ડઘાયેલી સરકારે દિલ્હીમાં વધુ સીઆરપીએફ અને આરએએફ ખડકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : દિલ્હીમાં જે રીતે કોકરોચ જનતા પાર્ટી અને કોંગ્રેસ તેમજ બીજા વિરોધપક્ષો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એનાથી કેન્દ્ર સરકાર ડઘાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કલ્પના નહોતી કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ એમના ઘરની બહાર દેખાવો કરશે. ઉતાવળે નિર્ણય લઈને કેન્દ્ર સરકારે રાહુલ ગાંધી અને બીજા નેતાઓને વડાપ્રધાનના રહેઠાણ સામેથી હટાવી તો દીધા પરંતુ એનાથી સમસ્યા હલ નથી થઈ. જે રીતે દેશમાં વિવિધ સ્થળોએ તેમજ સોશ્યલ મીડિયામાં કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહારો થઈ રહ્યા છે એ જોઈને અતિ આત્મવિશ્વાસમાં રહેતા ભાજપના સિનિયર નેતાઓ ચોંકી ગયા છે. એમને ખબર પડતી નથી કે, પરિસ્થિત કઈ રીતે કાબુમાં લેવી. હવે ગૃહમંત્રાલયે એવું નક્કી કર્યું છે કે દિલ્હી પોલીસ પાસે સંખ્યાબળ ઓછી માત્રામાં છે અને વડાપ્રધાનની સુરક્ષા વધારવા માટે કર્મચારીઓની સંખ્યા વધારવી પડશે. જાણવા મળ્યા પ્રમાણે સીઆરપીએફની ૯ કંપનીઓ છત્તીસગઢથી, ૩ કંપનીઓ ઝારખંડથી, ૫ મધ્યપ્રદેશથી અને ૧ કંપની ઓડિસાથી બોલાવવામાં આવી છે.
'જ્યાં ટીયર ગેસ છોડવામાં આવ્યો ત્યા મારા બે બાળકો પણ હતા'
કોકરોચ પાર્ટી ઓફ ઇન્ડિયાએ શરૂ કરેલા આંદોલનમાં ચાલુ ગાડીએ અરવિંદ કેજરીવાલ ચઢી બેઠા છે. ૨૦મી જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીએ સંસદ માર્ચ શરૂ કરી હતી ત્યારે મોટા નેતાઓના બાળકો કયાં હતા એવી ટીકા થઈ હતી. આ ટીકાનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ પોતે માર્ચમાં નહોતા પરંતુ એમના બંને બાળકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કેજરીવાલનું કહેવું હતું કે કેટલાક કારણસર એમને પંજાબ જવું પડયું હતું એટલે એમના બદલે એમણે એમના બંને બાળકોને મોકલ્યા હતા. જ્યારે ટીયર ગેસ છોડવામાં આવ્યો ત્યારે એમના બંને સંતાનો પણ પ્રદર્શન સ્થળે હાજર હતા. એમના કહેવા પ્રમાણે 'અમારી પાર્ટીના ઘણા નેતાઓ સ્થળ પર હાજર હતા. અમે બધા એક સાથે છીએ. પુરો દેશ એક પરિવાર છે. અમે કોઈ પણ સરમુખત્યારથી ડરતા નથી.'
હવે રાહુલ ગાંધી સામે ઇડીની કાર્યવાહી થશે
અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું છે કે ઇડી નિસહાય નથી. જો વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સામે આવક કરતા વધુ મિલકતની ફરિયાદમાં કોઈ ખોટુ દેખાય તો કાયદા અનુસાર એમની સામે કાર્યવાહી કરી શકે છે. સીબીઆઇએ દાખલ કરેલા સોંગદનામામાં કેટલીક ખામીઓ હોવાથી કોર્ટે એજન્સીને આ બાબતે નવું સોંગદનામું દાખલ કરવા કહ્યું હતું. સીબીઆઇ, ઇડી અને અરજી કરનારએ દાખલ કરેલા સોંગદનામા જોયા પછી જસ્ટીસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટીસ ભ્રુજ રાજ સિંહની બેચે કહ્યું હતું કે, 'સીબીઆઇનું સોંગદનામુ અમારા અગાઉના હુકમ મુજબનું નહોતું. સીબીઆઇએ કરેલી તપાસ બાબતે અમને સમજણ પડતી નથી. હવે પછીની તારીખે સીબીઆઇએ નવું સોંગદનામુ દાખલ કરવું પડશે.' જે રીતે કેન્દ્ર સરકાર રાહુલ ગાંધીને કોઈપણ કેસમાં ભીડવા માંગે છે એ જોતા કોર્ટના આ ચુકાદા પછી રાહુલ ગાંધી સામે ઇડીની તપાસ શરૂ થઈ શકે છે.
કલ્યાણ બેનર્જી સમગ્ર ચોમાસા સત્ર માટે લોકસભામાંથી બરતરફ
તૃણમુલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કલ્યાણ બેનર્જીને ચોમાસાના સમગ્ર સત્ર માટે બરતરફ કરવામાં આવ્યા છે. અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા માટે એમને બરતરફ કરાયા છે. ચોમાસા સત્રનો ત્રીજો દિવસ પણ ખાસ કામગીરી વગરનો રહ્યો હતો. બુમબરાડાના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ત્રણવાર સ્થગીત કરવામાં આવી હતી. વિરોધપક્ષના સભ્યો નીટ પેપર લીક, સીજેપીના પ્રદર્શન પર પોલીસનો લાઠીચાર્જ અને કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી પર ચર્ચા કરવા માટે અડગ હતા. કલ્યાણ બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસના બળવાખોર સાંસદોને ચોર કહ્યા હતા. ત્યાર પછી લોકસભામાં હોહા થઈ ગઈ હતી. સંસદની કાર્યવાહી સ્થગીત થયા પછી પણ કલ્યાણ બેનર્જી બળવાખોર સાંસદો સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.
