Dharmlok

એકમાત્ર 'ગુણાનુરાગ' ગુણ માટે પુરુષાર્થી બનો અન્ય ગુણો તો જીવનમાં આપોઆપ ખેંચાઈ આવશે

By GS Team
5 Aug 20267 mins read
એકમાત્ર 'ગુણાનુરાગ' ગુણ માટે પુરુષાર્થી બનો અન્ય ગુણો તો જીવનમાં આપોઆપ ખેંચાઈ આવશે
  • અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
  • 'કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્યની નિશ્રામાં સમ્રાટ કુમારપાલે પાટણથી શત્રુંજયાદિ મહાતીર્થનો જાજરમાન પદયાત્રાસંઘ યોજ્યો હતો. સંઘ શત્રુંજયતીર્થાધિરાજ પર પહોંચ્યો ત્યારે માહોલ દેવલોકને શરમાવે તેવો હતો. હજારો યાત્રિકો-સેંકડો કોટીશ્વરો અને સ્વયં સમ્રાટ પ્રભુની ભક્તિ માટે તલપાપડ હતા.'

પૂર્વમહર્ષિપ્રણીત 'ધર્મરત્નપ્રકરણ' ગ્રન્થમાં શુદ્ધ ધર્મપ્રાપ્તિની ભૂમિકારૂપે જે એકવીશ ગુણો દર્શાવાયા છે તેની ચિંતનયાત્રામાં આજે આપણે પ્રવેશ કરીશું બારમા ગુણનાં વિવેચનમાં. એનું નામ છે ગુણાનુરાગિતા.
જીવનને સજાવે-શણગારે, ઉત્તમ બનાવે અને આત્મકલ્યાણના શિખર પર આરૂઢ કરે તેવા ગુણો તો એકેકથી ચડિયાતા અનેક છે. પરંતુ તેમાં ચોક્કસ અપેક્ષાએ બે ગુણોને અનેરું-અદકેરું સ્થાન-માન અપાયું છે. એમાં એક ગુણ છે ગુણાનુરાગ અને બીજો ગુણ છે વિનય. આ બન્ને ગુણોને અન્ય તમામ ગુણોની માતાનો દરજ્જો અપાયો છે. કારણકે એ બે ગુણોનાં કારણે અન્ય અઢળક ગુણોની પ્રાપ્તિ આપોઆપ થઈ જતી હોય છે. માટે જ વિનય અંગે લખાયું છે કે 'વિણઓ સવ્વગુણાણં મૂલં.'' મતલબ કે વિનય સર્વ ગુણોનું મૂળ છે. તો ગુણાનુરાગ અંગે જણાવાયું છે કે 'ઇગ સિક્ખ ગુણાનુરાઓ.' ભાવાર્થ કે ભાઈ ! તું એકમાત્ર ગુણાનુરાગને પ્રયાસપૂર્વક અપનાવી લે. બાકીના સર્વ ગુણ તો પછી આપમેળે ખેંચાઈ આવશે : જેમ લોહચુંબકનાં કારણે લોખંડ ખેંચાઈ આવે તેમ.
ગ્રન્થકાર સ્વયં આ ગુણ માટે શું જણાવે છે તે આપણે આગામી લેખમાં નિહાળવાનું રાખીને આ લેખમાં ગુણાનુરાગના ગુણોને જીવનમાં જબરજસ્તપણે જમાવવા માટે ચાર 'અ' પર વિચારણા કરીએ :
૧) આકર્ષણ : નિયમ એ છે કે જે વસ્તુનું વ્યક્તિનું આકર્ષણ જેનામાં હોય એ વ્યક્તિ તે વસ્તુ આદિને નિહાળતાં જ એને પ્રાપ્ત કરવા તલપાપડ થયા વિના ન રહે. આ સાર્વત્રિક નિયમ છે. બાળકને રમકડાં- પીપર વગેરેનું આકર્ષણ હોય તો એ એને પામવાના વિચારોમાં રમશે, તો મનપસંદ વસ્ત્રાલંકારોની શોખીન યુવતીને મૂલ્યવાન વસ્ત્રોનું- અલંકારોનું આકર્ષણ હોય તો એ તેને પ્રાપ્ત કરવાનાં સ્વપ્નોમાં રાચશે. અલબત્ત, તે તે વસ્તુ આદિ મળવા કે ન મળવા એ ભલે સંયોગાધીન હોય, પરંતુ એને મેળવવાની તમન્ના અને શક્ય પુરુષાર્થ તો આકર્ષણમાં હોય જ. ખબર છે પેલા બાળકની રમૂજકથા ?
