દેવી પૂજાના વિવિધ પ્રસંગોનું સંક્ષિપ્ત વર્ણન

શ્રીમદ્ દેવી ભાગવતના સપ્તમ સ્કંધમા માતાજીએ દેવોને અને હિમાલયને જે જ્ઞાન આપ્યુ તે દેવી ગીતાને નામે પ્રસિદ્ધ છે. એ વિષય ઉપક્રમમાં હિમાલય અને દેવોએ માતા જગદંબાને પૂછયું કે, તમારી પૂજાના પ્રકારો જણાવો. ત્યારે ભગવતી બોલ્યાં કે, હે રાજન ! જગદંબાને પ્રસન્ન કરવાવાળા પૂજનનો વિધિ કહું છું તે તમે સાંભળો. મારી પૂજા બે પ્રકારની છે - વૈદિકી અને તાંત્રિકી. હે હિમાલય ! મૂર્તિભેદથી વૈદિકીપૂજા પણ બે પ્રકારની છે. જે વેદોક્ત દીક્ષાવાળા હોય તેઓ વેદમંત્રોથી પૂજા કરે છે, તેને વૈદિકીપૂજા કહે છે તથા તાંત્રિક મંત્રોથી જે પૂજા થાય છે, તે તાંત્રિકી પૂજા કહેવાય છે.
પ્રથમ વૈદિકી પૂજાવિધિ કહું છું. હે હિમાલય ! તમે મારા જે વિરાટ સ્વરૂપના દર્શન કરી ચૂક્યા છો, જેમાં અનંત મસ્તકો, નેત્રો અને ચરણ હતાં તે રૂપ સંપૂર્ણ શક્તિઓથી સંપન્ન, સર્વશ્રેષ્ઠ તથા પ્રેરણા આપનાર હતું. તે જ રૂપનું પૂજન, વંદન, ધ્યાન અને સ્મરણ કરવું જોઈએ. પૂજાનું આ પ્રથમ સ્વરૂપ કહ્યું. યજ્ઞાો દ્વારા તે રૂપની ઉપાસના કરવી. એકચિત્તે તે રૂપનું ધ્યાન કરવું. જપ-તપ દ્વારા અનન્યભાવે પ્રેમ અને ભક્તિપૂર્વક ઉપાસક બનવું. યજ્ઞાો દ્વારા મારું યજન તથા તપ અને દાનથી મન પ્રસન્ન કરવા મારી આરાધના કરવી. આ પ્રમાણે મારી કૃપાને પ્રાપ્ત કરી સાધક સંસારના બંધનોથી અવશ્ય મુક્ત થાય છે. જે હંમેશાં મારી શરણનો આશરો લે છે તથા જેમનું ચિત્ત અવિરતપણે મારામાં જોડાયેલું રહે છે, તે ઉત્તમ ભક્ત છે. આવા ભક્તોનો હું સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું એવી મારી પ્રતિજ્ઞા છે.
હે રાજન ! હું ધ્યાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ કે જ્ઞાનયોગ આમાંથી કોઈપણ યોગ દ્વારા પ્રાપ્ત થઈ શકું. એવું નથી કે મને પ્રાપ્ત કરવા માટે કર્મયોગ જ મહત્ત્વનો છે. કોઈ કર્મ નિરર્થક નથી, કારણ કે સત્કર્મો કરવાથી પાપોનો નાશ થાય છે અને ધાર્મિક ભાવના દૃઢ થાય છે. ધર્મથી ભક્તિ જન્મે છે અને ભક્તિ મુક્તિનું સાધન છે. શ્રૃતિ-સ્મૃતિ દ્વારા નિર્દેશેલાં સત્કર્મો જ ધર્મ કહેવાય છે. હું સર્વજ્ઞા તથા સર્વશક્તિમાન છું. વેદો મારામાંથી ઉત્પન્ન થયાં છે અને શ્રુતિ, વેદોનું અંગ હોઈ તે પણ પ્રમાણિત છે. સ્મૃતિઓમાં શ્રુતિનો જ શબ્દાર્થ છે, જે મનુસ્મૃતિ વગેરે કહેવાય છે તેથી શ્રુતિ-સ્મૃતિની પ્રામાણિકતા સ્વયંસિદ્ધ છે. તેથી મુમુક્ષુજનોએ સદ્ધર્મ માટે સદા વેદોનો આશ્રય લેવો જોઈએ. જેમ જગતમાં રાજાની આજ્ઞા સર્વમાન્ય હોય છે તે રીતે શ્રુતિ એ મારી સર્વતંત્ર-સ્વતંત્ર શાસકની આજ્ઞા છે.
