બ્રિક્સ બાબતે કોંગ્રેસમાં બે ફાંટા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : બ્રિક્સ સંમેલનની અગત્યતા બાબતે કોંગ્રેસમાં બે ફાંટા પડી ગયા છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરએ બ્રિક્સની અગત્યતા જણાવતા કહ્યું હતું કે, આ સંમેલન ગ્લોબલ સાઉથના દેશો માટે એક મહત્વપૂર્ણ મંચ છે. ગ્લોબલ સાઉથમાં ૧૦૦ થી વધુ દેશો છે, પરંતુ બ્રિક્સમાં સામેલ ૧૧ પ્રમુખ દેશો અલગ અલગ વિચારો અને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત હમણા બ્રિક્સની આગેવાની કરે છે અને યજમાન દેશ હોવાથી આપણા માટે બ્રિક્સ સંમેલન અગત્યનું છે. થરૂરના કહેવા પ્રમાણે ૧૧ બ્રિક્સ દેશો મળીને દુનિયાની મોટા ભાગની વસ્તી અને વૈશ્વિક જીડીપીના ૪૧ ટકા જેટલા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આજ કારણે દુનિયાના બાકીના દેશો પણ બ્રિક્સને ગંભીરતાથી લે છે. જોકે બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા પી ચીદમ્બરમએ કહ્યું હતું કે, બ્રિક્સની છેલ્લી ૨-૩ બેઠકો પછી કોઈ પરિણામ દેખાયું નહોતું. બ્રિક્સના સંમેલનથી કોઈ ફાયદો થવાનો નથી. કોંગ્રેેસના બંને સિનિયર નેતાઓના અલગ અલગ વિચારો બાબતે કોંગ્રેસમાં પણ ચર્ચા ચાલુ થઈ ગઈ છે.
બ્રિક્સ સમીટને કારણે દિલ્હીમાં ૧૫ હજાર પોલીસો ખડે પગે
દિલ્હીમાં શરૂ થઈ રહેલા બ્રિક્સ શીખર સંમેલનને લઈને સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક કરવામાં આવી છે. દિલ્હી પોલીસના ૧૫ હજાર કર્મચારીઓ ઉપરાંત અર્ધ સૈનિક દળોની ૨૦૦ કંપનીઓ તૈયાર રાખવામાં આવી છે. દિલ્હીના ભારત મંડપમમાં આવતી કાલથી ૧૮મું બ્રિક્સ સંમેલન શરૂ થઈ રહ્યું છે. કોઈ અઘટીત બનાવ નહીં બને એ માટે રાજધાનીમાં નજર રાખવા વધારાના ૫૦૦ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. સ્થાનીક દિલ્હીવાસીઓની વધેલી મુશ્કેલી બાબતે દિલ્હીના મીડિયામાં ઘણૂ આવી રહ્યું છે. પોલીસે સ્પષ્ટતા કરવી પડી છે કે સંમેલનને કારણે આખુ દિલ્હી બંધ રહેશે નહીં, પરંતુ વીવીઆઇપી વાહનોના કાફલા જ્યાંથી પસાર થશે ત્યાં જ કામચલાઉ ટ્રાફીક અટકાવવામાં આવશે. કેટલીક જગ્યાએ રૂટ ડાયવર્ટ પણ કરાશે.
ગડકરીએ વારંવાર શરમાવું પડશે
નીતિન ગડકરી કેન્દ્રીય પરીવહન મંત્રી છે. હાઇવે બનાવવાનું કામ એમની મીનીસ્ટ્રીમાં આવે છે. ગુજરાત કે મુંબઈથી મોટર રસ્તે ગોવા જનારાઓ જાણે છે કે મુંબઈ - ગોવાનો હાઇવે બનવાનું કામ વર્ષોથી ચાલે છે. જો કામ ધીમી ગતીએ ચાલતુ હોય તો એને માટે કેન્દ્રીય મંત્રી જવાબદાર ગણાય, પરંતુ અહીં તો હાઇવેના મંદગતીએ ચાલતા કામ બાબતે નીતિન ગડકરી ખુદને શરમ આવી છે. એમણે કહ્યું છે કે, હાઇવેનું કામ પૂરુ થતા ૧૬ થી ૧૭ વર્ષ થયા આ એક કમનસીબી છે. એમણે સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરોના માથે નાખી છે. પસ્તાવારૂપે ગડકરી મુંબઈ - ગોવાના હાઇવેના ઉદઘાટનમાં હાજર નહીં રહે. મુંબઈથી નીકળીને કોકણ થઈ ગોવા સુધી જતો મુંબઈ - ગોવા હાઇવે ખૂબ અગત્યનો છે. ગડકરી મુંબઈ - ગોવા હાઇવે બાબતે શરમ અનુભવતા હોય તો વારંવાર શરમ અનુભવવી પડે એવી હાલત રાષ્ટ્રીય ધોરી માર્ગોની છે. હમણા જ બનેલો દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ હાઇવે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.
