તમે ઇશ્વરને જોયા છે?

'તમે ઇશ્વરને જોયા છે?'- તો જવાબ છે, ઉનાળાની ઉકળાટભરી ગરમીમાં વહેતી પવનની ઠંડી લહેરખીને તમે જોઈ છે? હા. એ મસ્ત લહેરખીનો સ્પર્શ એ જ ઇશ્વર. ઇશ્વર સાથે જ્યારે જ્યારે સંવાદ થાય ને, ત્યારે ત્યારે એ પ્રાર્થના બને. અને જ્યારે સંગત થાય ત્યારે આરાધના ઇશ્વરનું પવિત્ર સ્મરણ એ જ ભક્તિ. ભલેને, આ આંખો ઇશ્વરને દેખતી નથી પણ તેની સર્જેલી આ સૃષ્ટિને તો નજરોનજર દેખી શકે છે ને!
શું ઇશ્વરની બનાવેલી આ સૃષ્ટિનો પામર મનુષ્ય પાર પામી શકે ખરું? માણસના જીવનમાં શ્વાસ ફૂંકી શકે ખરું? મિજાગરા પર ટકી રહેલાં બારણાની માફક આ પૃથ્વી એક ધરી પર ટકી રહી છે. આકાશના ઊંડાણમાં ગ્રહો અને નક્ષત્રો પોતપોતાની કક્ષામાં ઘૂમી રહ્યા છે. તેઓ પોતાની સીમા ઓળંગી જતાં નથી. આ ધરતી, વૃક્ષો, ફૂલ-પાન અને સર્વ આશ્ચર્ય શું આપણને 'ઇશ્વર' હોવાની પ્રતીતિ કરાવતાં નથી! આંખના આંસુની બનાવટને આજનું વિજ્ઞાાન સમીકરણમાં વર્ણવી શકે, પરંતુ એવું જ આસું કોઈ વૈજ્ઞાાનિક બનાવી શકે ખરાં? તો પછી ઇશ્વર હોવાની સાબિતીઓ કેમ? ઇશ્વર વિનાની ધરતીની કલ્પના તો કરી જુઓ! ઇશ્વર વિના પ્રેમ ક્યાંથી? એ જ દૂરનો ઇશ્વર આપણામાં નિવાસ કરે છે. સર્વવ્યાપી ઇશ્વર આટલામાં જ મળે છે. જો તેને શોધો તો તે તમને મળે છે.
'ફરેબી આ દુનિયા માંહે, કહાં કહાં રબને શોધો,
ઘટે ઘટે વસનારાને જળે-સ્થળે શાને શોધો?'
- નિલમ સંજય રાજ




