વાંગચૂકનો ટોણો, 'જીતની સાથે વિનમ્રતા પણ જરૂરી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી અતિ ઉત્સાહમાં આવી ગયેલા કોકરોચ જનતા પાર્ટીના નેતાઓએ દિલ્હીની એક પોશ હોટલમાં પાર્ટી કરી હતી. આ પાર્ટીનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. નીટ પેપર લીકને કારણે આત્મહત્યા કરનાર ૨૧ વિદ્યાર્થીઓ પ્રત્યે હમદર્દી આ પાર્ટીમાં દેખાતી નહોતી. આ વીડિયો જોઈને નારાજ થયેલા એક્ટીવીસ્ટ સોનમ વાંગચૂકે પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું છે કે, વિજયની સાથે વિનમ્રતા પણ હોવી જોઈએ. એમણે પોતાના સમર્થકોને અપીલ કરી છે કે, કોઈપણ સફળતાની ઉજવણી ગરીમામય, સંયમ અને જવાબદારી સાથે કરવી જોઈએ. લગભગ ૧૫૦ જેટલા આંદોલનકારીઓ દિલ્હીની એક પોશ હોટલમાં ભેગા થઈને ડાન્સ કરી રહ્યા છે તેમજ મોંઘુ ખાવાનું ખાઈ રહ્યા છે એ વીડિયો જોઈને સોશ્યલ મીડિયામાં ઘણાએ ટીકા કરી છે. સુપ્રિમ કોર્ટના જાણીતા વકીલ મહેશ જેઠમલાણીએ પણ એક્સ પર લખ્યું હતું કે, આ મોંઘીદાટ પાર્ટીનું ફંડીંગ કોણે કર્યું હતું? ખાવાની આટલી મોંઘી ડીસ કઈ રીતે એમને પરવડી?
ટાસ્કફોર્સની જવાબદારી નંદન નીલકેણીને સોંપવા પાછળ મોદીનું ગણિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે જે ટાસ્કફોર્સની નિમણૂક કરી છે એની જવાબદારી નંદન નીલકેણીને આપવામાં આવી છે. એક જમાનામાં નંદન નીલકેણીની ટીકા ભાજપે કરી હતી. મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે યુપીએ સરકારમાં આધાર કાર્ડ યોજના નીલકેણીએ શરૂ કરી હતી. આજે મોટા ભાગની સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અગત્યનો ડોક્યુમેન્ટ બની ગયો છે. નંદન નીલકેણી ૨૦૧૪માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડયા હતા, પરંતુ હારી ગયા હતા. ઘણાને પ્રશ્ન થાય છે કે નંદન નીલકેણી તો મૂળભૂત કોંગ્રેસી હોવા છતાં મોદીએ એમને ટાસ્કફોર્સના ચેરમેન કેમ બનાવ્યા. જાણકારોનું માનવું છે કે, પેપર લીક થતા રોકવાની જવાબદારી મોટી છે. જો ભવિષ્યમાં પેપર લીક થશે તો જવાબદારી આ ટાસ્કફોર્સની રહેશે. આ અઘરી અને જોખમી કામગીરી સ્વિકારવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય. ભાજપના કોઈ સિનિયર નેતાને કે ભાજપ તરફથી અધિકારીને ટાસ્કફોર્સની જવાબદારી આપી બદનામી વહોરવા મોદી તૈયાર નહોતા. બળતું ઘર કૃષ્ણાર્પણ કહેવતની જેમ નીલકેણીના માથે આ જવાબદારી થોપવામાં આવી છે.
'ઇ૨૦ ફ્યુલમાં મારી કોઈ ભૂમિકા નથી'
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આજકાલ ટેન્શનમાં છે. જે રીતે નીટ પેપર લીક પછી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડયું છે ત્યાર પછી સોશ્યલ મીડિયા પર એવી વાત ચાલી છે કે હવે રાજીનામું આપવાનો વારો નીતિન ગડકરીનો છે. પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલની મેળવણી બાબતે દેશભરમાં નીતિન ગડકરીની ટીકા થઈ રહી છે. નવાઈની વાત એ છે કે નીતિન ગડકરી પેટ્રોલિયમ મિનીસ્ટર નહીં હોવા છતાં તેઓ ઇથેનોલના બચાવમાં આવ્યા છે. નીતિન ગડકરીના પુત્રો ઇથેનોલનો બિઝનેસ કરે છે. હવે ઝેનજીનો ટાર્ગેટ નીતિન ગડકરી હોવાનું મનાય છે. નીતિન ગડકરીએ બોમ્બે હાઇકોર્ટમાં મેટા, ગુગલ, એક્સ તેમજ બીજા કેટલાક પ્લેટફોર્મ સામે બદનક્ષીનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે એઆઇ મારફતે બનાવવામાં આવેલા ડીપ ફેક્ટ કન્ટેન્ટ દ્વારા એમના કુટુંબને બદનામ કરવામાં આવે છે. એમણે એમ પણ કહ્યું છે કે, ઇ૨૦ ફ્યુલમાં એમની કોઈ ભૂમિકા નથી. ઇ૨૦નો નિર્ણય પેટ્રોલયમ મંત્રાલયે લીધો છે.
