Dharmlok

નંદ ભરે આનંદ ભયો જય કનૈયાલાલ કી... ડાકોરમાં કોણ છે ? રાજા રણછોડ છે...

By GS Team
3 Sep 20262 mins read
નંદ ભરે આનંદ ભયો જય કનૈયાલાલ કી... ડાકોરમાં કોણ છે ? રાજા રણછોડ છે...

શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભાથી ભરપૂર છે. ડાકોરમાં એ રાજા રણછોડ છે, દ્વારકામાં એ દ્વારકાધીશ છે, શામળાજીમાં એ સહુ કોઈનો શામળિયો અને કાળિયો ઠાકર છે, શ્રીનાથજીમાં એ ગોવર્ધનધારી બાવા શ્રીનાથજી છે,વૃંદાવનમાં એ રાસવિહારી છે, ગોકુળમાં એ ગાયોનો ગોવાળ છે, ઉજ્જૈનમાં સાંદિપની ઋષિના આશ્રમમાં એ શિષ્ય છે અને સુદામાના સહપાઠી છે, જગન્નાથપુરીમાં એ જગતના નાથ-જગન્નાથ છે, બેટ દ્વારકાના એ રાજાધિરાજ છે અને જગતભરનાં મંદિરોમાં એ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે.
શ્રીકૃષ્ણ દેવકીના પુત્ર, મૈયા યશોદાના પાલક પુત્ર, અર્જુનના પરમમિત્ર અને સારથિ, શ્રી બલરામજીના અનુજ, દ્રૌપદીના પરમ સખા, સુદામાના લંગોટિયા ભાઈબંધ, વસુદેવના પુત્ર સ્વરૂપે વાસુદેવ, ગોપીઓ માટે માખણચોર, રાધા માટે ચિતડાના ચોર, નંદ પરિવારમાં કામણગારો કાનુડો, સૌ બાળકો માટે માનીતો લાલો, ગોવાળિયાઓના ગોપાલ, ગોકુળવાસીઓ માટે ગોવર્ધન ગિરધારી, સુભદ્રાના લાડલા ભાઈ, ત્રિવક્રા દાસીના ઉદ્ધારક, રક્ષક અને અક્રૂરજીના પરમ શ્રદ્ધેય હતા. શ્રીકૃષ્ણ ભગવાને પોતાના કોઈ ભક્તોને ક્યારેય નિરાશ નથી કર્યા. ભક્તો માટે એ દોડી દોડીને ગયા છે. નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી, દ્રૌપદીનાં ચીર પૂર્યાં, મીરાંબાઈનો ઝેરનો કટોરો અમૃતનો બનાવ્યો, હાથીને મગરની (ગજેન્દ્ર મોક્ષ) પકડમાંથી મુક્ત કર્યા, ત્રિવક્રા દાસીને રૂપવાન બનાવી, કુંવરબાઈનું મામેરૂ ભર્યું, તાંદુલના બદલામાં સુદામાને રાજમહેલનું સુખ આપ્યું, ગોકુળવાસીઓને ઇન્દ્રદેવની મનમાનીથી મુક્ત કર્યા, મણિગ્રીવ અને નલકૂબર બે રૂદ્રોને જે વૃક્ષરૂપે હતા તેમને શાપથી મુક્ત કર્યા, પાંડવોને આજીવન-જીવનપર્યંત અપેક્ષિત તમામ સહાય કરી, દુર્યોધનના મેવા-પકવાન છોડી વિદુરને ત્યાં ભાજી આરોગી, ટીંટોડીનાં ઇંડા ઉગાર્યાં, ગોપીઓ સાથે રાસલીલા રમ્યા અને ભક્ત બોડાણાને સાક્ષાત્ દર્શન આપી દ્વારકાથી ડાકોર પધાર્યા. વાહ રે મારા પ્રભુ! તારી લીલા અપરંપાર છે.

  • પી. એમ. પરમાર