સીજેઆઇએ કહ્યું 'સમય બરબાદ નહીં કરો'
કોકરોચ જનતા પાર્ટીના દેખાવકારોને દિલ્હી પોલીસ સાથે થયેલા ઘર્ષણ બાબતે સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. સીજેઆઇ સૂર્યકાંતએ એક વકીલની અરજી પર કહ્યું છે કે, 'તમારો સમય બરબાદ કરો નહીં અને અમારો સમય પણ બરબાદ નહીં કરો.' અરજી કરનારે સીજેઆઇની બેચ સમક્ષ તાત્કાલીક સુનાવણી કરવાની માંગણી કરી હતી. વકીલના કહેવા પ્રમાણે પોલીસની કાર્યવાહીનો વીડિયો પુરાવા તરીકે છે. જંતર મંતર પર વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે અત્યાચાર કર્યો હતો. જ્યારે કોર્ટે પછીના કેસ માટે પોકાર કર્યો ત્યારે વકીલે ફરીથી કહ્યું હતું કે, પોલીસના અત્યાચારનો વીડિયો તેઓ બતાવી શકે છે. એ વખતે સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે, 'અમને વીડિયોમાં કોઈ રસ નથી. વીડિયો જોવા માટે અમારી પાસે સમય પણ નથી.'
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં દલીત મતબેંક કબજે કરવા સ્પર્ધા
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે માંડ ૭ મહિનાનો સમય બચ્યો છે. ઉત્તર પ્રદેશમાં હમણા ભાજપ સત્તામાં છે, પરંતુ સમાજવાદી પાર્ટી કોઈપણ હીસાબે ભાજપને આવતી ચૂંટણીમાં સફળ થવા દેવા માંગતી નથી. સમાજવાદી પાર્ટીએ અત્યારથી જ રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. સમાજવાદી પાર્ટી અને એમના સાથીપક્ષો શિડયુલ કાસ્ટના મતો મેળવવા પ્રયત્ન કરે છે. દરેક રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ બનાવી છે. માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી દલીતોના સમર્થન માટે એક બીજા સાથે સ્પર્ધા કરે છે. મે મહિનામાં મેરઠના એક દલીત વિદ્યાર્થીની હત્યા પછી રાજ્યમાં રાજકીય વિવાદ વધ્યો છે. આ હત્યાની વિરુદ્ધમાં રાજ્યમાં દેખાવો પણ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશની વસ્તીમાંથી દલીતોની વસ્તી ૨૧ ટકા છે. રાજ્યની ૪૦૩ બેઠકોમાંથી ૮૪ બેઠકો દલીતો માટે અનામત છે.
આઝમ ખાને જેમને 'નોકર' કહ્યા હતા એ હવે એમની ૩૮ મિલકતોનું ભવિષ્ય નક્કી કરશે
સમાજવાદી પાર્ટીના મહામંત્રી આઝમ ખાનએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે જે આઇએએસ ઓફિસર આંજનેય કુમાર સિંહને 'તનખૈયા' (પગાર પર કામ કરનાર નોકર) કહ્યા હતા અને એમનું અપમાન કર્યું હતું. હવે આઝમ ખાનની જોહર યુનિવર્સિટીનું ભવિષ્ય એમના હાથમાં છે. રામપુર ડેવલપમેન્ટ ઓથોરીટી (આરડીએ) યુનિવર્સિટીના ૪૦માંથી ૩૮ ગેરકાયદેસર મકાનોનું ડિમોલીશન કરવાના હુકમ સામે કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. ૨૮મી જુલાઈએ આ બાબતે સુનાવણી થશે. આઝમ ખાનને તત્કાલીન ડીએમ આંજનેય કુમાર સિંહ (હાલના કમિશનર) વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરવા માટે બે વર્ષની સજા કરવામાં આવી છે. આરડીએ ઉપાધ્યક્ષ તેમજ ડીએમ અજયકુમાર દ્વિવેદીએ જોહર યુનિવર્સિટીના ૩૮ મકાનો પરવાનગી વગર બનાવવા માટે એનું ડિમોલીશન કરવા હુકમ કર્યો હતો. યુનિવર્સિટીને પોતેજ આ મકાનો તોડી પાડવા માટે ૨૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો ત્યાર પછી આરડીએ પોતે કાર્યવાહી કરશે. આરડીએની રચના ૨૦૨૪માં થઈ હતી જ્યારે યુનિવર્સિટીના મકાનો ૨૦૧૮માં બન્યા હતા. આ ટેક્નીકલ મુદ્દાને આધારે અપીલ દાખલ કરવામાં આવી છે. જો કોર્ટ અપીલ માન્ય નહીં રાખે તો યુનિવર્સિટીના મકાનો ડીમોલીશન કરવાની સત્તા ઓફિસર આંજનેય કુમાર સિંહને આપવામાં આવી છે.









