીના વર્ણનના અને ૧૫ શ્લોક વિરહીણી યક્ષિણીના છે. કાલિદાસે મેઘદૂતની રચના નાગપુર પાસેના એક રામટેક નામના ટેકરા ઉપર રહીને કરી હતી. આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘને જોતાં જ કુબેરના શ્રાપથી પ્રિયતમાથી વિખૂટો પડેલો એક યક્ષ વ્યાકુળ બની જાય છે અને દીવાથી ઉત્તર અલકાનગરી તરફ ગતિ કરતા મેઘને પોતાનું સંદેશવાહક બનાવી વિરહિણી પ્રિયાને સંદેશો મોકલવા તત્પર થયો. એ દૂત એ જ મેઘદૂત. આ શાપિત યક્ષ બીજું કોઈ નહી ખુદ કાલિદાસ હતા અને તેઓ પોતાની પ્રિયાના વિરહમાં ઝૂરતા હતા.
કાલિદાસે વર્ણવેલી મેઘની સફર રામગિરિ પ્રર્વતથી આરંભાય છે અને કૈલાસપર્વત પર આવેલી અલકાનગરીમાં સુખદ અંત પામે છે. કાલિદાસ યક્ષ દ્વારા ભારતના નદી, પર્વત, નગરો, મહેલો, નર-નારીઓ, પક્ષીઓ વિ.નું એવું અદ્ભુત વર્ણન કરે છે કે જાણે તેનું ચિત્ર આપણી આંખ સમક્ષ ઉપસતું હોય.
કવિ મેઘદૂતના આરંભે 'કશ્ચિત યક્ષ' એટલે કે કોઈક યક્ષ એમ કહે છે, આથી એક બાજુ યક્ષની કથા છે. બીજી કવિની પોતાની કથા છે તો ત્રીજી બાજુ વિશ્વના તમામ વિરહીઓની કથા છે.
કુબેરની રાજધાની કલકાપુરીમાં એક યક્ષની નિમણુંક યક્ષરાજ કુબેરની પ્રાતઃકાલિન પૂજા માટે દરરોજ માનસરોવરથી સ્વર્ણકમળ લાવવા માટે નિયુક્ત કરી હતી. યક્ષ નવો નવો પરણેલો હતો. પણ વહેલા ઉઠવું ન પડે એટલો સમય યક્ષિણી સાથે સહવાસમાં વધુ મળે તે માટે આગલી રાત્રે જ તળાવમાંથી કમળો ચૂંટી લાવતો અને રાજા કુબેરને સવારમાં પહોંચાડતો તેના કમનસીબે રાત્રે કમળમાં કેદ થયેલા ભમરાએ રાજાને ડંખ માર્યો, રાજા કુબેરથી આ સહન ન થયું, તેણે કારણ જાણ્યું એને પરિણામે યક્ષને પોતાની પત્ની યક્ષિણીથી એક વર્ષ દૂર રહેવાની સજા ફરમાવી. હવે આ યક્ષે ગોદાવરી નદીના કિનારે રામગિરી આશ્રમમાં આશરો લીધો. ક્યારેક ત્યાં તળાવો અને સરોવરો હતા. તેમાં સીતાજીએ સ્નાન કર્યું હતું. તેથી તેનું મહત્વ વધી ગયું હતું. યક્ષે થોડાક મહીના તો કોઈકને કોઈક પ્રકારે પસાર કર્યા પણ અષાઢસ્ય પ્રથમ દિવસે મેઘ એટલે ઘનઘોર વાદળો જોતાં જ પ્રિયતમાની યાદ તીવ્ર થઈ ગઈ.
યક્ષે પ્રથમ અતિશય પ્રેમભર્યા વચનોથી મેઘને આવકાર્યા તેને પોતાનો મિત્ર બનાવ્યો. કવિએ મેઘને પોતાનો દૂત બનવા પ્રાર્થના કરી. યક્ષે મેઘને પોતાની આપવિતી વર્ણવી કે રાજા કુબેરે કેવી રીતે ગુસ્સાથી તેને દેશનિકાલ કર્યો છે.
