દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં વેપારીની ઘાતકી હત્યા પ્રકરણનો આરોપી ઝડપાયો, લૂંટનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka Crime News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ત્રણેક દિવસ પૂર્વે શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ આસીફભાઈ લાખાની બોથડ પદાર્થ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાયેલી ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે તાકીદની કાર્યવાહી કરીને આ પ્રકરણના મુખ્ય આરોપી હાજા ભારમલ આસાણીની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં અન્ય એક સગીર વયના કિશોરની સંડોવણી પણ ખુલી છે.
સોનાના દાગીના પહેરવાના શોખે લીધો જીવ
મળતી માહિતી અનુસાર, ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા આસીફ લાખા સોનાના ભારે દાગીના પહેરવાનો શોખ ધરાવતા હતા. આ જ શોખ તેમનો કાળ સાબિત થયો હતો. ગત બીજી જુલાઈના રોજ ખંભાળિયા નજીક આવેલા વિરમદળ ગામ પાસેથી તેનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે જ તેમણે પહેરેલા આશરે 24.50 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ગાયબ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી હતી. મૃતકના નાનાભાઈની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે લૂંટ અને હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પૂર્વયોજિત કાવતરું રચીને આધેડને પતાવી દીધા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, મુખ્ય આરોપી હાજા આસાણી અને મૃતક આસીફ એકબીજાના પરિચિત હતા. આરોપીએ સોનાના દાગીના લૂંટવા માટે પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું. યોજના મુજબ આસીફને એક અવાવરુ જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેને ઈકો કારમાં બેસાડીને વિરમદળ રોડથી વિંઝલપર ગામ તરફ જતા કાચા રસ્તે અરજણસર તળાવ પાસેના અંતરિયાળ વિસ્તારમાં લઈ જવાયા હતા. જ્યાં બોથડ પદાર્થ અને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ આસીફના શરીર પરથી તમામ દાગીના ઉતારી, મૃતદેહને બાવળની ઝાડીઓમાં છુપાવીને નાસી છૂટ્યા હતા.
પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ
પોલીસે મુખ્ય આરોપી હાજા ભારમલ આસાણીની અટકાયત કરી તેની પાસેથી બે પેન્ડલ સાથેની ચેન, એક સોનાની લક્કી, સોનાની કુલ છ વીંટી, એક સોનાનો તાર વાળો બેરખો કબજે કર્યા છે. જેનું કુલ વજન આશરે 399.120 ગ્રામ જેટલું થવા જાય છે. આ દાગીનાની કિંમત કુલ 28 લાખ રૂપિયા જેટલી હોવાનું જાહેર થયું છે.
આ ઉપરાંત આરોપી પાસેથી પોલીસે રૂપિયા 17,200 ની રોકડ રકમ તથા રૂપિયા 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન, ઈકો કાર અને એક છરી પણ કબજે લીધી છે. આમ, લૂંટ વિથ મર્ડરના ગુનામાં કુલ 29,27,200 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી હાજા આસાણીની અટકાયત કરી, રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરી હતી. સાથે અન્ય એક સગીરની પૂછપરછ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.









