૧૨૩માં જન્મપર્વે સંઘનાયક યુગદિવાકર આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.ને હાર્દિક શબ્દાંજલિ

- અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
સદ્ગુરુનો મહિમા દર્શાવતા અનેક શ્લોકો-સંસ્કૃત પંક્તિઓ-ગંભીર ચિંતનો જૈન-અજૈન શાસ્ત્રોમાં મળે છે, તો હૃદયને સ્પર્શી જાય એવી ગુજરાતી કાવ્યપંક્તિઓ-સુવાક્યો પણ મળે છે. હમણાં આવું એક વનલાઇનર ગુજરાતી મસ્ત સુવાક્ય નિહાળ્યું કે ''હોકાયંત્રનો કાંટો જેમ કાયમ માટે ઉત્તરદિશા જ બતાવે, તેમ સદ્ગુરુ સાધકને-શિષ્યને કાયમ ઉત્તમદિશા જ બતાવે.'' ઉત્તરદિશા શબ્દ સાથે ઉત્તમદિશા આ માત્ર શબ્દપ્રાસ નથી, બલ્કે ખૂબ નક્કર વાસ્તવિકતા છે. જેને સાચા સદ્ગુરુ મળી ગયા અને ઉત્કૃષ્ટ સમર્પણભાવથી એમને જીવનમાં અપનાવી લીધા એ સાધકનું-શિષ્યનું જીવન ઉત્તમ બન્યા વિના ન રહે.
સદ્ગુરુ જીવનને આ સ્તરે ઝળહળ બનાવતા હોવાથી જ જૈન શાસને 'જયવીયરાય' નામે પ્રાર્થનાસૂત્રમાં એક અદ્ભુત પ્રાર્થનાનો શબ્દપ્રયોગ કર્યો છે કે ''સદ્ગુરુ જોગો.'' મતલબ કે હે ભગવાન, આપના પ્રભાવે મને સદ્ગુરુની પ્રાપ્તિ થાઓ! કમાલ એ છે કે જયવીયરાયસૂત્રની તમામ પ્રાર્થનાઓ પ્રભુ પાસે કરવાની છે અને એમાં એક પ્રાર્થના આ સદ્ગુરુપ્રાપ્તિની છે. ગુરુ પાસે પ્રભુપ્રાપ્તિની પ્રાર્થના હજુ મનમાં બેસે. પરંતુ આ તો પ્રભુ પાસે ગુરુપ્રાપ્તિની પ્રાર્થના છે. એ એમ દર્શાવી જાય છે સદ્ગુરુ નામે તત્ત્વ કેવું ઉચ્ચતમ છે!
આવો, આજે એક મહાન સદ્ગુરુનું ગુણકીર્તન કરીએ. એ સદ્ગુરુભગવંત એટલે આગામી તા. ૨૩-૮-૨૬ શ્રાવણ શુદિ અગિયારશે જેઓશ્રીના એકસોત્રેવીશમાં જન્મદિનની શાનદાર ઉજવણી અમારા ચાતુર્માસ સ્થાન મુલુંડના સંઘો સહિત મુંબઈના અને અન્ય સ્થળોના વિવિધ સંઘોમાં થઇ રહી છે તે મહાન શાસનજ્યોતિર્ધર સમર્થ સંઘનાયક ૧૩૫ જિનાલયોના પ્રણેતા યુગદિવાકર આ.ભ.શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ. અમારી યશસ્વી ગુરુપરંપરાના એ શિરતાજ સૂરિવરની અહીં સર્વપ્રથમ વિગતલક્ષી માહિતી નિહાળી પછી એમની ત્રણ વિશિષ્ટતાઓ પર વિચારયાત્રા આપણે કરીશું.