ઓ બરસા કે પહેલે બાદલ
મેરા સંદેશ લે જાના…
અસુંઅન કી બુંદ ન બરસા કર, અલકાપુરી મેં તુમ જાકર
ખબર મેરી પહુંચાના…
(ફિલ્મ-મેઘદૂત)
હવે યક્ષ મેઘને સમજાવે છે. તારે આ રામગિરી આશ્રમથી કયા કયા રસ્તેથી આગળ વધવાનું છે. રસ્તામાં વન પણ આવે અને ક્યાંક દાવાનળ પણ લાગ્યો પણ ચિંતા ના કરીશ. વરસાદ વરસાવી અને દાવાનળ શમી જશે. તને રેવા નદી મળશે. તું વરસીને ખાલી થયેલો છે. તેથી તેનું પાણી તને જરા વજન વધારીને પછી જ આગળ વધજે, જેથી પવન તને ગમે ત્યાં આડો અવળો ઘસડી ન જાય.
મેઘ ! તું આગળ વધીશ. હરણોના ટોળા, ચાતકો અને બગલીઓ તને માર્ગ બતાવશે અને સિદ્ધો આદર-સત્કાર કરશે. માનસરોવર તરફ જતા હંસ તારા પથદર્શક બનશે.
કવિ ઉજ્જૈન નગરીનું સુંદર વર્ણન કરે છે. કહેવાય છે કે કવિ કાલિદાસ ઉજ્જૈન નગરીના રાજા વિક્રમાદિત્યના રાજ કવિ હતા. કવિ મેઘને કહે છે કે રસ્તો થોડો વાંકો લેવો પડશે પણ ઉજ્જૈન તો જજે જ. ઉજ્જૈન નગરીના રત્નોથી ઉભરાતા બજારો જોજે. મહેલોના મયુરો ટહુકો કરીને તને આવકારશે. શિંવની સંધ્યા આરતીમાં તું તારા ધીમા મીઠા ગર્જનથી સૂર પુરાવજે અને દેવદાસીઓ હાથમાં ચામર લઈને નૃત્ય દ્વારા શિવની આરાધના કરતી હશે તેના પર તારો જળ બિન્દુઓનો અભિષેક કરજે.
કવિ મેઘને ક્ષિપ્રા, ચંબલ નદી, કુરુક્ષેત્ર, સરસ્વતી નદી ઉપરથી પસાર થઈ કનખલ ખાતે ગંગાના દર્શન કરવા કહે છે અને મેઘ હવે જજે કૈલાસ (કૈલાસ તો જાણે કે દેવકન્યાઓનો આયનો વળી સોનાના કમળોવાળા માનસરોવરનું આચમન કરજે અને કલ્પવૃક્ષો સાથે ગેલ કરતો જજે.
હવે આવશે અલકાપુરી કેવી મનોહર! એને જોતાં જ તું ઓળખી પાડીશ કે બસ આ જ અલકાનગરી છે જેની ઊંચી ઊંચી મહેલ મહેલાતો વર્ષાઋતુના વાદળોમાંથી ટપકતા જળ બિંદુઓનો અભિષેક પામે છે.
બસ, એ અલકાનગરીમાં કુબેરભવનની ઉત્તરે મારું ઘર આવેલું છે. એ મેઘધનુષ્યના રંગોની ઓથે છે. બારણાની બે બાજુ શંખ અને પદ્મ દોરેલા છે. મિત્ર એ નિશાનીથી તું મારું ઘર શોધી કાઢજે. તું તારા કદને જરા સંકોચીને સહેજ નાનો બનીને ત્યાં પ્રવેશ કરજે અને મારી પ્રિયાને વિજળીના ઝીણા ઝીણા ઝબકારામાં નિહાળજે એ કેવી હશે ?
- યજ્ઞોશ એચ. દોશી









