ખંભાળિયા: દિવાળી ટાણે 'હોળી' પ્રગટાવીને વિરોધ, બોનસ કે ફેસ્ટિવલ એડવાન્સ ન ચૂકવાતા સફાઈ કામદારો 20 દિવસથી ઉપવાસ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khambhalia Sanitation Workers Protest : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકાના સફાઈ કામદારોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ન્યાયી માંગણીઓ અંગે છેલ્લા આશરે 20 દિવસથી નગરપાલિકા કચેરી સામે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક અને આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આંદોલન છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન લાવવામાં આવતાં કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બોનસ કે ફેસ્ટિવલ એડવાન્સ ન ચૂકવવામાં આવતાં વિરોધ
ગઈકાલે રવિવારે દિવાળીના પર્વ પર જ્યાં સમગ્ર નગર આનંદ અને ઉલ્લાસ સાથે રોશની અને ફટાકડા ફોડીને તહેવારોની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે આ સફાઈ કામદારો કફોડી હાલતમાં મૂકાયા હતા. તંત્ર દ્વારા સરકારના નિયમો મુજબ જાહેર કરાયેલું બોનસ કે ફેસ્ટિવલ એડવાન્સ પણ સમયસર ન ચૂકવવામાં આવતાં, આ કામદારોએ દિવાળી જેવા હર્ષોલ્લાસના તહેવારે પણ ખુશી મનાવવાના બદલે નગરપાલિકા કચેરી સામે પ્રતીકાત્મક 'હોળી' પ્રગટાવીને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આંદોલન વચ્ચે પણ નાગરિકોની સુવિધાનું રાખ્યું ધ્યાન
ખાસ નોંધનીય બાબત એ છે કે, નવરાત્રી અને દિવાળી જેવા મુખ્ય ધાર્મિક તહેવારો હોવા છતાં, આ હડતાલ દરમિયાન પણ સફાઈ કામદારોએ નાગરિકોને અસુવિધા ન થાય તે માટે પોતાની નૈતિક જવાબદારી નિભાવીને શહેરની સફાઈ વ્યવસ્થા સતત ચાલુ રાખી હતી. આમ છતાં, તંત્ર દ્વારા તેમની આ સંવેદનશીલતા અને ન્યાયી માંગણીઓની સતત ઉપેક્ષા કરવામાં આવી છે.
આગામી સમયમાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ ચીમકી
દિવાળીના પર્વના દિવસો પૂર્ણ થતાં જ હવે સફાઈ કામદારો દ્વારા વધુ ઉગ્ર પગલાં લેવામાં આવ્યા છે. આગામી સમયમાં જો તેમની માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો સમગ્ર શહેરમાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાનો મક્કમ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં તંત્રની મુશ્કેલીઓ વધી શકે છે.