ઉમર અબ્દુલ્લાએ રંગ બદલ્યો
વંદે માતરમના સન્માનમાં ૩ મીનીટ અને ૧૦ સેકન્ડ સુધી ઉભા રહ્યા પછી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પલ્ટી મારી છે. હવે એમણે રાષ્ટ્ર ગીતની ટીકા કરી છે. બદલાયેલા ઉમરે કહ્યું છે કે પક્ષ તરીકે એમણે કદી વંદે માતરમનો સ્વિકાર કર્યો નથી કે કરશે નહીં. જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન કાર્યક્રમમાં ઉમર અબ્દુલ્લા ૩ મીનીટ અને ૧૦ સેકન્ડ સુધી ઉભા રહ્યા હતા અને વંદે માતરમના તમામ છ છંદ ગાવામાં આવ્યા હતા. આ બાબતે કોંગ્રેસે ટીકા કર્યા પછી ઉમર અબ્દુલ્લાએ હવે રંગ બદલ્યો છે. એમણે કહ્યું છે કે, રાષ્ટ્ર ગીતને લઈને એક કાયદો બનાવવામાં આવ્યો છે. વંદે માતરમના તમામ પદ ગાવા ફરજીયાત કરવામાં આવ્યા છે. આ નિયમ ફક્ત જમ્મુ-કાશ્મીરમાં નહીં, પરંતુ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનું પાલન નહીં થાય તો કાયદેસર કાર્યવાહી થઈ શકે અને એટલા માટે જ અમે સંપૂર્ણ વંદે માતરમ વગાડયું હતું.
દિલ્હી હાઇકોર્ટને ૮ નવા ન્યાયાધીશો મળશે
સુપ્રિમ કોર્ટના કોલેજિયમએ ૮ ન્યાયાધીશોને દિલ્હી હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સીજેઆઇ સૂર્યકાંતની આગેવાનીમાં કોલેજિયમની બેઠક મળી હતી અને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલેજિયમએ ગુરૂવિંદર પાલ સિંહ, નિવેદિતા અનિલ શર્મા, નિશા સહાય સક્સેના, સંજય શર્મા, ભારત પરાસર, અદિતી ચૌધરી, દિનેશ ભટ્ટ અને અરૂણ ભારદ્વાજને દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ બનાવવા મંજૂરી આપી છે. કોલેજિયમએ ન્યાયાધીશ યશ પાલ બોર્નીને જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખના હાઇકોર્ટ જજ બનાવવાની ભલામણ પણ કરી છે. એક અન્ય નિર્ણયમાં કોલેજિયમએ જસ્ટીસ મનોજ પ્રસાદ, અખિલ કુમાર અને રામ શર્માને ઝારખંડ હાઇકોર્ટના જજ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એજ રીતે ઉષા રાણી, કે એસ ભરત કુમાર અને નિરાલે વિરભદ્રેયા ભવાનીને કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.
'દુર્ગા પૂજા' નહીં લખે તો કોમ્યુનિસ્ટોને સ્ટોલ નહીં મળે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ પેટા ચૂંટણી માટે વિરોધ પક્ષો પર નિશાન તાક્યું છે એમનું કહેવું છે કે રેજી નગરમાં સ્પર્ધા અઘરી હશે. વિધાનસભાના સત્રમાં અધિકારીએ જાદવપુર યુનિવર્સિટીને ૩૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. શુભેંદુ અધિકારી સમગ્ર બંગાળને કેસરી રંગે રગી રહ્યા છે. એમણે દક્ષિણ કોલકત્તામાં ગેરુવા સન્માન યાત્રા પણ કાઢી હતી. ૮ યુનિવર્સિટીના શિક્ષકો અને સ્ટાફની બદલી બાબતે મોટો વિવાદ પણ થયો છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમાની જેમ જ અધિકારી પણ હિન્દુત્વ બાબતે અતિ આક્રમક છે. એમણે ચોખ્ખુ કહ્યું હતું કે જે કર્મચારીઓને ટ્રાન્સફર પસંદ નહીં હોય તો તેઓ નોકરી છોડી શકે છે. જ્યારે નવી યુનિવર્સિટી બનશે ત્યારે કહેવાતા પંડીતોને ત્યાં મોકલવામાં આવશે. દુર્ગા પૂજા વખતે સ્ટોલ ભાડે રાખતા કોમ્યુનિસ્ટો સ્ટોલ પર આટલા વર્ષો સુધી દુર્ગા પૂજા લખતા નહોતા. શુભેંદુ અધિકારીએ હવે નક્કી કર્યું છે કે જો સ્ટોલ પર દુર્ગા પૂજા નહીં લખે એમને સ્ટોલની ફાળવણી થશે નહીં.
૨૦૨૯ના જંગ માટે ઉદ્ધવ સેનાએ તૈયારી શરૂ કરી
૨૦૨૯ની લોકસભા ચૂંટણી માટે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. પક્ષના ફાડચા થઈ ગયા પછી શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મહારાષ્ટ્રમાં ઘણી પીછેહટ કરવી પડી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ રાતોરાત પોલીસી બદલીને કોંગ્રેસ સાથે હાથ મેળવ્યા પછી બીનસંપ્રાદાયીક વાતો કરવા માંડતા મૂળ શિવસેનાના ટેકેદારો નારાજ થઈ ગયા હતા. મહારાષ્ટ્રની ૪૮ લોકસભા બેઠકોમાંથી ૪૦ બેઠકો પર ઉદ્ધવ ઠાકરેએ પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરેના સલાહકારો પક્ષનું સંગઠન મજબૂત કરવા માંગે છે. પક્ષે એક યાદી જાહેર કરી છે જેમાં મુંબઈના ઘણા યુવાન નેતાઓને અલગ અલગ લોકસભા ક્ષેત્રોની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે પક્ષે મુંબઈની ૬ લોકસભા બેઠકો થાણે તેમજ જલગાંવ માટે જાહેરાત કરી નથી.




