જનાર્દન શ્રીકૃષ્ણ

- ઘટોત્કચ બ્રાહ્મણોનો દુશ્મન હતો. તેણે યજ્ઞાોમાં વિઘ્ન નાખ્યાં હતાં. તે ધર્મને નામે હાનિ પહોંચાડનાર રાક્ષસ હતો. તેણે તો મરવાનું જ હતું. અર્જુન, મહાભારતના યુદ્ધ શરૂ થતાં પહેલાં જ મેં તને સમજાવ્યો હતો. (ધર્મ સંસ્થાપનાથાય,… વિનાશાય ચ દુષ્કૃતામ્)
ઘટોત્કચ રાક્ષસી હિડિંબા અને ભીમનો પુત્ર હતો. તે તેની મા પાસે વનમાં જ ઉછર્યો હતો. હિડિંબાએ તેને ગુપ્ત થવાની. ગુપ્ત જાણવાની અને ઇચ્છા થાય ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરવાની રાક્ષસી વિદ્યા શીખવાડી હતી. કુરૂક્ષેત્રના તે પાંડવપક્ષે લડયો હતો. તે પૌલસ્ત્ય નામનું ધનુષ્ય વાપરતો. તેનો સારથિ વિરૂપાક્ષ હતો. તેના રથને આઠ પૈડાં રાખવા પડતા અને એ રથને ખેંચવા સો ઘોડાઓ જોડવા પડતા. તેનો દેખાવ એવો ભયાનક હતો કે તેને જોતાં જ કૌરવ-સેનાના હાંજા ગગડી જતા.
પિતામહ ભીષ્મ રણમાં પડયા એટલે દ્રોણાચાર્યએ સેનાનું સુકાન સંભાળ્યું. એ વખતે જયદ્રથનો વધ થયો. તેના મૃત્યુથી દુર્યોધન અકળાયો. તે દ્રોણાચાર્યને એલફેલ બોલવા લાગ્યો. દ્રોણાચાર્યને લાગ્યું દુર્યોધન તેનું અપમાન કરી રહ્યો છે છતાં તે કડવા ઘૂંટ ગળી ગયા અને યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે તેમનું કર્તવ્ય નિભાવવા માંગતા હતા એટલે તેમણે રાત્રિયુદ્ધ ચાલુ રાખ્યું. એ રાત્રિયુદ્ધમાં કર્ણ ખૂબ જ જોશથી લડતો હતો. તે મરણિયો થયો હતો. તેના તીક્ષ્ણ બાણો પાંડવસેનામાં હાહાકાર મચાવતા હતા. એ જોઈ અર્જુન કર્ણ સાથે યુદ્ધ કરવા તલપાપડ થયો. તે કર્ણ તરફ ઝડપથી ધસવા જતો હતો ત્યાં જ કૃષ્ણએ તેને રોક્યો. શ્રીકૃષ્ણના મનમાં એક યોજના આકાર લઈ રહી હતી. તે જાણતા હતા કે જ્યાં સુધી કર્ણ પાસે ઇન્દ્રએ આપેલી વાસવી શક્તિ છે ત્યાં સુધી અર્જુનનું તેની સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી. એટલે તેમણે ઘટોત્કચને મેદાન પર બોલાવડાવ્યો. તે આવ્યો. કૃષ્ણએ તેને કર્ણ સાથે યુદ્ધ કરવાની સુચના આપી. અને રાત્રિ યુદ્ધ શરૂ થયું. નિશાચર સ્વભાવ પ્રમાણે ઘટોત્કચ જેની સાથે યુદ્ધ કરે તેને ભારે પડે તેમ હતું. ઘટોત્કચે માયાથી આગની ભયંકર જ્વાળાઓ પ્રજ્વલિત કરી. આકાશમાં વીજળીઓ ચમકવા લાગી. સળગતી ઉલકાઓ પડવા લાગી. કર્ણને લાગ્યું હવે મરવાનો વારો આવી ગયો લાગે છે. કૌરવસેના ગભરાઈને આમતેમ ભાગવા લાગી. કૌરવોએ કર્ણને કહ્યું 'હે સૂર્યપુત્ર કર્ણ, તમે ભીમ અને અર્જુનની ચિંતા ના કરો. તે આપણું શું બગાડી દેવાના છે ? અત્યારે તો તમે કાળ બનીને સામે આવેલા રાક્ષસને ખતમ કરો ! તમારી પાસે ઇન્દ્રએ આપેલી દિવ્ય શક્તિ છે. તેનો ઉપયોગ કરો. બસ, આ માયાવી રાક્ષસને ખતમ કરો.' કર્ણએ પણ વિચાર્યું. ભવિષ્યમાં જે થવું હશે તે થશે. પણ હાલ આ ઘટોત્કચને પૂરો કરવો પડશે. તો કૌરવ સેનાને ઘણું નુકસાન કરશે. (યાસૌ રાજન્નિહિતા વર્ષપૂર્ણાન્ વધાયાનૌ સત્કૃતા ફાલ્ગુનસ્ય… દ્રૌણપર્વ) અને કર્ણ એ અર્જુનનો વધ કરવા સાચવી રાખેલી એ વૈજ્યતી નામની દિવ્ય શક્તિ, જે તેણે બે કુંડળોના બદલામાં ઇન્દ્ર પાસેથી મેળવી હતી તેનો તેણે ઉપયોગ કર્યો. સહેજવારમાં ઘટોત્કચની માયા ભસ્મ થઈ ગઈ અને તે સૂકું વૃક્ષ આંધીમાં જમીન પર પટકાય તેમ મેદાન પર પટકાયો.