વિ.સં. ૧૯૬૦ના શ્રાવણશુદિ અગિયારશ તા. ૨૧-૮-૧૯૦૪માં વઢવાણ શહેરમાં જન્મ, માત્ર નવ વર્ષની બાળવયે લખતરમાં સ્વતન્ત્રપણે સંવત્સરી મહાપર્વારાધના, સોળ વર્ષની ખીલતી વયે દીક્ષા, અઢળક પ્રકરણો-ગ્રન્થો-ન્યાય-વ્યાકરણ-કર્મગ્રન્થો-કમ્મપયડી વગેરે કઠિન શાસ્ત્રો પર અદ્ભુત પ્રભુત્વ, અનેક નવ્ય ગ્રન્થોનું સર્જન, પચાસ હજાર માનવોની જંગી મેદની વચ્ચે વિ.સં. ૨૦૦૭માં મુંબઈ-ભાયખલામાં આચાર્યપદારોહણ, ૧૩૫ જિનાલયો-૮૮૪ ઉપાશ્રયો-ઠેરઠેર પાઠશાળા-આયંબિલશાળાદિ નિર્માણો, સાધર્મિકો માટે અને અનુકંપા માટે ક્રોડો રૂ.ના કાર્યો, મુંબઈથી શત્રુંજયમહાતીર્થના બે હજાર યાત્રિકોયુક્ત બહોંતેર દિવસીય વિરાટ પદયાત્રાસંઘ અને તેવા અન્ય સંઘોનાં આયોજનો, વિ.સં. ૨૦૩૮ના ફાગણ સુધિ તેરશે કાલધર્મ, એકવીશ કિ.મી. દીર્ઘ અને અઢી લાખની મેદનીથી ઉભરાતી અત્યંત વિરાટ પાલખીયાત્રા અને ચેમ્બુરતીર્થ પરિસરમાં અંતિમ સંસ્કાર, ચોપન સ્થળે ગુરુમંદિરનિર્માણ, સાતસો પેજના દલદાર 'યુગદિવાકર' જીવનગ્રન્થનું અને કુલ છ જીવનગ્રન્થોનું સંસ્કૃત-ઇંગ્લીશ-ગુજરાતી ભાષામાં પ્રકાશન : આ છે તેઓની વિગતલક્ષી સંક્ષિપ્ત માહિતી.
હવે આપણે નિહાળીશું ત્રણ વિશિષ્ટતાના આધાર પર તેઓશ્રીના જીવન પ્રસંગો :
(૧) સાગર સમું ઊંડાણ :- સાગરની ઊંડાઈ એવી ગહન હોય કે ભલભલા મરજીવાઓ ય એનું તળિયું પામી ન શકે. ગુરુદેવનાં જીવનમાં પણ આવું ઊંડાણ ગાંભીર્ય આદિ અનેક રીતનું હતું. એમાં એક હતું જ્ઞાનનું ઊંડાણ. એમની જ્ઞાનગહરાઈ સમજવા એક જ ઉલ્લેખ કાફી થઇ રહે કે દીક્ષાના માત્ર ચૌદમાં વર્ષે વિ.સં. ૧૯૯૦માં તેઓએ નવતત્ત્વ પર છ હજાર શ્લોકપ્રમાણ નૂતન સંસ્કૃત 'સુમંગલાટીકા' ગ્રન્થનું નૂતન સર્જન કર્યું હતું! આ ઉપરાંત ક્ષેત્રસમાસ-પંચમકર્મગ્રન્થ-ષટ્ત્રિંશિકાચતુષ્કપ્રકરણ-વંદિત્તુસૂત્ર અર્ધીપિકાટીકા વગેરે વિદ્વદ્ભોગ્ય ગ્રન્થોનાં વિવેચનો અને 'શ્રમણ ભગવાન મહાવીર' જેવા લોકપ્રિય ગ્રન્થનું લેખન અલગ. જેવું જ્ઞાન હતું, એવું જ તાત્ત્વિક પ્રવચનોનું એમનું કૌશલ્ય હતું. તેના 'ભગવતીસૂત્રનાં પ્રવચનો' ગ્રન્થની થયેલ છ-છ આવૃત્તિઓ તેમની ઉત્કૃષ્ટ પ્રચવનશક્તિની સાખ પૂરે છે. તેઓશ્રીનાં જ્ઞાન અને પ્રવચનશક્તિ અંગે વિદ્વાનોના પ્રતિસાદની બે ઝલકો નિહાળીએ :
