Dharmlok

પરિવાર જો ધર્મ પ્રત્યે રુચિ ધરાવનાર મળે તો વ્યક્તિની ધર્મ આરાધના સોળે કળાએ ખીલી ઊઠે

By GS Team
1 Oct 20266 mins read
પરિવાર જો ધર્મ પ્રત્યે રુચિ ધરાવનાર મળે તો વ્યક્તિની ધર્મ આરાધના સોળે કળાએ ખીલી ઊઠે
  • અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
  • ''બીજ ભલે સક્ષમ હોય. પરંતુ એની ક્ષમતા સર્વાંશે બહાર ત્યારે આવે કે જ્યારે એને માળી-ખાતર-ભૂમિ વગેરે પરિબળો અનુકૂલ મળ્યા હોય. પથ્થર ભલે જાતિવંત-સરસ હોય. પરંતુ એ નયનરમ્ય પ્રતિમા ત્યારે બને કે જ્યારે નિષ્ણાત શિલ્પી-ધારદાર ટાંકણું વગેરે પરિબળો અનુકૂલ મળ્યા હોય. બસ, આ જ વાત ધર્મનાં ક્ષેત્રે પણ લાગુ પડે છે કે પરિવારજનો જો અનુકૂળ મળે તો વ્યક્તિની ધર્મભાવના-આરાધના સવાયી સવાયી વિકસ્વર બને….

ધર્મરત્નપ્રકરણ ગ્રન્થનાં માધ્યમે પૂર્વાચાર્ય મહર્ષિ શુદ્ધ ધર્મપ્રાપ્તિની ભૂમિકારૂપ જે એકવીશ ગુણો દર્શાવે છે તેના પરની ચિંતનયાત્રામાં આજે આપણે વિચારીશું ચૌદમો ગુણ. એનું નામ છે સુપક્ષયુક્તતા.
'સુ'નો અર્થ થાય છે સારો અને 'પક્ષ'નો અર્થ થાય છે પરિવાર. વ્યક્તિનો પરિવાર-સ્વજનો એવા હોય કે જે ધર્મ પ્રત્યે રુચિ-આદર ધરાવતા હોય. વ્યક્તિ ધર્મસાધના કરવા તૈયાર થાય તો આ સુપક્ષ અર્થાત્ સારો પરિવાર એની એ આરાધનામાં પ્રોત્સાહક બને - સહાયક બને. વળી આ પરિવાર સદાચાર સંપન્ન હોય. એનું એક પણ કાર્ય એવું ન હોય કે રાજવિરુદ્ધ-સમાજ વિરુદ્ધ હોય. આવા પરિવારની પ્રાપ્તિ પૂર્વનો પ્રબળ પુણ્યોદય હોય ત્યારે થાય. આવો પરિવાર શુદ્ધ ધર્મપ્રાપ્તિમાં - એની આરાધનામાં ખૂબ ઉપયોગી પરિબળ પુરવાર થાય.
એક વાત ખબર છે ? બીજ ભલે સક્ષમ હોય. પરંતુ એની ક્ષમતા સર્વાંશે બહાર ત્યારે આવે કે જ્યારે એને માળી-ખાતર-ભૂમિ વગેરે પરિબળો અનુકૂલ મળ્યા હોય. પથ્થર ભલે જાતિવંત-સરસ હોય. પરંતુ એ નયનરમ્ય પ્રતિમા ત્યારે બને કે જ્યારે નિષ્ણાત શિલ્પી - ધારદાર ટાંકણું વગેરે પરિબળો અનુકૂલ મળ્યા હોય. બસ, આ જ વાત ધર્મનાં ક્ષેત્રે પણ લાગુ પડે છે કે પરિવારજનો જો અનુકૂળ મળે તો વ્યક્તિની ધર્મભાવના-આરાધના સવાયી સવાયી વિકસ્વર બને.
