શિષ્યોના પ્રશ્નોનું ગુરૂ દ્વારા રહસ્યોદ્ઘાટન

પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
પર્વતની ગોદમાંથી સરિતા એક એવા પ્રદેશમાંથી પસાર થઈ રહી હતી જેના બન્ને કિનારે મુલાયમ લીલું ઘાસ મંદમંદ સમીરમાં લહેરાતું હતું અને પસાર થતા પથિકોનાં ચક્ષુઓને ઠંડક પહોંચાડતું હતું. પસાર થતા રાહદારીઓ આ નદીના શીતળ જળને પી ને પોતાની તૃષા તૃપ્ત કરતા અને કેટલાંક પશુ-પંખીઓ તેનું જળ પીને તૃપ્ત થતાં હતાં.કિનારાને થોડે દૂર એક વડનું વિશાળ વૃક્ષ હતું. ઘણાં વર્ષોથી ઊભેલા આ વડના વૃક્ષની વડવાઈઓ પણ નીચે ઊતરીને જમીનમાં સમાઈ ગઈ હતી. આ વડનું વૃક્ષ એટલું ઊંચું કે જાણે આભને આંબવા મથતું હતું ! ઊંચાઈ અને અનેક શાખાઓથી સમૃદ્ધ આ વડને તેની વિશાખાઓનું અભિમાન હતું. જ્યારે આ વડની નજીક ઊગેલા નાના નાના તણખલાને તેની કોમળતા, તેના અનુપમ સૌંદર્ય અને મંદ સમીર પસાર થતાં તેના સ્પર્શથી પ્રગટતું મધુર સંગીતનું જરા પણ અભિમાન ન હતું. આ વટવૃક્ષ જેના કિનારે હતું તે નદી લોકમાતારૂપે અનેકોનું કલ્યાણ કરવા છતાં લગીરે અભિમાની ન હતી પરંતુ તેના દ્વારા થતા જીવોના પોષણ જોઈને તે તૃપ્ત અને સંતોષનો અનુભવ કરતી હતી. કોમળ ઘાસની વિનમ્રતા અને સરિતાની સરળતા પ્રકૃતિની નિજી સંપદાને સમૃદ્ધ કરતી હતી જ્યારે બીજી બાજુ અહંકારી વટવૃક્ષ વિકૃતિનું વહન કરી રહેલ હતું.
એક દિવસ અચાનક કુદરતી તોફાન આવ્યું. પવનદેવના તાંડવનૃત્યનું બિહામણું સ્વરૂપ, સાથે મૂશળધાર વરસાદ અને વીજળીના ઝબકારા જીવો માટે ભયાવહ હતા. પવનની તીવ્રગતિનો અવાજ પણ અસહ્ય હતો. કેટલાક સમય પછી તોફાન અટક્યું અને ધીરે ધીરે પ્રકૃતિ શાંત થઈ અને બધું જાણે યથાવત્ થઈ ગયું હોય એવું લાગતું હતું. પરંતુ એક પરિવર્તન નોંધનીય અને આશ્ચર્યજનક હતું. બધું તો બરાબર હતું પરંતુ નદીકિનારાની નજીકનું એ વિશાળ વટવૃક્ષ નીચે પડી ગયું હતું. થડ મૂળથી ઊખડી ગયું હતું. સાથેસાથે તેનો અહંકાર પણ ધરાશાયી થયો હતો. જ્યારે બાજુમાં લીલું લીલું ઘાસ મંદ સમીરની સાથે મસ્તીમાં ઝૂલી રહેલું હતું. આ નદીકિનારાની થોડે દૂર એક તપોવન હતું. તોફાન શાંત થતાં તપોવનના ગુરૂજી કેટલાક શિષ્યો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. વિદ્યોપાસકોએ ગુરૂજીને પ્રશ્ન કર્યો કે, 'હે ગુરૂભગવંત, અહીં આ તોફાનને પરિણામે મહાકાય વટવૃક્ષ ધરાશાયી પડયું છે, પરંતુ આ નાના નાના કોમળ ઘાસને કશું જ થયું નથી ?'
ગુરૂજીએ ઉત્તરમાં કહ્યું કે, 'વટવૃક્ષના પતનનું કારણ તેનો અહંકાર છે. ઝંઝાવાત પવનના તોફાન સામે ઝૂકી ગયું હોત તો પવન તેના પરથી પસાર થઈ જાત અને તેને કશું જ નુકશાન ન થાત. જ્યારે નાના ઘાસના છોડો તો પવન સામે નમી જતાં એટલે પવન તેના ઉપરથી ચાલ્યો જાય એ તેને કશું જ નુકસાન ન થયું. અહંકાર વિનાશનું કારણ બને છે જ્યારે વિનમ્રતા જીવનપોષક છે.' વધુમાં ગુરૂજીએ શિષ્યોને કહ્યું કે, 'જ્ઞાાનીઓનું કથન છે કે, 'નમ્યું તે પ્રભુને ગમ્યું.' અભિમાન કરવાથી વટવૃક્ષના જેવી હાલત થાય છે.'
શાસ્ત્રકાર પરામહર્ષિઓને મદ, અભિમાન, અહંકારના પ્રકારો બતાવતાં જણાવે છે કે, જાતિમદ, કુળમદ, ઐશ્વર્યમદ, રૂપમદ, બળમદ, તપમદ, શ્રુતમદ (જ્ઞાાન) અને લાભમદ - એમ આઠ પ્રકારના મદના એટલે કે અહંકારના બતાવ્યા છે.
જાતિ કે કુળમાં જન્મ લીધા પછી જો એનું અભિમાન કરીએ તો ભાવિમાં નિમ્ન જાતિ મળે અને ભવભ્રમણ વધે. ઐશ્વર્યનો મદ કરવાથી દરિદ્રતા, બળનો મદ કરવાથઈ નિર્બળતા, તપનો મદ અભિમાન કરવાથી કર્મનિંર્જરા થવાને બદલે મિથ્યાતપ બને, જ્ઞાાન કે વિદ્વતાનો અહંકાર કરવાથી ભાવિમાં વિદ્યાપ્રાપ્તિ ન થાય અને - એટલે જ્ઞાાનાવરણીય કર્મબંધ થાય, લાભમદ કરવાથી લાભઆંતરાય આવે… આમ કોઈ પણ પ્રકારનો જીવનમાં અહંકાર કરવાથી તે આત્મોત્થાન અટકાવનાર જ બને છે.
આત્મજ્ઞાાની પૂજ્ય વિરાટ કહે છે કે, 'જહાં ઝૂકાવ વહાં ટીકાવ.'
જો વિનય કરે હર ભય હરે, જો અખડેહા વો રખડેગા
જો નમ્રતા હૈ, સુખમેં રમતા, જો બિગડેગા વો ઉખડેગા.
અહીં ઝૂકવાળો નબળો છે એવું નથી, પરંતુ ઝૂકવાવાળો જ વીર છે તે વાત આ દ્રષ્ટાંતમાં અનિવાર્ય થાય છે.
ભગવાન મહાવીરની વાણી 'ઉત્તરાધ્યયન સૂત્ર'નું પહેલું અધ્યયન જ 'વિનયશ્રુત છે' જેમાં વિનયવાન શિષ્ય જ શ્રુત એટલે જ્ઞાાનપ્રાપ્તિનો અધિકારી બને છે તે વાત અભિપ્રેત છે.




