ગુજરાતમાં 'કોળી CM'ની માંગથી રાજકીય ભૂકંપ: પબુભા માણેકના નિવેદન પર પાટીદાર નેતાઓ લાલઘૂમ, ભાજપની ચિંતા વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Politics Heats Up Over 'Koli CM' Demand by BJP MLA Pabubha Manek; Patidar Leaders Hit Back | ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર જ્ઞાતિગત સમીકરણો અને સત્તાની ભાગીદારીનો મુદ્દો કેન્દ્રસ્થાને આવ્યો છે. દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના જ હોવા જોઈએ તેવું નિવેદન આપ્યું છે. તેનું કારણ એ છે કે, ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ કોળી સમાજ બીજા નંબરનો સૌથી મોટો સમાજ છે. આ નિવેદન આપી ભાજપના ધારાસભ્યે ભાજપની ચિંતા વધારી છે. મુખ્યમંત્રીપદની માંગને જોતાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર ગુજરાતમાં જાતિવાદે ફેણ માંડી છે.
અમરેલીના મંચ પરથી પબુભા માણેકે શું કહ્યું?
અમરેલીમાં કોળી સમાજના એક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં મંચ પરથી સંબોધન કરતી વખતે પબુભા માણેકે સમાજની એકતા અને રાજકીય તાકાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, કોળી સમાજ રાજ્યના વિકાસમાં અને ચૂંટણીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ જોતાં સત્તાના સર્વોચ્ચ સ્થાને કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પબુભા માણેકે પોતાના વક્તવ્યમાં સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને વ્યસનમુક્ત બનવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો સમાજ શિક્ષિત અને સંગઠિત હશે તો જ રાજકીય રીતે વધુ મજબૂત બની શકશે અને પોતાના હક મેળવી શકશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, વડીલોએ જે કર્યું તે પણ હવે યુવાઓએ જાગૃત થવાની જરૂર છે. ભાજપના ધારાસભ્યની મુખ્યમંત્રીપદને લઈને કરાયેલી ટિપ્પણીને રાજકીય વિશ્લેષકો સૂચક માની રહ્યા છે.
ટિકિટ માટે લોબિંગ કે પછી પ્રેશર ટેકનિક?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજ બાદ કોળી સમાજ સૌથી મોટી વોટબેંક ગણાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદાજે 45થી વધુ વિધાનસભા બેઠકો પર કોળી સમાજના મતદારો હાર-જીતનો ફેંસલો કરે છે. આવા સમયે સત્તાધારી પક્ષના જ ધારાસભ્યે જાહેર મંચ પરથી 'કોળી મુખ્યમંત્રી'ની વાત છેડતાં ભાજપમાં આંતરિક ગણગણાટ શરૂ થયો છે. આ નિવેદન માત્ર સમાજને ખુશ કરવા માટે આપવામાં આવ્યું હતું કે પછી આગામી સમયમાં કોળી સમાજના નેતાઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માટે લોબિંગ શરૂ કરવાની આ પૂર્વભૂમિકા છે, તે અંગે ગાંધીનગરથી લઈને સૌરાષ્ટ્ર સુધીના રાજકારણમાં તર્ક-વિતર્ક શરૂ થયા છે.
સત્તા-પૈસાના જોરે આવી બધી વાતો કરો છો, એકલા હાથે ચૂંટણી લડી બતાવો : પાટીદાર નેતાઓ લાલઘૂમ
દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી રાજકીય ટિપ્પણી કરતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં, પાટીદાર નેતાઓ ભડક્યા છે. પાટીદાર યુવા નેતા વરુણ પટેલે પબુભા માણેકને સીધો પડકાર ફેંક્યો કે, તમે સત્તા અને પૈસાના જોરે આવી બધી વાતો કરો છો. તમારી પાછળ ભારતીય જનતા પાર્ટીનું બળ છે એટલે તમે ચૂંટણી જીતો છો. તમારામાં તાકાત હોય તો પાર્ટીથી અલગ રહીને એકલા હાથે ચૂંટણી લડી બતાવો, તમારો પાવર ઊતરી જશે. આ ઉપરાંત પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ સમાજ આધારિત મુખ્યમંત્રી ન હોવા જોઈએ. તેમણે ભૂતકાળના દાખલા આપતા કહ્યું કે રાજ્યમાં નાના સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બાંભણિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે મુખ્યમંત્રી એ સમગ્ર ગુજરાતના હોય છે, કોઈ એક સમાજના નહીં, અને આવા નિવેદનોથી સમાજમાં વિભાજન થાય છે.