'બહુરત્ના વસુંધરા' આ ન્યાયે આજે પણ આવા પરિવારો અમારા પરિચયમાં - અનુભવમાં છે કે જેમનાં કારણે પરિવારની, વ્યક્તિની ધર્મનિષ્ઠા સોળે કળાએ ખીલી ઊઠે. અહીં આ સંદર્ભમાં અમે બે એવા સત્ય પ્રસંગો પ્રસ્તુત કરીશું કે જે અમારી દશ-દશ વર્ષોથી ચાલતી 'અહો માસક્ષમણમ્!'ની ચાર હજાર ત્રણસો પાંચ માસક્ષમણયાત્રાના નજરાણા સમા હોય.
પહેલી ઘટના છે ઈ.સ.૨૦૧૬ની. અમારા સામૂહિક માસક્ષમણ અભિયાનનું એ પ્રથમ વર્ષ હતું. એમાં માત્ર દશ વર્ષની નાનકડી દીકરી કુ. વિધિએ પણ તપ શરૂ કર્યું. અલબત્ત, અમારું આ તપનું પ્રથમ વર્ષ અને સાવ નાની વયની એ એકમાત્ર તપસ્વી : એથી ઠેઠ વીશ ઉપવાસ સુધી તો 'આનાથી માસક્ષમણ ન પણ થાય' એવો સંશયાત્મક સુર સહુનો હતો. એને રોજ ફક્ત એક ઉપવાસનું પચ્ચક્ખાણ અપાતું. પરંતુ કુદરતી જ એનામાં સંસ્કારિતા એ હતી કે એને પૂછવામાં આવે ''આજે ક્યું પચ્ચક્ખાણ લઈશ ?'' ત્યારે એનો ઉત્તર રોજ એ જ રહેતો કે ''સાહેબજી જે પચ્ચક્ખાણ આપે તે લઈશ.''
છઠ્ઠા ઉપવાસે એના દાદાએ લાગણીથી એમ વિચાર્યું કે 'આટલું નાનું બાળક અઠ્ઠાઈ કરે એ ીર્હેખ્તર છે. માસક્ષમણ (સળંગ ત્રીશ ઉપવાસ) આટલા નાના બાળક માટે અશક્ય છે.' એમણે સરલભાવે અઠ્ઠાઈ (સળંગ આઠ ઉપવાસ) બાદના પારણા માટે હોલબુકીંગ-કેટરર્સ - વગેરે તૈયારી કરી લીધી. આઠમાં ઉપવાસે અમને આની જાણ થતાં અમે તાબડતોબ એમને બોલાવી સમજાવ્યા : ''વિધિ જે દિવસે ઉપવાસ ન કરવાનું કહેશે તે દિવસે તત્કાલ સાદાઈથી આપણે પારણું કરાવીશું. પરંતુ ભપકાદાર પારણા માટે તૈયારી કરવા પહેલેથી એને ઉપવાસની ના કહેવી એ યોગ્ય નથી. ઉપરવાળા પર ચિંતા મૂકી દઈ એ જેટલા ઉપવાસ કરે એટલા કરવા દો.'' પરિવારજનો સુપક્ષયુક્ત હતા. એથી અમારી વાતનો સરલતાથી સ્વીકાર થયો. પરિણામ ? આનું પરિણામ એ આવ્યું કે બાલતપસ્વીએ હસતા-રમતા માસક્ષમણ પૂર્ણ કર્યું!
