Dharmlok

મન ભરીને જીવીએ, મનમાં ભરીને નહિં...

By GS Team
5 Aug 20263 mins read
મન ભરીને જીવીએ, મનમાં ભરીને નહિં...
  • પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

ખબર છે એક વાત ? કે ભવ્ય ઇમારતનું દ્વાર ભલે એક હોય, પણ તેના ઉપયોગ બે હોય છે. ઇમારતમાં આગમન માટે પણ તેનો ઉપયોગ થાય છે અને ઇમારતમાંથી નિર્ગમન માટે પણ થાય છે. બસ એ જ રીતે આપણને સૌને મળેલું જીવન ભલે એક હોય. પણ એ જીવન જીવવાની પદ્ધતિ બે છે. એને આપણે પ્રસન્નતાથી પણ જીવી શકીએ છીએ અને ઉદાસી સાથે પણ જીવી શકીએ છીએ. સ્વસ્થ રહીને પણ જીવી શકીએ છીએ અને અસ્વસ્થતાથી પણ જીવી શકીએ છીએ. આ બંને પ્રકારની જીવનશૈલીમાં ફરક એ પડે છે કે એકમાં જીવન જીવવાનો આનંદ આવે છે. વિકટ પરિસ્થિતિમાં પણ ખુશીનો અનુભવ થાય છે અને તેથી જીવન ભારરૂપ બનતું નથી. જ્યારે બીજામાં જીવન જીવાય છે ખરું પરંતુ ઉદ્વેગ સાથે જીવાય છે. સુખની સ્થિતિમાં પણ દુ:ખનો અનુભવ થાય છે અને તેથી જીવન બોજરૂપ બની જાય છે. આ સંદર્ભમાં યાદ આવે છે એક સત્ય ઘટના:
આજથી સેંકડો વર્ષો પૂર્વે ચીનમાં હાન અને વેઈ નામના બે રાજાઓ થયા. પરસ્પર બંને વચ્ચે સુંદર મૈત્રીભાવ પ્રવર્તતો હતો. એમાં એક વાર વેઈ રાજાએ ચાલાકી કરીને હાન રાજાનો ઘણો પ્રદેશ પડાવી લીધો. હાન રાજાને મિત્રના આ કપટનો સંદેશ મળતા તેઓ દુ:ખી થઈ ગયા. વિશ્વાસઘાતના આઘાતથી શરીર સુકાવા લાગ્યું. એક દિવસ હાન સપરિવાર સંત પાસે પહોંચ્યા. હાનની સ્થિતિ જાણીને સંતે હાનને પૂછયું : ' તમને તમારી જગ્યા જોઈએ છે ! હાને 'હ' કારમાં ઉત્તર પાઠવતા સંતે ફરી કહ્યું : ' એ માટે એક શરત રહેશે. તમારો જમણો હાથ કારીને મને આપવો પડશે.' રાજા : એ તો ન બની શકે. સંત: હું તમને વેઈનું આખું સામ્રાજય આપવું, પણ બદલામાં તમારે તમારું હૃદય મને કાપીને આપવું પડશે. રાજા : હૃદય કાપીને આપું તો પછી સામ્રાજ્યને શું કરું ? ' બસ, મારે તને આ જ સમજાવવું છે. સંત બોલ્યા : રાજ્ય કરતા પણ તારું શરીર-હૃદય વધારે કિંમતી છે. જમીનનો થોડો ટુકડો જતા એને આમ સાવ ક્ષીણ કેમ કરી દેવાય ? રાજાનાં મનમાં આ વાત બેસી ગઈ. તેમણે જમીનના ટુકડાની ચિંતા છોડી દીધી. ઉદાસી ત્યાગીને પ્રસન્ન જીવનશૈલી અપનાવી લીધી. પરિણામે તેમનું શરીર-મન પુન: સ્વસ્થ બની ગયું.
યાદ રહે, કે દુનિયાની લગભગ દરેક વ્યક્તિને પોતાના જીવન દરમિયાન અનેક વિપરીત પરિસ્થિતિનો યા વિપરીત વ્યક્તિઓનો સામનો કરવાનો આવે છે. ત્યારે સમજદાર વ્યક્તિ એ છે કે જે વિરુધ્ધ-પ્રતિકૂળ સ્થિતિમાં પણ નાસીપાસ ન થાય. બલ્કે સ્વસ્થ રહીને આવી પરિસ્થિતિને પણ હસતાં-હસતાં બસર કરી જાય. આનું સુંદર પરિણામ વ્યક્તિને એ મળે છે કે પ્રસન્ન રહેવાનાં કારણે તેનું મન-શરીર અને આત્મા પણ સ્વસ્થ રહે છે. જીવનમાં ગલત નિર્ણયો લેવાતા અટકે છે અને સંકલેશથી બચી શકાય છે. આવો, આપણે પ્રત્યેક સ્થિતિમાં આવી સ્વસ્થતા રાખવાના સંકલ્પ સાથે યાદ રાખીએ આ વાત કે મન ભરીને જીવીએ, મનમાં ભરીને નહિ…