- પંચોતેર વર્ષ પૂર્વેના જૈનશાસનમાં ગીતાર્થમૂર્ઘન્યરૂપે પંકાતા પૂ. ન્યાયવાચસ્પતિ, આચાર્યપ્રવર ઉદયસૂરીશ્વરજી મહારાજ. વિ.સં. ૨૦૦૭માં આચાર્ય પદ સ્વીકારવા માટે તેઓશ્રીએ ઉપાધ્યાય ધર્મવિજયજી મ.ને પત્ર લખ્યો. તેમાં તેઓએ લખ્યું કે ''નામ બોલતી વખતે ભટ્ટારક શબ્દ સાથે બોલવાનો તેમજ 'સિદ્ધાંતમહોદધિ' અને 'વ્યાખ્યાનમાર્તંડ' આ બે પદનાં વિશેષણ પણ નામસ્થાપન વખતે બોલવા.' ઉપરોક્ત પંક્તિઓમાંનો ભટ્ટારક શબ્દ આજના ગચ્છાધિપતિપદ જેવો મહત્ત્વવાચક છે. પરંતુ બાકીના બે વિશેષણો તો નિ:શંકપણે તેઓની વિશદ જ્ઞાનશક્તિ અને પ્રવચનશક્તિનાં વધામણાં જેવા જ છે. ખ્યાલ રહે કે આ વિશેષણ કોઇ યદ્વા તદ્વા વ્યક્તિએ નહિ, તત્કાલીન પ્રભુશાસનના ગીતાર્થમૂર્ધન્ય સૂરીશ્વરે સૂચવ્યા છે.
- આગમવિશારદ તરીકે વિખ્યાત પૂ.પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી ગણિવરે મહેસાણાથી એક પત્રમાં લખેલ કે ''આપશ્રીનાં તાત્ત્વિક વ્યાખ્યાનો, દ્રવ્યાનુયોગના ચિંતનભર્યાં વિવેચનો સાંભળવાનો પુણ્ય અવસર આ અભાગિયાને મળ્યો નથી. પણ દૂરદૂરગામિની કીર્તિ શ્રવણ કરીને ઉત્કંઠા ઘણી થાય છે. શ્રી ભગવતીસૂત્ર આખું મારે આપ જેવા પાસે ધારવું છ.'' આગમોના વિશિષ્ટ અભ્યાસી શ્રમણના આ શબ્દો પૂજ્યશ્રીની અદ્ભુત શ્રુતસમૃદ્ધિના-જ્ઞાનની ગહરાઈના મસ્ત પરિચાયક છે.
(૨) મેરુપર્વત સમી ઉત્તુંગતા :- એમનું પુણ્ય અને પ્રભાવકતા મેરુ સમ ઉત્તુંગ હતા. તે કાળના સમર્થ સંઘનાયક અને પૂજ્યશ્રીથી વડિલ પૂ. આચાર્યવર્ય નંદનસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રી માટે અંતેવાસીઓને આ શબ્દો કહ્યા હતા કે, 'એમના (ધર્મસૂરીશ્વરજી) જેવું પુણ્ય વર્તમાનમાં કોઇનું નથી લાગતું.'' શું છે આ શબ્દો ? પૂજ્યશ્રીની પુણ્યાઈ પર એક અધિકૃત મહાન આચાર્યશ્રીએ લગાવેલ મહોરછાપ.
