Devbhumi Dwarka

ગુજરાતનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું: સલાયાના 'મહેબૂબ એ બુખારી'ને નડી દુર્ઘટના, 2ના મોત અને 12 ખલાસીઓનો બચાવ

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના સલાયાનું 'મહેબૂબ-એ-બુખારી' જહાજ ઓમાનના દરિયામાં ડૂબી ગયું. ખરાબ હવામાન અને પ્રચંડ મોજાંને કારણે જહાજના એન્જિન બંધ પડ્યા હતા. 14 ભારતીય ખલાસીઓમાંથી 12ને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યુ દળે બચાવ્યા, જ્યારે 2 ખલાસીઓના કરુણ મોત થયા. આ દુર્ઘટનાથી સલાયા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું: સલાયાના 'મહેબૂબ એ બુખારી'ને નડી દુર્ઘટના, 2ના મોત અને 12 ખલાસીઓનો બચાવ

Gujarat Cargo Ship Sinks Oman Sea : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું 'મહેબૂબ-એ-બુખારી' નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયાના પ્રચંડ મોજા અને ખરાબ હવામાનના કારણે દરિયામાં ડૂબ્યું છે. જહાજ પર સવાર કુલ 14 ભારતીય ખલાસીઓમાંથી 12 ખલાસીઓને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે બચાવી લીધા છે. આ દુર્ઘટનામાં કમનસીબે 2 ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે.

મધદરિયે બંને એન્જિન ફેલ થતાં જહાજમાં પાણી ભરાયું

પ્રાપ્ત વિગતો મુજબ, સલાયાનું 'મહેબૂબ-એ-બુખારી'(રજીસ્ટ્રેશન નંબર BDI 1415) જહાજ ગત 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા દરિયાઈ માર્ગે રવાના થયું હતું. આ જહાજ ઓમાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક દરિયામાં ભારે કરંટ અને ખરાબ હવામાન સર્જાયું હતું. કુદરતી આફત વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક બંધ પડી ગયા હતા. એન્જિન બંધ થતાં જહાજમાં પાણી ભરાયું ગયું હતું અને જોતજોતામાં કરોડોની કિંમતનું માલવાહક જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જેથી ટંડેલે તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.

Gujarat Samachar - 2026-07-09T15471.jpg

રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું

જહાજ ડૂબવાની ઘટનાને લઈને ઓમાનનું સત્તાવાર 'સર્ચ એન્ડ રેસ્ક્યુ દળ', ઓમાની નેવી અને નજીકથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો 'અલ હાજી હસન' અને 'સફિના અલ નૂરે ઇલાહી' દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બચાવ કામગીરીમાં જહાજ પર સવાર 14 ખલાસીઓમાંથી 12 ભારતીય ખલાસીઓને સહીસલામત બહાર કાઢી લીધા હતા. જહાજ ડૂબવાની દુર્ઘટનામાં 2 ખલાસીઓ દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના કરુણ મોત નીપજ્યા છે. મૃતદેહો અને બચાવવામાં આવેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા હતા.

સલાયા પંથકમાં શોકનું મોજું

જહાજ ડૂબવાની અને બે ખલાસીઓના મોતના સમાચાર સલાયા પોર્ટ પર પહોંચતા જ સ્થાનિક શિપિંગ એસોસિએશન અને ખલાસીઓના પરિવારોમાં ભારે શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મૃતક ખલાસીઓના વતનમાં તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. સલાયાના આદમ ભાયા (સેક્રેટરી, ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશન) દ્વારા સંબંધિત તંત્ર અને ફોરેન ડિપાર્ટમેન્ટને ઈમેલ દ્વારા મૃતદેહો અને જીવિત ખલાસીઓને પરત લાવવા તેમજ જરૂરી કાગળો પૂરા કરવા અને તમામ સહાય પૂરી પાડવા જાણ કરવામાં આવી છે.

મૃતક ખસાલીઓના નામ

  • ગંઢાર યાસીન નૂરમામદ
  • ઇમરાન ઇશાક ભાયા