ઘટોત્કચનો આત્મા તેના દુન્યવી કોચલામાંથી ઊડી ગયો. પાંડવોની આંખો આંસુથી છલકાઈ ગઈ. દરેક દુ:ખના 'અરેભાવ' થી પીડાઈ રહ્યા હતા. ત્યારે શ્રીકૃષ્ણ આનંદથી ઉછળી પડયા. હર્ષથી નાચવા લાગ્યા. તેમનું અજુગતું વર્તન અર્જુનથી સમજાતું નહોતું. 'મધુસુદન, આ શું ? હણહણતા અશ્વ જેવો ઉર્જાવાન અમારો ઘટોત્કચ મરાયો છે. સૌ શોકમાં ગરકાવ છે અને તમે આનંદથી હરખઘેલા થઈ નાચી રહ્યા છો ? મને તમારા આનંદનું કારણ સમજાતું નથી !!' ત્યારે કૃષ્ણએ કહ્યું. 'અર્જુન, મારા ખુશ થવા પાછળ એક કારણ છે. તને ખબર છે. કર્ણના દિવ્ય કવચ અને કુંડળ તો પહેલાં જ ઊતરી ગયાં હતાં અને ઘટોત્કચને મારવા તેણે ઇન્દ્રએ આપેલી વાસવી શક્તિ પણ વાપરી કાઢી. હવે કર્ણના મનોમહેલમાં લટકતું મનોરથનું ઝુમ્મર પટકાઈને કચ્ચર કચ્ચર થઈ ગયું છે. તે ધાર વગરની તલવાર અને દ્રષ્ટિ વિનાની આંખ જેવો નિર્માલ્ય થઈ ગયો છે. હવે તે કોઈપણ રીતે તારા માટે જોખમકારક નથી.' અર્જુનના મનમાં હજુય પ્રશ્ન હતો. 'કેશવ, એ બધી વાત ખરી. પણ કર્ણની દિવ્યશક્તિનો ઉપયોગ તમે ઘટોત્કચ પર જ કેમ કરાવડાવ્યો ? આમાં અમારા ઘટોત્કચનો શો વાંક ?' એટલે શ્રીકૃષ્ણએ કહ્યું. 'અર્જુન, શાંત થા. કારણ કે હું જે જાણું છું તે તું નથી જાણતો. (એષ હિ બ્રાહ્મણદ્વેષી, યદાદ્વેષી, ય રાક્ષસ:…) ઘટોત્કચ બ્રાહ્મણોનો દુશ્મન હતો. તેણે યજ્ઞાોમાં વિઘ્ન નાખ્યાં હતાં. તે યજ્ઞાવેરી હતો. તે ધર્મને નામે હાનિ પહોંચાડનાર રાક્ષસ હતો. તેણે તો મરવાનું જ હતું. અર્જુન, મહાભારતના યુદ્ધ શરૂ થતાં પહેલાં જ મેં તને સમજાવ્યો હતો. (ધર્મ સંસ્થાપનાથાય, ….. વિનાશાય ચ દુષ્કૃતામ્) મેં ધર્મની સ્થાપના માટે અને અસુરો કે દુષ્ટોના વિનાશ માટે જન્મ ધારણ કર્યો છે. અધર્મી પારકો હોય કે પોતાનો, મારા માટે એનું મહત્વ નથી. જે માણસ શાસ્ત્રવિધિ છોડીને મન મરજી મુજબ જીવે છે, તે સિદ્ધિ, સુખ અને પરમગતિ પામતા નથી.'
મનના કુરૂક્ષેત્રમાં સદ્ અસદ્, ધર્મ-અધર્મ વચ્ચે લડવી પડતી લડાઈ વખતે આપણે લાભ, લોભ, મોહ કે સ્વાર્થનું બહાનું કાઢી છટકી જવાના રસ્તા શોધીએ છીએ. શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે મનથી મજબૂત બનો, સ્થિતપ્રજ્ઞા બનો. જો અધર્મી સાવ નજીકનો અંગત હોય તો પણ લાગણીમાં તણાયા વગર તેના કુકર્મોમાં ભાગીદાર ના બનો, કારણ કે સમય જતાં કર્મનું ફળ તમને શોધતું આવશે.
દરવખતની જેમ આ વખતે પણ મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મની વધાઈ ગવાશે. 'નંદ ઘેર આનંદ ભયો.' નો ઓચ્છવ ઉજવાશે. જન્માષ્ટમીના તહેવારનો આનંદ તો એકાદ બે દિવસમાં ઓસરી જશે. પણ આપણા હૃદયમાં કૃષ્ણત્વનું પ્રાકટય થશે તો આખું જીવન મહાઉત્સવ બની શે. જીવનની લડાઈ જીતવા એકલા એકલા મૂંઝાતા આપણા સૌના જીવનરથના સારથિ થવા કૃષ્ણ તત્પર છે. પણ શું અર્જુનની માફક 'ગીતા જ્ઞાાન' પચાવી આપણે શ્રીકૃષ્ણને હૃદયમાં સ્થાન આપવા તૈયાર છીએ ?
- સુરેન્દ્ર શાહ




