Devbhumi Dwarka

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં આઘેડની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા, 24.50 લાખના દાગીનાની લૂંટ, બે શખસો સામે ફરિયાદ

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મોડી સાંજે શાકભાજીના વેપારી આસિફ લાખાની કરપીણ હત્યા થઈ. બે શખસોએ પૂર્વ આયોજનથી તેમને વિરમદળ માર્ગે બોલાવી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો. હત્યારાઓ આસિફના શરીરે પહેરેલા આશરે 35 તોલા સોનાના દાગીના (કિંમત રૂ. 24.50 લાખ) લૂંટી ફરાર થયા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં આઘેડની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા, 24.50 લાખના દાગીનાની લૂંટ, બે શખસો સામે ફરિયાદ

Devbhumi Dwarka Crime News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગત મોડી સાંજે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોનાના દાગીના પહેરવાના શોખીન અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા એક આધેડ વેપારીની બે શખસોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ક્રૂર હત્યા નીપજાવી હતી. એટલું જ નહીં, હત્યા કર્યા બાદ આરોપીઓ મૃતકના શરીરે પહેરેલા આશરે 35 તોલા સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે

જાણો શું છે સમગ્ર મામલો

મળતી વિગતો અનુસાર, ખંભાળિયાના હજામ પાડો વિસ્તારમાં આવેલી પઠાપીરની દરગાહ નજીક રહેતા આસીફ લાખા અહીંના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વ્યવસાય કરતા હતા. તે સોનાના ભારે દાગીના પહેરવાના શોખીન હતા. ગત સાંજે તે મેઈન બજારમાં આવેલી તેના નાનાભાઈ હમીદની કપડાની દુકાને બેસવા માટે ગયા હતા. આ દરમિયાન તેના મોબાઈલ પર કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેથી તેઓ કોઈને કશું કહ્યા વિના દુકાનેથી નીકળી ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે ખંભાળિયાથી આશરે 9 કિલોમીટર દૂર વિરમદળ ગામ તરફ જતા કાચા રસ્તે આવેલા એક ભરડિયા નજીકથી આસીફ લાખાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

બે શખસોએ રચ્યું ગુનાઈત કાવતરું

મૃતકના નાનાભાઈ હમીદ લાખાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર, ખંભાળિયામાં જ રહેતા હાજા ભારમલ આસાણી અને સગીર સહિત બે શખસોએ આસીફ લાખાને આર્થિક લાભ ખાતર કે અન્ય કોઈ અદાવતમાં મોતના ઘાટ ઉતારવાનું ગુનાઈત કાવતરું રચ્યું હતું. આ બંને શખસોએ જ આસીફને ફોન કરીને વિરમદળ માર્ગ પર બોલાવ્યો હતો. જ્યાં એકલતાનો લાભ લઈ બંને આરોપીઓએ આસીફ પર બોથડ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી, ઘટનાસ્થળે જ તેની હત્યા કરી હતી.

આંગળીઓ અને ગળામાંથી 35 તોલા સોનું લૂંટી લીધું

આસીફ લાખા હંમેશા સોનાના ભારે ઘરેણાંથી લદાયેલા રહેતા હોવાથી આરોપીઓની નજર તેમના દાગીના પર હતી. હત્યા કર્યા બાદ બંને શખસોએ આસીફના મૃતદેહ પરથી આશરે 35 તોલા જેટલા સોનાના દાગીના ઉતારી લીધા હતા અને લૂંટ ચલાવીને અંધારામાં નાસી છૂટ્યા હતા. લૂંટાયેલા આ સોનાના દાગીનાની વર્તમાન બજાર કિંમત આશરે રૂપિયા 24 લાખ 50 હજાર જેટલી થવા જાય છે.

પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ઘરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક આસીફના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને પગલે ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો, મિત્રો અને સ્થાનિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો દોડી આવ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

હાલ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જી.પી. એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.