હે હિમાલય ! જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય છે અને અધર્મ વધે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. આ સંસારમાં જુદા જુદા અનેક શાસ્ત્રો છે. તેમાના કેટલાંક તામસ શાસ્ત્ર છે. તે વામ, કાપાલ, કૌલક અને ભૈરવાગમ છે. ભગવાન શંકરે પાપીઓને મોહ ઉપજાવવા માટે આની રચના કરી છે. તેમાં વેદસંમત અંશો પણ છે. વેદજ્ઞા પુરુષો તે અંશોનું ગ્રહણ કરે તો તેમાં દોષ નથી. વેદમાં કહેલા જ્ઞાનથી જ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે છે. હે હિમાલય ! આ મુજબ વેદના સિદ્ધાંત પર આશ્રિત મારી પૂજા થાય છે.
હવે બીજી પૂજાની વિધિ કહું છું. મૂર્તિ, વેદી, સૂર્ય અથવા ચંદ્રમંડળ, જળ, બાણાકાર ચિહ્ન, યંત્ર, ચિત્ર અથવા હૃદયમાં મારું પરમેશ્વરીનું ધ્યાન કરીને પૂજા કરવી. મારા સગુણરૂપનું ધ્યાન કરતાં દેવી કરુણાથી પરિપૂર્ણ છે તેવી શ્રદ્ધા રાખવી.મા તરૂણ અવસ્થાવાળા છે, સંધ્યા જેવા લલિત વર્ણથી શોભી રહ્યાં છે, તેમનો શ્રીવિગ્રહ અનુપમ સુંદર છે, તેઓએ અનેકાનેક શ્રૃંગાર પહેર્યાં છે, તેઓ પરમ કૃપાળુ છે. માતાનું મુખમંડળ પ્રસન્નતાથી ભરેલું છે, મુકુટ પર બાળચંદ્રમા તથા મોરપંખ શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. તેઓ પાશ, અંકુશ, વર અને અભયમુદ્રા ધારણ કરેલાં છે. તેઓ આનંદમયરૂપથી શોભી રહ્યાં છે. આ પ્રમાણે ધ્યાન કરીને પોતાની શક્તિ પ્રમાણે પૂજન કરવું. જ્યાં સુધી અંત:પૂજાનો અધિકાર ન મળે ત્યાં સુધી બાહ્યપૂજા કરવી જોઈએ. મારી અભ્યંતર પૂજા ટૂંક સમયમાં જ્ઞાનરૂપ બ્રહ્મમાં ચિત્તનો લય કરે છે.
હે હિમાલય ! જે મનુષ્ય નિષ્કામભાવે મારી શરણમાં આવ્યા છે, જેમના માન અને અહંકાર છૂટી ગયા છે, જેમનું ચિત્ત મારામાં પરોવાયેલું છે, જે મારા સ્થાનોની હંમેશાં ચર્ચા કરે છે, જે મારા વિરાટ સ્વરૂપની ભક્તિ સાથે ઉપાસના કરે છે તેવા મનુષ્યના અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી સૂર્ય દ્વારા પ્રકાશિત કરીને તેમના તમામ દુ:ખ, આપત્તિઓનો હું નાશ કરું છું. તેમાં કોઈ સંદેહ નથી.
તો આવો આપણે પણ માતા જગદંબાના શરણે જઈએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના… અસ્તુ!.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી









