Delhi ni Vaat

'સરકારે એક વર્ષ સુધી જવાનોના બલીદાન પર ઢાંકપીછોડો કર્યો'

By GS Team
28 Jun 20265 mins read
TukuTouch Logo
નવીદિલ્હી: ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલા 6 જવાનોના નામ સરકારે એક વર્ષ બાદ જાહેર કર્યા. આ અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, શહીદોના નામ છુપાવવા એ દેશના વીરોનું અપમાન છે. નેશનલ વોર મેમોરીયલ પર નામ લખવા ફરજિયાત બનતા સરકારે આ ખુલાસો કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'સરકારે એક વર્ષ સુધી જવાનોના બલીદાન પર ઢાંકપીછોડો કર્યો'

નવીદિલ્હી : એક વર્ષ પહેલા થયેલા ઓપરેશન સિંદુરમાં ભારતના છ જવાનો શહીદ થઈ ગયા હતા. કોઈ અકળ કારણસર કેન્દ્ર સરકારે આ વાત છૂપાવી હતી. હવે જ્યારે નેશનલ વોલ મેમોરીયલ પર શહીદોના નામ લખવા જરૂરી બન્યા ત્યારે એકાએક સરકારે છ શહીદોના નામ જાહેર કર્યા છે. આ બાબતે હવે કોંગ્રેસએ મોકો જોઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેનું કહેવું છે કે ઓપરેશન સિંદુર દરમિયાન જે જવાનો શહીદ થયા હતા એ વાત એક વર્ષ સુધી છૂપાવીને રાખવામાં આવી. દેશના સુરવીરોનું આ અપમાન છે. કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, જે સરકાર પોતાને રાષ્ટ્રવાદી ગણાવે છે એણે એક વર્ષ સુધી દેશના બહાદુર જવાનોનું સન્માન નહીં કર્યું. દેશ માટે આ શરમની વાત છે.
'નવો કાયદો મીસા અને યુએપીએથી પણ બદ્દતર છે'
પશ્ચિમ બંગાળના રાજકારણમાં જાતજાતના વિવાદો ચાલુ જ છે. તૃણમુલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ રાજ્યની ભાજપ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. મહુઆનો આક્ષેપ છે કે સરકાર વિરોધ પક્ષોને કચડી નાખવા અને ડરાવવાની કોશિષ કરે છે. ભાજપનું કહેવું છે કે ટીએમસી નવા અને કડક કાયદાઓથી ડરી ગઈ છે. મહુઆ મોઇત્રા મમતા બેનર્જીના કાલીગઢ ખાતે આવેલા રહેઠાણએ એમને મળવા ગયા હતા. એમનું માનવું છે કે, આખા રાજ્યમાં ટીએમસીના કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવે છે. પોલીસ એમને ખોટા કેસોમાં ફસાવી રહી છે. દેશમાં જ્યારે કટોકટી લાગુ કરવામાં આવી હતી ત્યારે પણ પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી. ૨૧ જુલાઈએ વાર્ષિક શહિદ રેલીની તૈયારી કરવામાં આવી છે. રાજ્ય સરકાર 'પશ્ચિમ બંગાળ સાર્વજનિક સુરક્ષા અને અસામાજીક પ્રવૃત્તિ નિયંત્રણ બીલ ૨૦૨૬' લાગુ કરવા જઈ રહી છે. આ બીલની નકલો હાથમાં રાખીને મહુઆએ એને ખતરનાક બીલ ગણાવ્યું હતું. આ બીલ પસાર થશે તો કોઈપણ ટ્રાયલ વગર એક વર્ષ સુધી વ્યક્તિને જેલમાં રાખી શકાશે.
નરેન્દ્ર મોદીના એક નિર્ણયએ વિજયનું ટેન્શન વધાર્યું
તામિલનાડુના મુખ્યમંત્રી વિજયએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી એક વખત પત્ર લખ્યો છે. આ વખતે એમણે કેન્દ્ર સરકારને એનએલસી ઇન્ડિયા લીમીટેડમાં પોતાનો ભાગ ઓછો કરવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો છે. એમણે એનએલસીને દેશની એક 'રણનીતિક રાષ્ટ્રીય સંપત્તિ' બતાવી છે. મુખ્યમંત્રીએ પત્રમાં ચિંતા દર્શાવી હતી કે, 'કેન્દ્ર સરકારની આ યોજનામાં પોતાનો ભાગ ઓછો કરવાની તૈયારી ચાલી રહી છે. ઓફર ફોર સેલ દ્વારા ભરપાઈ મૂડીનો ત્રણ ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ છે. આ સાર્વજનીક કંપની રાજ્યમાં આર્થિક વિકાસ માટે અગત્યનો હિસ્સો છે.' આ બાબતે એમણે કેન્દ્ર સરકારને ચેતવણી પણ આપી છે. એમણે કહ્યું છે કે આ મુદ્દો તામિલનાડુ માટે લાગણીનો મુદ્દો છે.
કેતન અગ્રવાલનો કેસ ઉજ્જ્વલ નિકમને આપવાનું શું કારણ
