Delhi ni Vaat

'મન કી બાતમાં મોંઘવારી પર ચર્ચા કયારે થશે?'

By GS Team
29 Sep 20265 mins read
TukuTouch Logo
કોંગ્રેસે મોદી સરકાર પર ઇલેક્ટ્રોનિક્સ મોંઘવારી મુદ્દે પ્રહારો કર્યા. જયરામ રમેશે દાવો કર્યો કે તહેવારો પહેલા ટીવી-વોશિંગ મશીન મોંઘા થશે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ દુષ્યંત દવેએ ચૂંટણી કમિશન અને સુપ્રીમ કોર્ટ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે પૂર્વ CJI ચંદ્રચૂડની પણ ટીકા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'મન કી બાતમાં મોંઘવારી પર ચર્ચા કયારે થશે?'

નવીદિલ્હી : દેશમાં ઇલેક્ટ્રોનિક સાધનોની વધતી કીંમતો બાબતે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યું છે કે, વડાપ્રધાન 'મન કી બાત' કાર્યક્રમમાં બધાને ઉપદેશ આપતા રહે છે. જોકે હજી સુધી તેમણે દેશની સૌથી વધારે ચિંતા એટલે કે મોંઘવારી પર કોઈ વાત નથી કરી. તેઓ આ વિષય પર કયારે ચર્ચા કરશે?' કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ એક મીડિયા રીપોર્ટનો સ્ક્રિનશોટ પણ શેર કર્યો હતો. રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તહેવારની સીઝન શરૂ થતા પહેલા એલઇડી ટીવી અને વોશીંગ મશીન જેવા ઇલેક્ટ્રોનિક સામાનની કિંમત વધવાની છે. તાંબા અને એલ્યુમિનિયમ જેવા કાચા માલની કિંમત વધવાને કારણે કંપનીઓ ભાવમાં ૫ થી ૧૦ ટકા વધારો કરશે.
ચંદ્રચૂડ અને સુપ્રિમ કોર્ટ પર દુશ્યંત દવેના આક્ષેપ
સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ દુશ્યંત દવેએ એસઆઇઆર મામલે ચૂંટણી કમિશન અને સુપ્રિમ કોર્ટ પર સવાલ કર્યા છે. દવેએ ભારતના ન્યાયતંત્ર પર પણ કેટલાક ગંભીર આરોપ મૂક્યા છે. એમણે ભૂતપૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડની ટીકા પણ કરી છે. દવેનો આરોપ છે કે એસઆઇઆરના નામે લોકોના મતદાનનો અધિકાર ઝૂટવી લેવામાં આવ્યો છે. એમના કહેવા પ્રમાણે એમના અને એમના પત્નીના નામો પણ મતદાર યાદીમાં દાખલ કરવા માટે એમને નોટીસ મળી છે. દવેએ કહ્યું હતું કે, 'ચૂંટણી કમિશન અને ભારતની સુપ્રિમ કોર્ટને અભિનંદન. પુખ્ત વ્યક્તિઓના મતાધીકાર ખતમ થઈ રહ્યા છે, કારણ કે એસઆઇઆરના નામે તમામને, ત્યાં સુધી કે મારા અને મારા પત્નીને પણ નોટીસ મળી છે. દવેનો આક્ષેપ છે કે દેશના મોટા ભાગના જજો ઉચ્ચ જ્ઞાતીમાંથી આવે છે અને જેમનો સંબંધ ન્યાયતંત્ર સાથે પહેલેથી હોય છે. જસ્ટીસ ચંદ્રચૂડ પોતાને મહાન ગણાવતા હતા એમણે સુપ્રિમ કોર્ટના ૧૭ જજોની નિમણૂક કરી હતી જેમાં એક પણ મહિલા નહોતી.'
એસસી-એસટીને સંસદમાં બોલવા માટે વધુ સમય આપો
કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાને એક પત્ર લખી સંસદમાં મહત્વપૂર્ણ બીલો પર ચર્ચા દરમિયાન એસસી-એસટી સંપ્રદાયના સાંસદોને બોલવા માટે વધુ સમય આપવાની વિનંતી કરી છે. જોકે માંઝીના કહેવા પ્રમાણે એસસી-એસટી સાંસદોને વધુ સમય આપવાની માંગણી એમનો અંગત અભિપ્રાય નથી. એમને જોકે પાછળથી લાગ્યુ હતું કે આ પ્રકારનો પત્ર લોકસભા અધ્યક્ષને સંસદીય કાર્યમંત્રીના માધ્યમથી મોકલવાની જરૂર હતી. જીતનરામ માંઝીએ પત્રમાં લખ્યું હતું કે મધ્યપ્રદેશના ખરગોનનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના સાંસદ ગજેન્દ્ર સિંહ પટેલએ 'રાજગ સાંસદ સમૂહ સંવાદ બેઠક'માં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જીતનરામ માંઝીએ લોકસભા અધ્યક્ષને પટેલએ ઉઠાવેલા મુદ્દા બાબતે સંબંધી; અધિકારીઓને માર્ગદર્શન આપવા કહ્યું હતું. ગજેન્દ્ર સિંહ પટેલએ કહ્યું હતું કે, 'એવું નથી કે અમને સમય આપવામાં આવતો નથી, પરંતુ અમને વધુ સમય મળવો જોઈએ.'
'હું એમનો ચાહક છું, એમનું કદ મારા કરતા ઘણું મોટું'
પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા પછી પસ્તાઈ રહ્યા છે. એમની હાલત ધોબીના કૂતરા જેવી થઈ છે. તેઓ પરત કોંગ્રેસમાં આવી શકે એમ નથી અને ભાજપમાં એમને અપમાનીત કરાય છે. જોકે હવે કેપ્ટન અમરિંદર સિંહના ટેકામાં સુનીલ જાખડ ખુલીને બોલ્યા છે. પંજાબ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ સુનીલ જાખડએ કહ્યું છે કે તેઓ અમરિંદર સિંહને પોતાના નેતા માને છે. એમણે કોઈપણ નિર્ણય લેવો હોય તો કોઈની મંજૂરીની જરૂર નથી. એમનું કદ ફક્ત પંજાબમાં નહીં, પરંતુ સમગ્ર દેશમાં મોટું છે. સુનીલ જાખડ અને અમરિંદર સિંહ ૨૦૨૨ના વર્ષમાં ભાજપ સાથે જોડાયા હતા. ૨૦૨૧માં કોંગ્રેસ છોડયા પછી અમરિંદરે પંજાબ લોક કોંગ્રેસની સ્થાપના કરી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી પછી એનો વિલય ભાજપ સાથે કરી દેવામાં આવ્યો હતો.
વિજય સરકારના રાજમાં એફડીઆઇનો રેકોર્ડ
તામિલનાડુમાં જ્યારથી જોસેફ વિજયની સરકાર સત્તામાં આવી છે ત્યારથી દેશ વિદેશની ઘણી કંપનીઓ તામિલનાડુમાં રોકાણ કરવા માટે ઉત્સૂક છે. તામિલનાડુમાં લાખો નવી નોકરીઓ માટે પણ તક ઉભી થઈ છે. આ ઉપરાંત વિદેશથી થનારા રોકાણમાં પણ તામિલનાડુ સૌથી આગળ રહ્યું છે. આનુ કારણ શ્રીરામ ફાઇનાન્સ નામની કંપનીમાં મોટુ રોકાણ છે. ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ની રેંકીંગમાં ઘણા રાજ્યોમાં મોટો ફેરફાર થયો છે. થયેલા એક સર્વે પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૬ - ૨૦૨૭ના પહેલા ત્રિમાસીક એટલે કે એપ્રિલ - જૂન ૨૦૨૬માં તામિલનાડુ ભારતમાં સૌથી વધારે એફડીઆઇ ઇક્વીટી રોકાણ મેળવનાર રાજ્ય બન્યું છે. રાજ્યમાં એફડીઆઇ ઇક્વીટી રોકાણ એક વર્ષમાં બે ગણું વધ્યું છે. ગુજરાત સહિત દેશના બીજા રાજ્યોએ પણ અભ્યાસ કરવાની જરૂર છે કે મોટી ગુલબાંગો પછી પણ એમના રાજ્યમાં વિદેશી રોકાણ કેમ વધતુ નથી.
ગાંધી જયંતી પર કોકરોચો મુંબઈમાં જેલ ભરો આંદોલન કરશે
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણીને લઈને બીજી ઓક્ટોબરે મુંબઈમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન સીજેપીએ કર્યું છે. જોકે સીજેપીના નેતાઓએ થોડા દિવસો પહેલા એવું એલાન કર્યું હતું કે, શનિવાર સુધીમાં જો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું નહીં આપે તો તેઓ દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન શરૂ કરશે. જોકે હવે એકાએક પલ્ટી મારીને એમણે મુંબઈમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. મુંબઈ પોલીસે એમને પ્રોટેસ્ટ કરવાની પરવાનગી આપી નથી. અભિજીત દિપકેએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, 'નાગરીકોનો અવાજ દબાવવાના પ્રયત્નો મંજૂર નથી. જો અમને વિરોધ કરવાનો અધિકાર નહીં આપવામાં આવે તો ગાંધી જયંતીના દિવસે મુંબઈમાં જેલ ભરો આંદોલનની શરૂઆત થશે.'
રાષ્ટ્રીય કવિના પુત્રવધૂનો ચરણસ્પર્શ કરીને આઇએએસએ દીલ જીત્યા
બિહારના બેગુસરાઈ જિલ્લામાં હમણા જ રાષ્ટ્રીય કવિ દિનકરની જયંતિ મનાવવામાં આવી. એ વખતે એક એવી ઘટના બની કે આખા દેશમાં એની ચર્ચા થઈ હતી. સોશ્યલ મીડિયા પર પણ વખાણ થયા. સ્થાનીક લોકો બેગુસરાઈના ડીએમ પર ઓળધોળ થઈ ગયા. રાષ્ટ્રીય કવિના રહેઠાણ પર પહોંચેલા આઇએએસ અધિકારી રીચી પાંડેયએ દિનકરના પુત્રવધૂને ચરણસ્પર્શ કરી આશિર્વાદ લીધા. આ ક્ષણની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ. આઇએએસ રીચી પાંડેય ઇન્ડિયન એડમીસ્ટ્રેટીવ સર્વિસના ૨૦૧૬ બેચના અધિકારી છે. એમની પાસે એમડીએની ડીગ્રી છે. હમણા તેઓ બિહારના બેગુસરાઈ ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીચી પાંડેયએ દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. ત્યાર પછી એમણે એનએસઆઇટી યુનિવર્સિટીમાંથી બીટેક કર્યું હતું.