આ બાલ તપસ્વીની માતા ત્યારે અમને કહે : ''જ્યારથી વિધિએ ઉપવાસ શરૂ કર્યા છે ત્યારથી અમે ઘરમાં મિષ્ટાન્ન-ફરસાણ વિનાનું સાદું ભોજન બનાવીએ છીએ. એમાં ય દીકરીને ભાવતી વાનગી તો ખાસ જ નથી બનાવતા. એ સાવ નાનું બાળક છે. રખે ને એનું મન લલચાઈ જાય તો ? જો કે, વિવિએ તો અમને સામેથી કહ્યું છે કે ''તમારે જે સારી વાનગી તમારા માટે બનાવવી હોય તો બનાવો. હું લલચાવાની નથી. કેમ કે હું મારા ભાવથી ઉપવાસ કરું છું.'' છતાં અમે સાવધાની ખાતર આ પદ્ધતિ અપનાવી છે.'' સુપક્ષયુક્ત પરિવાર વ્યક્તિને ધર્મસાધના માટે કેવું પ્રોત્સાહક વાતાવરણ પુરું પાડે તે આ અભિગમમાં પ્રતિબિંબત થાય છે. એ બહેનના શબ્દો સાંભળતા અમારાં-અંતરના ખૂણા ભિંજાઈ ગયા હતા કે 'અમે ફક્ત માસક્ષમણની પ્રેરણા અને સુવિધાઓનાં આયોજનો કરાવીએ છીએ. પરંતુ પરિવારજનો આ તપ માટે આવા તો કેટકેટલા ભોગ આપતા હશે ?'
બીજી ઘટના બની હતી ઈ.સ.૨૦૨૨માં. ત્યારે અમારું ચાતુર્માસ મુંબઈ બોરીવલીના ગીતાંજલિ સંઘમાં હતું. એક દિવસ ત્યાં અમારી પાસે વયસ્ક દંપતી આવ્યું. એમાંના શ્રાવક કહે : ''મારા આ શ્રાવિકાને અહીં સમૂહ માસક્ષમણ કરવું છે. ઘરમાં અમે બે જ વ્યક્તિ છીએ. એમને આ મોટા ઉપવાસોમાં મારા માટે રસોઈની મહેનત ન કરવી પડે એના માટે મેં મારી રીતે ઉપવાસ કર્યો છે.'' એમની વાત વચ્ચેથી અટકાવીને એમ કહ્યું : ''દર વર્ષે સમૂહ માસક્ષમણ કરાવવાનાં કારણે અમારી સમક્ષ આવા કિસ્સાઓ આવે જ છે. આનો ઉપાય કરવા અમે પણ સંઘ દ્વારા એ સુવિધા કરાવીએ છીએ કે જે પરિવારમાં બહેનો માસક્ષમણ કરતા હોય અને ઘરે રસોઈ કરનાર કોઈ ન હોય તેવા પરિવારોને બે ય ટંકના ટિફિન માસક્ષમણ દરમ્યાન નિ:શુલ્ક અપાય. અહીં આ વ્યવસ્થા જાહેર થવાની જ છે.'' વૃદ્ધ ભાઈ કહે : ''સાહેબજી! આ તો તમે કહ્યું ત્યારે જાણ્યું. એટલે હવે આ સુવિધા અપનાવવી નથી. મેં ઘરેથી જે નિર્ધાર કર્યો છે એ જ ઉપાય કાયમ રાખીશ. મારો ઉપાય એ છે કે શ્રાવિકા માસક્ષમણમાં સળંગ ત્રીશ ઉપવાસ કરશે અને એ દિવસોમાં હું સળંગ ત્રીશ આયંબિલની તપસ્યા કરીશ. આયંબિલ કરવા તો આયંબિલશાળમાં જવાનું છે. એથી શ્રાવિકોને મારા માટે ઘરે કાંઈ કરવું નહિ પડે.''
સુપક્ષયુક્ત પરિવાર હોય ત્યાં જ આ કમાલભરી ભાવના નિહાળવા મળે કે જેમાં પત્નીને માસક્ષમણમાં શ્રમ ન પડે એ માટે પતિ ત્રીશ આયંબિલ કરવા સ્વયમેવ તત્પર થઈ જાય.
