Devbhumi Dwarka

દેવભૂમિ દ્વારકા: ઓખા સિગ્નેચર બ્રિજના કામ ચલાઉ પ્લેટફોર્મના ભંગારમાં GST ચોરીનું મોટું કૌભાંડ, 7 ઝડપાયા

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના ઓખામાં GST ચોરી અને વિશ્વાસઘાત મામલે પોલીસે 7 આરોપીની અટકાયત કરી છે. પૂર્વયોજિત કાવતરું રચી, ભંગાર ભરેલી ગાડીના બદલે રેતીવાળી ગાડીનું વજન કરાવી, ઈ-વે બિલમાં છેડછાડ કરી સરકારી નાણાંની છેતરપિંડી કરાઈ હતી. પોલીસે 2 આઈસર, 2 કાર, રોકડ, મોબાઈલ અને 28,700 કિલો સ્ક્રેપ સહિત કુલ ₹58.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવભૂમિ દ્વારકા: ઓખા સિગ્નેચર બ્રિજના કામ ચલાઉ પ્લેટફોર્મના ભંગારમાં GST ચોરીનું મોટું કૌભાંડ, 7 ઝડપાયા

Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા કેટલાક શખસોની ટોળકીએ પૂર્વયોજિત કાવતરું રચી સરકાર સાથે GSTની ચોરી કરી અને વિશ્વાસઘાત કરવાને લઈને ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે પોલીસે સાત વ્યક્તિની અટકાયત કરી છે. તેમજ જુદા જુદા વાહનો, રોકડ, ભંગાર સહિત કુલ રૂ.58.86 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદ મુજબ, ઓખામાં સિગ્નેચર બ્રિજ તૈયાર કરતી વખતે બ્રિજની બાજુમાં દરિયામાં કામ ચલાઉ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું. જે પ્લેટફોર્મના ભંગાર (સ્ક્રેપ) તોડી, એક ગાડીમાં મહત્તમ વજનનો સ્ક્રેપ આરોપી દ્વારા ભરવામાં આવ્યો હતો. આ સ્ક્રેપ ભર્યા બાદ આરોપીએ તે આઈસર ગાડીને બદલે બીજી આબેહૂબ તેના જેવી જ બીજી આઇસર ગાડીમાં કેપેસિટી મુજબની રેતી, સિમેન્ટના ચોરસા ભર્યા હતા. આ પછી વજન કાંટા ઉપર સ્ક્રેપ ભરેલી ગાડીના બદલે રેતી ભરેલી ગાડીના નંબરના ફેરફાર કરી તેનું વજન કાંટો કરાવવામાં આવતો હતો.

ત્યારબાદ આરોપી દ્વારા ઓછા વજન કરેલી ગાડીને બદલે સ્ક્રેપ ભરેલી ગાડીના નંબરનું ઈ-વે બિલ ઓનલાઇન જનરેટ કરતાં હતા. જેમાં તેઓ પોતાની સાથે ઇનવોઈસ કે ઈ-વે બિલની હાર્ડ કોપી નહીં રાખી સરકારમાં ભરવાના થતાં નાણાં બાબતે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યુ હતું.

રૂ.58.86 લાખનો મુદ્દામાને જપ્ત

સમગ્ર મામલે પોલીસે ટોળકીનું પાયલોટિંગ કરતાં બંને ગાડી વડોદરા તરફ લઈ જતાં હોવાની જાણ થઈ હતી. આ પછી પોલીસ ઘટનાસ્થલે પહોંચીને તમામ મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. જેમાં પોલીસે કુલ રૂપિયા 30 લાખની કિંમતની બે આઈસર ગાડી, રૂ.22,00,000 ની કિંમતની બે કાર, રૂ. 42,000 રોકડા, રૂ. 60,000ની કિંમતના 11 મોબાઈલ ફોન, રૂ.10,000ની કિંમતના રેતી તથા સિમેન્ટના ચોરસા ઉપરાંત રૂ. 5,74,000ની કિંમતનો આશરે 28,700 કિલોગ્રામ સ્ક્રેપ મળી કુલ રૂપિયા 58,86,000નો મુદ્દામાને શકમંદ તરીકે કબજે કર્યો છે.

7 આરોપીની અટકાયત

  • મુકેશ બજરંગલાલ સુથાર (રહે. વડોદરા)
  • નુરમીયા ઉર્ફે બબલુ સોકતઅલી પઠાણ (રહે. વડોદરા)
  • બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ (રહે. વડોદરા)
  • દેવાંશુ નારાયણભાઈ રાજપુત (રહે. વડોદરા)
  • રવિ કુંદનભાઈ મિશ્રા (રહે. ભરૂચ)
  • જયસુખ કાળાભાઈ વાઢેર (રહે. કોડીનાર, ગીર સોમનાથ)
  • હિલેરી પોલ એન્ટોની કેસ્ટેલી (રહે.મહારાષ્ટ્ર)

આ પ્રકારના ગુનાની મોડેસ ઓપરેન્ડીમાં આરોપીઓ દ્વારા પૂર્વયોજિત કાવતરું ઘડી, એક જ પ્રકારના દેખાવવાળી આબેહૂબ બે ગાડીઓ ભાડે મેળવી અને તેમાં માલ સામાનના ઈ-વે બિલ અંગે છેડછાડ કરી અને GSTના નાણા બાબતે છેતરપિંડી આચરવામાં આવતી હતી.