પીપરમેંટની નાની દુકાન ધરાવતા પિતાને બપોરે અર્ધો કલાક કાર્ય માટે બહાર જવું પડે તેમ હતું અને દુકાન બંધ કરીને જવામાં એ રાજી ન હતા. એમનો દશ વર્ષનો પુત્ર ત્યાં જ હતો. પણ એના ભરોસે દુકાન મૂકવામાં પહેલું જોખમ એ બાળક જ બને એમ હતો. કેમ કે બાળક એકલો હોય ને સામે પીપર હોય તો એ જ પીપરો ઉઠાવ્યા વિના રહે નહીં. થોડી ક્ષણોમાં પિતાએ માર્ગ કાઢયો. સો પીપર ગણીને એમણે બહાર રાખી અને બાકીની પીપર તાળામાં મૂકી દઇ પુત્રને કહ્યું : ' જો, આ સોમાંથી જેટલી પીપર ઘટે એટલી રકમ જમા થઈ જવી જોઈએ. જો રકમ ઓછી જમા થઈ અને પીપર વધુ ગઈ તો હું તને જવાબદાર ગણી મારી મારીને અધમૂઓ કરી નાંખીશ.' પુત્રે શરત મંજૂર રાખી અને પિતા બહાર ગયા.
અર્ધા કલાક બાદ પિતા એના મિત્ર સાથે દુકાને પરત આવ્યા. પહેલું કાર્ય જ એમણે પીપર અને રકમ ગણવાનું કર્યું. બન્નેનો મેળ બરાબર રહ્યો. પિતા ગર્વોન્નત થઈ ગયા કે 'વાહ ! મેં દીકરાને જરા ય તક ન આપી.' આ તમાશો જોઈ રહેલ મિત્રે વાતનો દોર હાથમાં લઈ પિતાને કહ્યું: 'હવે તું કાંઈ કર્યા વિના મૌન રહેજે અને હું કરું એ જોજે.' મિત્રે દીકરા તરફ ફરીને કહ્યું : 'બેટા ! તારા પિતા તરફથી તને કોઈ શિક્ષા નહિ થાય તેનું અભયવચન હું તને આપું છું.
ફક્ત તારે મારા પ્રશ્નના સાચા ઉત્તરો આપવાના છે.' મિત્રે બાળકને પહેલો પ્રશ્ન કર્યો : 'દુકાનમાં તું એકલો જ હતો અને સામે પીપરો હતી. તને એનું આકર્ષણ ન થયું ? તારું મન ન લલચાયું ?' 'મન તો બહુ લલચાયું. પણ સામે પપ્પાના મારનો ડર પણ બહુ હતો.' પુત્ર બોલ્યો. મિત્રે આગળ ચલાવ્યું : ' એ બરાબર. પરંતુ તેં એનો કોઈ ઉપાય પણ કર્યો જ હશે. ડર્યા વિના એ કહે.' અભયવચન હતું. એથી પુત્રે રહસ્ય ખુલ્લું કરી દીધું કે 'પીપરનો સ્વાદ પણ મળે અને માર પણ ન પડે તેવો ઉપાય મેં એ શોધ્યો કે દશ પીપરના કાગળ ખોલી એ દરેક પીપર બે-બે મિનિટ ચૂસી. પછી કપડાંથી એને લૂંછી કાગળમાં પેક કરી જ્યાં હતી ત્યાં પરત મૂકી દીધી ! મારું કામ પણ થઈ ગયું અને પીપર એક પણ ઓછી ન થઈ !'
પિતા અવાક્ થઈ ગયા. મિત્રે એને સાનમાં સમજાવી દીધું કે 'તું શેર છે, તો તારો દીકરો સવાશેર છે.'
