Dharmlok

''માનસ રોગો અને તેના ઉપાય''

By GS Team
2 Sep 20262 mins read
''માનસ રોગો અને તેના ઉપાય''

સંત કવિ તુલસીદાસજીએ 'રામ ચરિત માનસ'માં આપણા મનમાં આવતા મનોરોગ વિષે અદ્ભૂત ચિત્રણ કર્યું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ, ઈર્ષ્યા અને મદ જેવા અનેક વિકારો આપણા મનને ઘેરી લે ત્યારે તેમાંથી બચવાના ઉપાય વર્ણવ્યા છે.
સુપનખા રાવનકે બહિની દુષ્ટ હૃદય દારુન જસ અહિની ।
પંચવટી સો ગઈ એક બારા.
દેખિ બિકલ ભઈ જુગલ કુમારા ।।
સુપનખા (સૂર્પણખા) જેના નખ સુપડા જેવા વિકારાળ છે તેવી તે રાવણની બહેન છે. દુષ્ટ સ્વભાવવાળી છે. પંચવટીમાં ભગવાન શ્રી રામ,લક્ષ્મણજી અને શ્રી સીતાજી બિરાજમાન છે ત્યાં વેશ બદલીને આવી છે. કામિનીનું રૂપ છે. શ્રીરામ અને લક્ષ્મણજીને લલચાવે છે. કહે છે : તમારૃં ઐશ્વર્ય, પ્રભાવ અને મારૃં રૂપ એક બીજા માટે સર્જાયાં છે. મારી સાથે વિવાહ કરો.
ભગવાન શ્રી રામ તેની સામે જોતા નથી. સીતાજી સામે નજર રાખીને કહ્યું : હે સુંદરી ! હું પરણેલો છું. સામે ઊભેલા લક્ષ્મણજી એકલા છે. તેમનો સંપર્ક કરો. શ્રી લક્ષ્મણજી વૈરાગ્યનું પ્રતીક છે. સદ્ગુરુ છે. સદ્ગુરૂનો આશ્રય લેવાથી કામને શાંત કરી શકાય છે તેમ ભગવાન સમજાવે છે.
કામાતુર સુપનખા લક્ષ્મણજી પાસે જાય છે. લક્ષ્મણજી તે વખતે પોતાની કટારીને ધાર આપવા ઘસી રહ્યાં છે. તુલસીદાસજીએ સમાધિ ભાષામાં રામચરિતમાનસની રચના કરી છે. લક્ષ્મણજી તેના તરફ ધ્યાન આપતા નથી. ઘણા પ્રકારની યુક્તિ કરી રહેલી સુપનખાને કહે છે : હું તો તેમનો દાસ છું દાસની સાથે રહીને તું સુખ પામી શકીશ નહીં, માટે તેમની પાસે જા.
આમ એક બીજા સામે ધકેલાતી. અપમાનીત થતી તે ક્રોધિત થઈને વિકરાળરૂપ ધારણ કરે છે. આ સીતા મારી વચ્ચે આડખીલીરૂપ છે. તેમ સમજીને તે સીતાજીને મારવા દોડે છે. ત્યારે લક્ષ્મણજી સુપનખાનાં નાક અને કાન કાપી નાંખે છે. સદ્ગુરુ જ આ રીતે વિકારી વ્યક્તિઓની શાન ઠેકાણે લાવવા કઠોર પગલાં ભરે છે.
કોઈનું નાક કાપવું એટલે ઈજ્જત-આબરૂ ઓછી કરવી. નિસ્તેજ કરવી. કાના કાપવા એટલે સદ્બોધ આપીને દીક્ષીત કરવી. આપણા મનમાં જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેવા વિકારો હાવી થવા પ્રયત્ન કરે ત્યારે તેને શાંત કરવા સદ્ગુરુના શરણે જવું. જપ-તપ- આરાધના વધારવામાં સદ્ સાહિત્યનું સેવન કરવું. આપણી ચારેય તરફ કોરાયેલી પરમાત્માની લીલા કલાને નિહાળવી. પરમાત્માના ઐશ્ચર્યને જોયું. બીજાને આનંદ આપવા ખીલી રહેલી કુદરત સાથે એકાગર થવા મથામણ કર્યા કરવાથી જ આપણા મનમાં આવતા મનોવિકાર રૂપી મોનોરોગોને શાંત કરી શકીશું.

  • નાથાલાલ બ્રહ્મક્ષત્રિય