એક ધર્માચાર્ય હોવાના નાતે અમારો એ અનુભવ છે કે ધાર્મિક ક્ષેત્રનાં કોઈ પણ કાર્યો હો અને એમાં ભોગ ભલે વ્યક્તિએ પોતે આપવાનો હોય : છતાં પરિવારનું પ્રોત્સાહન-ફેમિલી સપોર્ટ બહુ મોટો ભાગ ભજવે છે. જો પરિવારનું પ્રોત્સાહન ન હોય - નારાજગી હોય તો મહદંહે એવું અનુભવ્યું છે કે વ્યક્તિ પૂરી ભાવન છતાં અટકી જાય. દાન નામે ધર્મક્ષેત્રનું ઉદાહરણ લઈએ તો, એવું નિહાળ્યું છે કે યોગ્ય સુપાત્ર સ્થાન મળવાથી શક્તિસંપન્ન વ્યક્તિ લાખો - ક્રોડો રૂ. ખર્ચવા તૈયાર થઈ જાય. પરંતુ પુત્રોની કે પત્નીની અસંમતિ આવતાં એ મજબૂરીથી અટકી જાય છે. ખૂબી એ છે કે એવું નથી હોતું આમાં કે ઘરનો દોર એમના હાથમાં ન હોય. વ્યક્તિએ પોતે સંપત્તિ ઉપાર્જિત કરી હોય અને પુત્રો હજુ તો માંડ ભણી પરવાર્યા હોય. છતાં પરિવારમાં અસંમતિ-સંકલેશ એને અટકાવી દે….
તપ નામનાં ધર્મક્ષેત્રે તો સમૂહ માસક્ષમણોની પ્રેરણા દરમ્યાન એવા કેટલા ય કિસ્સાઓ અનુભવ્યા છે કે જેમાં વ્યક્તિની તીવ્ર માસક્ષમણભાવના માત્ર પરિવારજનોની અસંમતિ-વિરોધનાં કારણે કચડાઈ થઈ હોય.. શીલ-સંયમ નામનાં ધર્મક્ષેત્રે આપણે ઉદાહરણરૂપે લઈશું દીક્ષાનું. અમારા નિશ્રાવર્તી સંયમીઓમાં બે-એક કિસ્સા એવા છે કે જેમાં મુમુક્ષુઓનો પૂર્ણ વૈરાગ્ય-અન્ય તમામ ઉચિત પરિબળો છતાં પરિવારમાંથી દીક્ષાની રજા ન મળે. અમારો મુખ્ય અભિગમ એવો કે પરિવારની લાગણી સાચવીને દીક્ષા આપવી. આ માટે છ-છ સાત-સાત વર્ષ દીક્ષામાં વિલંબ કર્યો. એ પછી દીક્ષા આપી.
અલબત્ત ઉપરોક્ત સર્વ ધર્મક્ષેત્રોમાં એવી પણ સત્વશાલી વ્યક્તિઓ મળી છે કે જેમણે પારિવારિક પ્રતિકૂળતા છતાં પોતાની ધર્મભાવનાઓ સાકાર કરી છે. પરંતુ ટકાવારીથી સમીક્ષા કરીએ તો, પરિવારની પ્રતિકૂળતા વચ્ચે ધર્મ આરાધનાર કરતા અટકી જનાર વધુ મળે.
છેલ્લે એક વાત : આપણે પરિવારના અંગરૂપે એવા સુપક્ષ બની એ કે પરિવારની (કે અન્ય કોઈ પણ વ્યક્તિની દાન-શીલ-તપ-દીક્ષાદી ભાવનાને મજબૂત પ્રોત્સાહન - સહયોગ આપીએ. વિરોધ તો બિલકુલ નહિ, બલ્કે સંપૂર્ણ સહયોગ. હજુ એક 'સ્ટેપ' આગળ. નવકાશી-રાત્રિભોજનત્યાગ-કંદમૂળત્યાગ જેવા જે ભૌતિક ધર્માચારો હોય એના માટે એવા સુપક્ષ બનીએ કે પરિવારનો કોઈ સભ્ય એ ન કરવા ચાહે તો ય કડકાઈથી કરાવીએ જ. અમારો સાંસારિક પરિવાર આવો સુપક્ષ હતો. એથી સાવ બાળવયે ય અમે પ્રભુપૂજા-નવકારશી-ચોવિહાર વિના રહ્યા નથી અને આજીવન કદી કોઈ કંદમૂળભક્ષણ કર્યું નથી. આ છે સુપક્ષયુક્ત પરિવાનો પ્રભાવ.