દાગીના ચમકાવવાની લાલચ આપતી ગેંગથી સાવધાન, દેવભૂમિ દ્વારકામાંથી 4 પરપ્રાંતિય શખસો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka Jewellery Cleaning Fraud: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોના-ચાંદીના દાગીના સાફ કરી આપવાના બહાને ઠગાઈ આચરતી ગેંગનો LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે મૂળ બિહારના ચાર શખસોની ધરપકડ કરી 89,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દાગીના સાફ કરવાના બહાને ઠગાઈ આચરતી પરપ્રાંતિય ગેંગ
મળતી માહિતી અનુસાર, કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ વિસ્તારમાં રહેતા આસામીઓના ઘરે ફિનાઈલ વેચવાના બહાને આવીને મહિલાઓને વિશ્વાસમાં લેવામાં આવતી હતી. આ શખસો દાગીના ચમકાવી આપવાની લાલચ આપી કેમિકલ અને એસિડના ઉપયોગથી સોનું-ચાંદી તારવી લેતા હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હતી.
આ ફરિયાદોના આધારે LCBની ટીમે બાતમી સોર્સથી મળેલી વિગતોના આધારે ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી ફિનાઈલ અને સોના-ચાંદીના દાગીના સાફ કરવાનું કામ કરતા સુબોધસિંહ ખારવા, વિકાસકુમાર ઠાકોર, સંતોષકુમારસિંહ કુસ્વા અને અનિરુદ્ધ ઠાકુર (તમામ મૂળ બિહાર)ને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આ મકાનમાંથી ગુનામાં વપરાયેલો સરસામાન, કેમિકલ તેમજ સોના-ચાંદી સહિત કુલ 89,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ચારેય આરોપીઓનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ખંભાળિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આરોપીઓ વૃદ્ધ અને મહિલાઓને ટારગેટ કરતા
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેઓ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં જે ઘરમાં વૃદ્ધ કે એકલી મહિલાઓ હોય તેને લક્ષ્ય બનાવતા હતા. શરૂઆતમાં ફિનાઈલ વેચવાના બહાને પ્રવેશ કરી ભગવાનની મૂર્તિઓ સાફ કરી આપવાનો દાવો કરતા હતા. ત્યારબાદ એસિડ અને ફટકડી જેવા પદાર્થોથી મૂર્તિ સાફ કરી વિશ્વાસ સંપાદન કર્યા બાદ દાગીના સાફ કરવાના બહાને રાસાયણિક પ્રક્રિયા કરી સોનું-ચાંદી કાઢી લેતા હતા.
દરમિયાન, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઘરે ફિનાઈલ વેચવા કે દાગીના સાફ કરવા આવતા અજાણ્યા તથા પરપ્રાંતિય વ્યક્તિઓની લાલચમાં ન આવવું અને આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો.




