શાંત-સ્વસ્થ માનવમન પ્રભુને પ્રિય

હિંદૂધર્મનાં બહુમૂલ્ય ગીતાગ્રંથમાં માનવજીવનનાં સંતોષ પરિપૂર્ણતા કે તૃપ્તિ સબબ વિસ્તૃત છણાવટ છે. માનવ-સંતોષ એ એવો માનવીનો ગુણ છે જ્યાં માનવી માનસિક શાંતિ અને આનંદ સહજ મેળવે. માનવીનાં સંતોષરૂપી બળે માનવ કાર્યક્ષમતા - કાર્યગતિ તેમજ ઉર્જાબળમાં વૃધ્ધિએ માનવ ઈચ્છિત સિદ્ધિઓ-સંકલ્પોમાં સફળતાની સંભાવનાઓ શક્ય બને. વિશેષ રજૂ કરીએ તો - મનનાં સંતોષ-તૃપ્તિમાં સુગંધ છે - સૌંદર્ય છે જ્યારે અતૃપ્તિ એ અસંતોષ - અપૂર્ણતા અને વિષાદમય બની રહે છે તેથી જ માનવમન હરહંમેશ શાંત-પ્રસન્ન અને સ્વસ્થ રહેવું માનવજીવન યાત્રામાં અતિ આવશ્યક છે !
પ્રભુ-પરમેશ્વરની આ સુંદર સૃષ્ટિમાં જે મનુષ્ય અંત:કરણમાં ઉન્માદ, ઉકળાટ-અશાંતિ-વિષયો, કામનાઓ અને કષાયોને મનમાં પ્રવેશ કરવા દેતો નથી સાથે સાથે સ્વનાં વિચારોમાં પ્રેમ-સ્નેહ-સદ્દભાવ-દયા-કરુણા-અનુકંપા ધારણ કરે છે તે માનવમન સ્વસ્થ માનવમન બની રહે ! આ સત્વગુણો અને સાત્વિકભાવો ધારણ કરેલ સૃષ્ટિનો સંતોષી-સંયમી માનવજીવ જેનું મન-ચિત્ત-અંતર શુધ્ધ છે - શાંત છે - પ્રસન્ન છે, સંતોષની માત્રા એ છલોછલ છે, પરિપૂર્ણ તૃપ્તિની સુગંધ છે તેવો સત્વભાવી માનવજીવ પ્રભુને પ્રિય છે, પ્રભુનો સદૈવ વ્હાલો બની રહે છે. વિશેષ રજૂ કરૃં તો - સંસારી જીવન-વ્યવહારમાં વસ્તુનિષ્ઠ મોટાઈમાં સંતોષ રાખવો, તૃપ્ત થવું જ્યારે આત્મ-નિષ્ઠ અધ્યયન વિદ્યાપ્રાપ્તિમાં (જ્ઞાનસંપન્નતા) હરહંમેશ અતૃપ્ત અને ગળાડૂબ માનવી પ્રભુને ગમે છે.
સર્જનાત્મક ટિપ્પણ : ધર્મવિચારધારા અનુસાર - શાંત અને સ્વસ્થ માનવ-આત્મા-અંત:કરણમાં પ્રભુ સ્વયં આનંદે-આનંદે બિરાજે છે - નિવાસ કરે છે. માનવજીવાત્મામાં પ્રભુ નિવાસે-હાજરીએ તેમજ અધ્યાત્મ ઉર્જાએ - અંત:કરણના સાત્વિક શિક્ષા-સંસ્કારબળે પુણ્યશાળી-પુણ્યાત્મા બની પ્રભુનાં દ્વારે પ્રવેશ દ્વારા જીવનયાત્રા સાર્થક-સફર કરે છે !
- કમલેશ હરિપ્રસાદ દવે