કેટલીક વ્યક્તિની પુણ્યાઈ એવી હોય છે કે એનાથી એમને માનનાર વર્ગ વધે. પરંતુ સંઘના તો ભાગ થઇ જાય. પરમગુરુદેવની પુણ્યાઈ એવી નહિ, બલ્કે સંઘને નિતાંત લાભદાયી હતી. આ પુણ્યાઈએ જ પૂર્વે જણાવ્યું તેમ અલગ અલગ સંઘોને કુલ એકસો પાંત્રીશ જિનાલયોની અને ચોર્યાશી ઉપાશ્રયોની ભેટ મળી !એમાં ભાયંદર-બાવન જિનાલય, કાંદિવલી-ચતુર્િંવશતિ જિનાલય, ચેમ્બુરનું તીર્થસ્વરૂપ જિનાલય, ઘાટકોપરનું ચતુર્મજલી જિનાલય, ગોવાલીયાટેંકનું પંચશિખરીય જિનાલય વગેરે તો મહાતીર્થસભા જિનાપ્રાસાદો છે. તો ગોડીજી-પાયધુની, શાંતાક્રુઝ, બોરીવલી-જામલીગલી વગેરે સંઘોના ઉપાશ્રયો જૈન સંઘોના છે. એણાં એમના સમુદાયના જ નહિ, અલગ અલગ સર્વ સમુદાયો કે જે પ્રાચીન પરંપરાનુસારી છે તે પધારે છે અને ચાતુર્માસો કરે છે. આ એમ દર્શાવે છે કે એમની પુણ્યાઇનો મહત્તમ લાભ જૈન સંઘોને મળ્યો છે, માત્ર શિષ્યાદિને કે ભક્તવર્ગને નહિ. એમનું પુણ્ય સંઘને કેવું શીઘ્ર ફળદાયી હતું તેની બે સંક્ષિપ્ત ઝલકો નિહાળીએ : - ભાયંદરનું વિરાટ બાવન જિનાલયતીર્થ તેઓની પ્રેરણાથી થયું. પરંતુ જીવનકાળ દરમ્યાન તેઓ ત્યાં માત્ર એક જ વાર અને એક જ દિવસ પધાર્યા. એ દિવસના વાસક્ષેપે બધું કામ તમામ કર્યું.
- બોરીવલી-જામલીગલીનો રાજમહેલ સમો અતિ વિરાટ ઉપાશ્રય એમની પ્રેરણાથી થયો. તેઓ ત્યાં આઠ દિવસ અંજનશલાકા મહોત્સવમાં પધાર્યા હતા. એમાં જ ઉપાશ્રયનું મહદંશ ફંડ થઇ ગયું.
અન્યોને જે કાર્યો માટે વર્ષો-વર્ષો લાગે તે કાર્યો એમનાં પુણ્ય માટે આટલા આસાન હતા.
(૩) આકાશ સમી વિશાલતા :- પરમગુરુદેવનું હૈયું આકાશસમું વિશાલ હતું જે સમુદાય-પક્ષ-ગચ્છના ભેદ વિના સહુને આવકારતું. કોઇ પણ ગચ્છ-પક્ષના સંઘો આવે. પૂજ્યશ્રી દરેક સંઘોનાં કાર્યો કરી આપે. એનું સૌથી સરસ ઉદાહરણ છે મુંબઈ-પવઇનો અચલગચ્છ જૈન સંઘ. એ ગચ્છના શ્રમણો જ્યારે અત્યલ્પ હતા અને એમનું મુંબઈમાં ખાસ પર્દાપણ ન હતું ત્યારે ત્યાંનો સંઘ પૂજ્યશ્રીને જિનાલય માટે વિનંતિ કરવા આવ્યો. વિશાલ હૃદયના પૂજ્યશ્રીએ ત્યાં અચલગચ્છસંઘના જિનાલયનું સાંગોપાંગ નિર્માણ કરાવ્યું અને પ્રતિષ્ઠા પણ કરી આપી. એ સંઘ આજે પણ પોતાના આદ્યઉપકારીરૂપે પરમગુરુદેવને માને છે.
સાચા અર્થમાં સંઘનાયક આ વિરલ વિભૂતિને અંજલિ આપતા એ જ કહીશું કે :-
આકાશમાં છે જેટલા સિતારા…
એથી અધિક છે ગુણો તમારા…