આ રમૂજ ઘટના એ સંદેશ સ્પષ્ટ આપે છે કે જ્યાં અતિ તીવ્ર આકર્ષણ છે ત્યાં ધાકધમકીથી લઈને અન્ય કોઈપણ પરિબળ અટકાયત કરી શકતું નથી. બાળકને પીપરનું આકર્ષણ જે હદનું હતું એ હદનું આકર્ષણ આપણને હોવું જોઈએ ગુણોનું. શું ક્ષમા કે શું નમ્રતા, શું સરલતા કે શું અનાસક્તિ, શું દાન કે શું શીલ, શું તપ કે શું ભાવ : આવા આવા ગુણોનું અતિ તીવ્ર આકર્ષણ આપણામાં પ્રગટવું જોઈએ. યાદ રાખો કે આકર્ષણ એ પ્રાપ્તિ માટે મહત્ત્વપૂર્ણ પરિબળ છે.
૨) અનુરાગ : આ 'અનુરાગ 'શબ્દ તો આપણા વિવેચનના 'ગુણાનુરાગ' શબ્દમાં જ અંકિત છે. એનો અર્થ આ છે : અનુ એટલે પાછળ અને રાગ એટલે આદર-બહુમાન. વસ્તુ-વ્યક્તિ સામે હોય અને પ્રગાઢ ભાવ જાગ્યા કરે એ છે આકર્ષણ. વસ્તુ-વ્યક્તિ સામે હાજર જ ન હોય તે છતાં એના પર પ્રગાઢ ભાવ જાગ્યા કરે તે છે અનુરાગ. આકર્ષણ કરતા આ અનુરાગ ઉપરનાં સ્તરની વાત છે. પ્રભુ મહાવીરદેવનો ક્ષમાગુણ અત્યારે આપણી સમક્ષ નથી. કેમ કે એને ઉજાગર કરતી ઘટનાઓ પણ અઢી હજાર વર્ષ પૂર્વેની છે. ધન્નાઅણગારની બેજોડ તપસ્યા આપણા માટે પ્રત્યક્ષ નથી. કેમ કે એને ઉજાગર કરતી ઘટનાઓ પણ અઢી હજાર વર્ષ પૂર્વેની છે. આ ક્ષમાગુણ અને આ ઉગ્ર તપસ્યાગુણ પ્રત્યેના અહોભાવને આપણે કહી શકીએ. અનુરાગ આવું દરેક ગુણ માટે સમજવું. અથવા બીજી રીતે વિચારીએ તો, આ પૂર્વકાલીન ઘટનાઓના પ્રથમ શ્રવણસમયે યા એનાં પ્રથમ ચિત્રદર્શન સમયે જે અહોભાવ પ્રગટે તે છે આકર્ષણ અને તે શ્રવણ યા દર્શનની ગેરહાજરીમાં જે અહોભાવ રહે તે છે અનુરાગ…
૩) અનુવાદ : અહીં અનુવાદ શબ્દ કીર્તન અર્થમાં છે. જેમ કે ગુણાનુવાદ એટલે ગુણકીર્તન. અહીં જણાવાયો તે ગુણ- અનુવાદ અને અંતિમ ક્રમમાં આવશે તે ગુણ-અનુમોદન શબ્દ કેટલાકને સમાનાર્થી લાગશે. પરંતુ ગુણાનુવાદ અને ગુણાનુમોદનમાં સૂક્ષ્મ ભેદરેખા છે જે અંતિમક્રમમાં આપનાર ઉદાહરણથી સ્પષ્ટ થશે. વ્યાખ્યારૂપે એ સમજવું કે માત્ર ગુણોની પ્રશંસારૂપે જે જાહેર યા વ્યક્તિગત સ્વરૂપે કહેવાય તે છે ગુણાનુવાદ અને ગુણપ્રશંસાની સાથે સાથે તે તે ગુણધારક વ્યક્તિનાં પ્રોત્સાહન માટે જે કહેવાય તે છે ગુણાનુમોદન. અનુવાદ હોય કે અનુમોદન : બન્ને ગુણપ્રાપ્તિનાં મહાન સાધનો છે. અહીં ગુણાનુવાદના અર્થાત્ શુદ્ધ ગુણપ્રશંસાના સંદર્ભમાં યાદ કરીશું નવસો વર્ષ પૂર્વેના ઇતિહાસની એક
રોમહર્ષ ઘટના.
કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્યની નિશ્રામાં સમ્રાટ કુમારપાલે પાટણથી શત્રુંજયાદિ મહાતીર્થોનો જાજરમાન પદયાત્રાસંઘ યોજ્યો હતો. સંઘ શત્રુજંયતીર્થાધિરાજ પર પહોંચ્યો ત્યારે માહોલ દેવલોકને શરમાવે તેવો હતો. હજારો યાત્રિકો-સેંકડો કોટીશ્વરો અને સ્વયં સમ્રાટ પ્રભુની ભક્તિ માટે તલપાપડ હતા. દાદાના દરબારમાં સૌથી આગળ હેમચન્દ્રાચાર્ય અને કુમારપાલ હતા. ત્યાં હેમચન્દ્રાચાર્યે એનાથી પૂર્વકાલમાં થયેલ જૈન ગૃહસ્થ કવિ ધનપાલે સર્જેલ ઋષભપંચાશિકાસ્તોત્રથી દાદાની સ્તુતિ કરી. ખુદ સમ્રાટ આશ્ચર્યચકિત થઈ ગયા કે લાખો-ક્રોડો શ્લોકોના સર્જક હેમચન્દ્રાચાર્ય આજની ઐતિહાસિક ક્ષણે નવી સ્તુતિઓ કેમ ન રચી ? અથવા સ્વ-રચિત સ્તુતિઓ કેમ ન ઉચ્ચારી ? મંદિરમાંથી બહાર આવ્યા બાદ કુમારપાલે પોતાની આ વાત રજૂ કરી. હેમચન્દ્રાચાર્યે કમાલનો ગુણાનુવાદભર્યો ઉત્તર આપ્યો : 'કુમારપાલ ! એ ગૃહસ્થ કવિની સ્તુતિમાં જે શ્રેષ્ઠ સ્તરના ભાવો છે એ સ્તરના ભાવો અમારી સ્તુતિમાં નથી આવી શકતા. માટે અમે આજે એ સ્તુતિઓ ઉચ્ચારી.' આ છે ગુણપ્રશંસા…આ છે ગુણનુવાદ.
૪) અનુમોદન : અહીં ગુણો પ્રત્યે અંતરનો આનંદ તો છે જ, ઉપરાંત ગુણવાનના પ્રોત્સાહનનો ય ભાવ છે. કેવો હોય એ ભાવ ? તે દર્શાવવા યાદ કરીશું અમારા જ જીવનસંબંધી ઘટના સંક્ષેપમાં : ઇ.સ.૧૯૭૭, અમારી યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ યુગદિવાકર આ.ભ.ધર્મસૂરીશ્વરજી મ.બે હજાર પદયાત્રિકોના સંઘ સાથે મુંબઈથી પાલિતાણા પધારી રહ્યા હતા. પદયાત્રાસંઘ વડોદરા હતો ત્યારે ચૌદશની સાંજે પાક્ષિક પ્રતિક્રમણ યોજાયું. નવ વર્ષના બાળયાત્રિકરૂપે અમે એમાં પાક્ષિક અતિચારનો આદેશ માંગ્યો અને એકપણ ભૂલ વિના કડકડાટ અતિચારસૂત્ર બોલ્યા. ગુરુદેવે તુર્ત બે મિનિટ અનુમોદના કરી કે 'આટલો નાનો બાળક અતિચાર જેવું મોટું સૂત્ર અસ્ખલિત બોલે તે માતા-પિતાની કાળજીનો અને પાઠશાળાનો પ્રભાવ છે. એની સક્રિય અનુમોદના થવી જોઈએ. એ પછી બે જ મિનિટમાં પચાસ વર્ષ પૂર્વે રૂ. બે હજારનું ઇનામ ભાવિકોએ જાહેર કર્યું… તો આ થયું અનુમોદન. ગુણાનુરાગની ગ્રન્થનિર્દિષ્ટ બાબતો આપણે નિહાળીશું આગામી લેખમાં…