પૂણેના યુવાન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે હવે પ્રોસિક્યુશન વકીલ તરીકે ઉજ્જ્વલ નિકમની નિમણૂક કરી છે. આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવા માટે પણ ઉજ્જ્વલ નિકમે ખૂબ મહેનત કરી હતી. ભાજપે ઉજ્જ્વલ નિકમને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ પણ આપી હતી, પરંતુ નિકમ જીતી શક્યા નહોતા. ન્યાય માટે કેતન અગ્રવાલનું કુટુંબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું. ફડણવીસ જાણે છે કે આ કેસ ખૂબ જ ચર્ચાયો છે. ગુનેગારોને સજા અપાવવા માટે મજબૂત સરકારી વકીલ હોવા જરૂરી છે. કેતન અગ્રવાલના કુટુંબને આશ્વાસન મળે એ માટે મુખ્યમંત્રીએ નિકમને સરકારી વકીલ તરીકે નીમી દીધા છે. ઉજ્જ્વલ નિકમને સરકારી વકીલ બનાવવાની માંગણી કેતન અગ્રવાલના કુટુંબની હતી.
પાણી બતાવવા પ્રશાંત કિશોર પેટા ચૂંટણી લડશે
જનસુરાજ પક્ષના સ્થાપક પ્રશાંત કિશોરએ બિહારની બાકીપુર વિધાનસભા પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એમના કહેવા પ્રમાણે પક્ષ જો સહમત થશે તો બાકીપુરથી ચૂંટણી લડવા તૈયાર છે. બિહારની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં એમનો પક્ષ લગભગ દરેક બેઠક પરથી ચૂંટણી લડયો હતો, પરંતુ પોતે ચૂંટણી લડયા નહોતા. ચૂંટણીમાં એમનો પક્ષ ખરાબ રીતે હાર્યો હતો. હવે એમને લાગે છે કે પેટા ચૂંટણી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના કાર્યકાળની પ્રથમ ચેલેન્જ છે. ચૂંટણી ફક્ત એક વિધાનસભાની બેઠકની નથી, પરંતુ સમ્રાટ ચૌધરીના નેતૃત્વ અને સરકારના કામકાજ બાબતે પણ લોકોનો ચૂકાદો હશે. પ્રશાંત કિશોર માને છે કે બાકીપુરની જનતા સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવતા નારાજ છે. લોકો માને છે કે ૨૦૨૫માં બાકીપુરની પ્રજાએ સમ્રાટ ચૌધરીને નહીં, પરંતુ નિતિશકુમારના નામ પર મત આપ્યા હતા. એમણે કહ્યું હતું કે, 'મારા ચૂંટણી લડવાને કારણે ભાજપ જો બાકીપુર જેવી મજબૂત બેઠક હારશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું.'
સંસદીય સમિતિઓની મુલાકાતને કારણે જમ્મુ-કાશ્મીરના વિકાસને ફાયદો
છેલ્લા થોડા સમયથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે સંસદની સ્થાયી સમિતિઓ જઈ રહી છે જેને કારણે પ્રદેશમાં ટુરીઝમનો વિકાસ વધવાની શક્યતા ઉભી થઈ છે. સંસદનું બજેટ સત્ર પુરુ થયું ત્યાર પછી જમ્મુ-કાશ્મીરમાં સંસદીય સમિતિઓની મુલાકાત સતત ચાલુ છે. છેલ્લા બે મહિના દરમિયાન પ્રદેશમાં આઠ સંસદીય સ્થાયી સમિતિ પહોંચી હતી. છેલ્લે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસની સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ-કાશ્મીર જઈને ઉપરાજ્યપાલ મનોજ સિંહાની મુલાકાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં પેટ્રો પ્રોડક્ટસની જરૂરિયાત અને વેચાણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. એ પહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષસતામાં સંસદીય વિદેશ બાબતોની સમિતિએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. સાંસદ દિગ્વિજય સિંહની અધ્યક્ષતાવાળી શિક્ષા, મહિલા, બાળવિકાસ અને રમત-ગમત સંબંધી સંસદીય સ્થાયી સમિતિની મુલાકાત વખતે જમ્મુ-કાશ્મીરના હીતમાં હોય એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
રેલવે ફાટક ખોલનાર, ડીએસપી કઈ રીતે બન્યો
વાત છે બિહારના યુવાનની જેની સંઘર્ષકથા બિહારમાં ચર્ચાય રહી છે. પિતાના મૃત્યુ પછી રાજુએ રેલવેમાં સામાન્ય પદ પર નોકરી કરી. એનું સપનું અધિકારી બનવાનું હતું. નોકરી કરતા કરતા એણે બિહાર પબ્લિક સર્વિસ કમિશન (બીપીએસસી)ની તૈયારી શરૂ કરી દીધી હતી. રેલવે ફાટક ખોલવા તેમજ બીજા નાના કામ કરતા એણે ભણવાનું ચાલુ રાખ્યું. કોઈપણ કોચિંગ લીધા વગર રાજુએ બીપીએસસી એક્ઝામ ક્રેક કરી અને ડીએસપી બની ગયો. રાજુ બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. એ ૧૨ વર્ષનો હતો ત્યારે જ એના પિતાનું મૃત્યુ થયું હતું. આર્થિક તંગીને કારણે કોચિંગ ક્લાસમાં જોડાવું સહેલું નહોતું. દિવસે નોકરી અને આખી રાત અભ્યાસ કર્યા પછી એનો આત્મવિશ્વાસ વધવા માંડયો. બીપીએસસીની પરીક્ષામાં એને ૭૨મો રેન્ક મળ્યો. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડીએસપી)ના હોદ્દા માટે એની પસંદગી થઈ ગઈ.