બળવાખોર સાંસદો સામે પગલા લેવા અભિષેક બેનર્જીની માંગણી
પશ્ચિમ બંગાળના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ ફરીથી ટીએમસીના બળવાખોર ૨૦ સાસદો સામે પગલા લેવા લોકસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે. લોકસભા સચિવાલયએ સાંસદોની બેઠકમાં ફેરફાર કરવા માટે ૧૮ જુલાઈએ સરક્યુલર બહાર પાડયો હતો. આ સરક્યુલર સામે અભિષેક બેનર્જીએ વાંધો લીધો છે. અભિષેકનું કહેવું છે કે આ તમામ સાંસદો ગેરકાયદેસર પક્ષ એનસીપીઆઇ સાથે જોડાયા છે. ઓમ બીરલાને આપેલા પત્રમાં બેનર્જીએ લખ્યું છે કે, બળવાખોર તમામ સાંસદોને ગેરકાયદેસર જાહેર કરવાની પ્રક્રિયા જલદી કરે. લોકસભામાં તૃણમુલ કોંગ્રેસના ૨૮માંથી ૨૦ સાંસદોના સીટ નંબર બદલાઈ ગયા છે. અભિષેક બેનર્જી પોતે જાણે છે કે એમના પ્રયત્નો સફળ થવાના નથી અને સાંસદો પરત તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાવાના નથી. છતાં તેઓ આ મુદ્દાને જીવંત રાખવા માંગે છે.
એનડીએની બેઠકમાં એનસીપીઆઇના સાંસદો પહેલી વખત પહોંચ્યા
એનડીએના પક્ષોની સંસદીય દળની બેઠક હવે 'મંગલ મીલન' તરીકે ઓળખાય છે. લોકસભામાં નીટ પેપર લીક બીલ રજુ થયાના બીજા દિવસે સંસદ ભવનની લાયબ્રેરીમાં એનડીએ સંસદીય દળની બેઠક મળી હતી. બેઠકમાં પહેલી વખત તૃણમુલ કોંગ્રેસના બળવાખોર સાંસદો, જેઓ હવે એનસીપીઆઇ સાથે જોડાઈ ગયા છે તેઓ હાજર રહ્યા હતા. એક જમાનામાં મમતા બેનર્જીના ખાસ વિશ્વાસુ ગણાતા સાંસદ કાકોલી ઘોષ, શતાબ્દી રોય અને સાયોની ઘોષ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એનસીપીઆઇના સાંસદ સાયોની ઘોષે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. એમણે કહ્યું હતું કે, 'વડાપ્રધાનની હાજરીમાં થયેલી બેઠકમાં ખૂબ જાણવા મળ્યું. આજે અમે મુક્ત વેપાર સમજૂતી પર ચર્ચા કરી હતી. આ એક સકારાત્મક ચર્ચા હતી.'
૧૪ વર્ષોમાં જે કામ કોઈ મુખ્યમંત્રીએ નથી કર્યું એ વિજય કરશે
તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય અને કર્ણાટકના મુખ્યમંત્રી ડી કે શિવકુમાર વચ્ચે ટૂક સમયમાં જ એક મીટિંગ થવાની છે. કાવેરી જળ વિવાદ માટે બોલાવવામાં આવેલી આ બેઠકની ચર્ચા ખૂબ છે. મુખ્યમંત્રી વિજયનું આ પગલું તામિલનાડુના ત્રણ દશક જૂના વલણથી કંઈક અલગ જ છે. આ પહેલા તામિલનાડુની સરકારો હંમેશા વાતચીત કરવાને બદલે કોર્ટના ચૂકાદા અને ટ્રીબ્યુનલ પર ભરોસો કરતા હતા. રાજ્યના મુખ્યમંત્રી કોઈપણ વાતચીત કરવાનું પસંદ કરતા નહોતા. તામિલનાડુએ હંમેશા માન્યુ છે કે કાવેરી વિવાદ બે મુખ્યમંત્રીઓની મીટિંગ દ્વારા ઉકેલી શકાય નહીં. વિજયએ પાણીનું સંકટ દુર કરવા માટે શિવકુમાર સાથે ૩૧મી જુલાઈથી ૩ ઓગસ્ટની વચ્ચે મીટિંગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
બિહારમાં રાષ્ટ્રીયસ્તરના છ નેતાઓનું ભવિષ્ય દાવ પર
બિહારમાં પેટા ચૂંટણી થઈ રહી છે, પરંતુ વાતાવરણ લોકસભાની ચૂંટણી જેવું છે. દેશમાંથી કોઈપણ વ્યક્તિ પટણા આવે તો એમ જ લાગે કે, બિહારના ઇતિહાસની સૌથી અગત્યની ચૂંટણી થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોથી દેશ અને રાજ્યના પીઢ નેતાઓ પટણાના રસ્તાઓ પર દેખાયા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન, મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, જનસુરાજ પક્ષના પ્રશાંત કિશોર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશકુમાર દરરોજ રોડ શો કરી રહ્યા છે. ૩૦મી જુલાઈએ થનારી પેટા ચૂંટણીમાં ફક્ત પ્રશાંત કિશોર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ દેશમાંથી જે જાણીતા નેતાઓ આવી રહ્યા છે એ તમામની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. બાકીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ ૨૫ ઉમેદવારો મેદાનમાં છે. તેજપ્રતાપ યાદવની પાર્ટી જનશક્તિ જનતા દળના ઉમેદવાર વીણા માંડવીએ ઉમેદવારી ભર્યા પછી ધરપકડ થતા વિવાદ થયો હતો. ૨૫ ઉમેદવારોમાં સૌથી વધુ જાણીતા પ્રશાંત કિશોર છે.









