Dharmlok

અંતરના આશીર્વાદ

By GS Team
23 Sep 20263 mins read
અંતરના આશીર્વાદ
  • અંગ્રેજી ભાષામાં કહેવાય છે કે ‘Count your blessings’. આપણી ઘણી સમજવા જેવી વાત છે. આપણાથી સારી પરિસ્થિતિમાં જે છે તેમની ઇર્ષા કરવાને બદલે આપણે અન્ય કરતાં કેટલી સારી પરિસ્થિતિમાં છીએ તે જોતાં આવડી જાય તો સમજાઈ જાય કે આપણા ઉપર કેટલાં આશીર્વાદ છે.

જીવનમાં એવી ઘણી ભેટ ઇશ્વરે આપણને આપી છે જેનું મૂલ્ય આંકવું અઘરું છે. એવી જ એક અમૂલ્ય ભેટ જો કોઈ ગણી શકાય તો તે છે કોઈના અંતરના આશીર્વાદ.
હા, આ ભેટ એમનેમ નથી મળતી, એ તો કમાવી પડે છે.
તમે કોઈનો હક છીનવી શકો, કોઈની મિલકત કે સંપત્તિ પણ છીનવી શકો પણ કોઈએ અંતરથી આપેલા આશીર્વાદ ક્યારેય છીનવીને ન મેળવી શકાય. એ તો તમારે તમે કરેલાં સત્કર્મો દ્વારા જ કમાવાં પડે.
આશીર્વાદ કોઇના પણ હોય તે જો ખરાં હૃદયથી આપેલા હશે તો તે અમૂલ્ય જ ગણવા. કોઈના સાચાં મનથી આશીર્વાદ ક્યારેય એળે જતાં નથી. તે ક્યારેક તો ફળે જ છે. કોઈના ખરા હૃદયથી આપેલા આશીર્વાદ કે શુભેચ્છાની હકારાત્મક અસર કાયમ આપણી સાથે રહે છે. ઘણી વખત આવનારી મુસીબતોમાંથી બચી જવા પાછળ પણ કોઈના અંતરના આશીર્વાદ કામ કરતા હોય છે. કોઈ દુર્ઘટનામાંથી ઉગરી જઈએ તો એમ કહેવાય છે કે શૂળીનો ઘા સોઈથી ગયો. જો આવું કંઈ પણ બને તો ઇશ્વરના આશીર્વાદની સાથે સાથે કોઈના અંતરના આશીર્વાદ પણ કામ કરી જતા હોય છે. ક્યારેક બધું જ આપણી ધારણા પ્રમાણે બને. કોઈ શુભ અવસર જીવનમાં આવે કે કોઈ સુખદ્ ક્ષણોની અનુભુતિ થાય ત્યારે સમજવું કે આપણું ભાગ્ય, ઇશ્વર કૃપા અને કોઈના અંતરના આશીર્વાદ આ બધું જ એક સાથે કામ કરી રહ્યું છે. કોઈએ ખરાં હૃદયથી આપેલાં આશીર્વાદમાં ખુબ શક્તિ રહેલી છે, અને જો કોઈની શુભેચ્છા અને આશિર્વાદ સાથે હોય તો જીવનના કપરાં ચઢાણ ચડવામાં ટેકો મળી રહે છે.
જરૂરિયાતમંદની મદદ કરવી, મૂંગા પશુ પક્ષીઓની સેવા, કોઈ નાના બાળકના ચહેરા પર આનંદ લાવી દેવો, વયોવૃદ્ધ વડીલોની સેવા કરવી વગેરે એવાં તો કેટકેટલાં કર્મો છે જેના દ્વારા કોઈના મૂંગા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને આશીર્વાદ મળે કે ન મળે સત્કર્મો કર્યાનો આનંદ અને સંતોષ તો જરૂર મળી જ રહે છે. જ્યારે કોઈના મૂંગા આશીર્વાદ બોલે છે ત્યારે ભલભલાની બોલતી બંધ થઈ જાય છે. ખરાબ સમયમાં જો કોઈ સધિયારો હોય તો તે આપણે પોતે કમાયેલા આશીર્વાદ જ છે. બધું છૂટી જાય તો પણ કોઈના અંતરના આશીર્વાદ સાથ નથી છોડતાં… ખરાં આશીર્વાદ કે શુભેચ્છાઓ તલવારના ઘા સામે ઢાલ જેવું કામ કરે છે.
અંગ્રેજી ભાષામાં કહેવાય છે કે ‘Count your blessings’. આપણી ઘણી સમજવા જેવી વાત છે. આપણાથી સારી પરિસ્થિતિમાં જે છે તેમની ઇર્ષા કરવાને બદલે આપણે અન્ય કરતાં કેટલી સારી પરિસ્થિતિમાં છીએ તે જોતાં આવડી જાય તો સમજાઈ જાય કે આપણા ઉપર કેટલાં આશીર્વાદ છે. કોઈના અંતરના આશીર્વાદ જ્યારે આપણને મળે છે ત્યારે એ વાત પણ યાદ રહે કે જે લોકો આપણને કોઈપણ સંજોગોમાં સાથ આપે છે કે મદદ માટે હંમેશા તૈયાર રહે છે તેમના માટે પણ આપણા મનમાંથી એવા જ આશીર્વાદ કે શુભેચ્છાઓ નીકળે.
ઇશ્વરના આશીર્વાદ. આપણા આપ્તજનોના આશીર્વાદ તો હંમેશા આપણી સાથે રહે છે પણ જો આપણા કર્મો દ્વારા અન્યોના આશીર્વાદ પણ કમાઈ શકીએ તો તે તક ગુમાવવા જેવી નહીં. આશીર્વાદ અદ્રશ્ય હોય છે, તે દેખાતાં નથી પણ તેની અસર ચોક્કસપણે દેખાય છે. કોઈના દિલથી આપેલાં આશીર્વાદ અસંભવને પણ સંભવ બનાવી દેવા સક્ષમ છે. આપણા મનમાં પણ એવો જ શુભ અને સાત્વિક ભાવ કાયમ વસતો રહે અને તે માટે ઇશ્વરના આશીર્વાદ કાયમ આપણી સાથે રહે તેવી ઇશ્વરને અંતરમનથી પ્રાર્થના.

  • પ્રણામિ બુચ દેસાઈ