દેવભૂમિ દ્વારકામાં ધ્વજાજી ચડાવવાના નામે રૂ. 1.02 લાખની છેતરપિંડી, બનાવટી પહોંચ બનાવનાર આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka News: દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજાજી રોહણ કરાવવાના બહાને જ્ઞાતિ સંસ્થાની બનાવટી પહોંચ બનાવી એક મહિલા પાસેથી 1.02 લાખ રૂપિયા મેળવી છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આરોપી શખસની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
બરડીયા ગામના ધવલ દેવપુરારીએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા શિવમ ઠાકર નામના શખસે એક મહિલાને દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજાજી ચડાવી આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ, આરોપીએ 'સમસ્ત ગૂગળી બ્રાહ્મણ 505 જ્ઞાતિ, દ્વારકા' સંસ્થાના નામની બોગસ પહોંચ બનાવી, તેમાં ખોટી સહીઓ કરી સાચી પહોંચ તરીકે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે.
આરોપીએ ધ્વજાજીની બે બનાવટી પહોંચ પેટે 51,000 રૂપિયા લેખે કુલ રૂ. 1,02,000 રૂપિયા મેળવીને આર્થિક લાભ મેળવ્યો હતો. આ રીતે આરોપીએ અરજદાર તથા જ્ઞાતિ સંસ્થાની પ્રતિષ્ઠા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
આ અંગે દ્વારકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 316(2), 318, 336(2), 336(3), 336(4), 338 અને 340 હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઘટના અંગે ગુનો નોંધાયાના કલાકોમાં જ પોલીસે આરોપી શિવમ ઠાકરની અટકાયત કરી લીધી હતી. આ મામલે પોલીસ સબ ઈન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.




