આત્માનો અરીસો

- આત્મા એક એવો અરીસો છે જે આપણામાં રહેલા દરેક ગુણ અવગુણનું સાચું પ્રતિબિંબ દેખાડે છે. કોઈ મનુષ્ય કંઈ પણ ખોટું કામ કરે ત્યારે પણ તેનો અંતરાત્મા તો જાણતો જ હોય છે કે હું જે કરી રહ્યો છું તે યોગ્ય નથી. તે ખોટું છે.
- આપણો આત્મા આપણને સાચું પ્રતિબિંબ દેખાડે છે પણ જેની આંખે પાટા બાંધેલા હોય તેઓ કોઈપણ પ્રકારની છબી જોવા માટે સક્ષમ નથી હોતા. આત્માનો અરીસો ક્યારેય જૂઠું દ્રશ્ય દેખાડતો નથી. હા, એવું ચોક્કસ બને કે આપણે સત્ય જોવા ન માંગતા હોઈએ એટલે આપણને તે છબી પસંદ નથી આવતી
મનુષ્યની સાચી ઓળખાણ તેના બાહ્ય સ્વરૂપમાં નહીં પણ તેના આંતરિક સ્વરૂપમાં રહેલી છે. મનુષ્યનું આંતરિક સ્વરૂપ એટલે તેનો અંતરાત્મા જેને આપણે આતમરામ કહીએ છીએ તે. અંતરાત્માને રામનું નામ આપવામાં આળ્યું છે, કારણ કે મૂળભૂત રૂપે મનુષ્યની અંદર રહેલો આત્મા ખૂબ જ પવિત્ર છે, અને જે કંઈ પવિત્ર છે તે ઇશ્વરની ખુબ નજીક છે.
આત્મા એક એવો અરીસો છે જે આપણામાં રહેલા દરેક ગુણ અવગુણનું સાચું પ્રતિબિંબ દેખાડે છે. કોઈ મનુષ્ય કંઈ પણ ખોટું કામ કરે ત્યારે પણ તેનો અંતરાત્મા તો જાણતો જ હોય છે કે આ હું જે કરી રહ્યો છં્ તે યોગ્ય નથી. તે ખોટું છે. આપણો આત્મા આપણને દરેક વખતે સાચું જ પ્રતિબિંબ દેખાડે છે, પણ જેની આંખે પાટા જ બાંધેલા હોય તેઓ કોઈપણ પ્રકારની છબી જોવા માટે સક્ષમ નથી હોતા. આત્માનો અરીસો ક્યારેય જૂઠું દ્રશ્ય દેખાડતો નથી. જે સત્ય છે, તેનું જ પ્રતિબિંબ દેખાડે છે. હા, એવું ચોક્કસ બને કે આપણે સત્ય જોવા ન માંગતા હોઈએ એટલે આપણને તે છબી પસંદ નથી આવતી.
અંતરાત્માનો અવાજ સાંભળતા જો આવડી જાય તો જીવનમાં ઘણી સરળતા આવી જાય. આપણો અંતરાત્મા લાજે તેવું કોઈ પણ કામ કરવું જોઈએ નહીં. એટલું જ નહીં અન્યનો અંતરાત્મા દુભાય એવું પણ કોઈ જ કામ ન કરવું જોઈએ. આપણી અંદર રહેલો સહુથી ભરોસાપાત્ર મિત્ર એટલે આપણો અંતરાત્મા. એક એવો મિત્ર જે ક્યારેય દગો ન આપે. જેના પર આંધળો વિશ્વાસ કરી શકાય. જે ક્યારેય જૂઠું ન બોલે અને આપણે કદાચ કંઈક ખોટું કરીએ તો પણ આપણને તેમ કરતાં રોકે. બસ, આપણે તેનો મંદ અવાજ સાંભળવાની જરૂર હોય છે. બહારના કોલાહલમાં આપણી અંદરનો જીવ શું કહેવા માંગે છે તે સમજવાની જરૂર છે. એક વખત જો આપણે તે શીખી ગયાં તો જીવનમાં ઘણા બધાં સંઘર્ષો ઓછા થઈ જાય.
આત્માનો અરીસો એકદમ સ્વચ્છ અને નિર્મળ હોય છે. આત્માના અરીસામાં આપણી છબી આપણને કેવી જોવી ગમે તે વિચારીને તે પ્રમાણે આપણે આપણા કર્મો રાખવાં જોઈએ. આપણને આપણી છબી સ્વચ્છ, નિર્મળ અને સુંદર જોવી હોય તો આપણા કર્મો અને આપણું વર્તન પણ તે પ્રમાણે હોવાં ઘટે. અરીસાનું કામ આપણે જેવાં છીએ તેવાં દર્શાવવાનું છે. આપણો અંતરાત્મા પણ આપણને આપણે જેવાં છીએ તેવાં જ દર્શાવે છે. જેટલાં આપણા વાણી વર્તન શુદ્ધ એટલો આપણો અંતરનો અરીસો પણ સ્વચ્છ. ક્યારેક કદાચ એવું બને કે આત્માના અરીસામાં દાગ દેખાય પણ તે દાગ સાફ કેમ કરવા તે તો આપણે જ શીખવું પડશે. આપણો અંતરાત્મા સમયાંતરે શુદ્ધિકરણ માગે છે, અને તે કરવા માટેનું શ્રેષ્ઠ સાધન પ્રાર્થના છે. પ્રાર્થના એ ફક્ત આત્માનો ખોરાક જ નહીં પણ આત્માના અરીસાને સાફ અને સ્વચ્છ રાખતું પાયાનું પરિબળ છે.
અંતરાત્મા જેટલો નિર્મળ, આત્માનો અરીસો પણ એટલો જ સ્વચ્છ અને નિર્મળ બની શકે. બાકી મનમાં ઇશ્વરનો વાસ રહેશે ત્યાં સુધી કોઈ પરિબળ આત્માના અરીસાને અશુદ્ધ કરી શકે નહીં. જેના હૈયે ઇશ્વર સ્વયં વસ્યા હોય તેનો અંતરાત્મા કાયમ પવિત્ર જ રહેવાનો તેમાં કોઈ શંકા નથી. ઇશ્વર આપણને સહુને આત્માનો અરીસો શુદ્ધ રાખવામાં મદદ કરતા રહે તેવી ઇશ્વરને શુદ્ધ અંતરમનથી પ્રાર્થના.
- પ્રણામિ બુચ દેસાઈ




