રાહુલનો મોટો દાવો, 200 અધિકારીઓ અમારા સંપર્કમાં છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરીથી સરકારને ભીસમા લેવાની કોશિષ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં વોટ ચોરી વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. સવાલ એ છે કે દિલ્હીને જેલમાં શા માટે પરિવર્તિત કરી નાખવામાં આવ્યું. લોકોને શહેરમાં આવવા દેવામાં આવતા નથી. ટ્રેનો અને બસો રોકી રાખવામાં આવે છે. દિલ્હીને એક કિલ્લામાં બદલી નાખવામાં આવ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે રસ્તાઓ પર ૨૦ હજારથી ૩૦ હજાર પોલીસ કર્મચારીઓ ડયુટી પર હોય. સરકાર મોટી ભૂલ કરે છે. અમે દેશને બતાવવા માંગીએ છીએ કે નરેન્દ્ર મોદી જ્ઞાાનેશ કુમારને બચાવવા માંગે છે. અમને એવી જાણકારી મળી રહી છે કે પોલીસ કર્મચારીઓ પણ નારાજ છે, કારણ કે એમને ઉપરથી આદેશ આપવામાં આવે છે કે યુવાનોને માર મારવો. લગભગ ૨૦૦ જેટલા સરકારી અધિકારીઓ પણ અમારો સતત સંપર્ક કરી રહ્યા છે. ૫૦ ટકા પોલીસ કર્મચારીઓ અમને કહી રહ્યા છે કે અમારૂ વિરોધ પ્રદર્શન સાચી દીશામાં છે.'
ચૂંટણીમાં મળેલી હારને ગેરરીતી કહેવી યોગ્ય નથી'
ચૂંટણીમાં છેતરપીંડી અને મતદાનમાં ગરબડના આક્ષેપો વચ્ચે ૧૨૪ જેટલા ભૂતપૂર્વ આઇએએસ, આઇએફએસ અને બીજા અધિકારીઓએ ચૂંટણી કમિશનને પોતાનો ટેકો જાહેર કર્યો છે. આ ભૂતપૂર્વ અધિકારીઓએ ખૂલ્લો પત્ર લખીને એસઆઇઆરને જરૂરી ગણાવ્યું છે. એમનું કહેવું છે કે ચૂંટણીમાં ગરબડ થતી હોવાનો આક્ષેપ ઠોસ પૂરાવાના આધારે કરવો જોઈએ. આ પત્રમાં બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫, મતદાર યાદીમાં સુધારો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા માટે થયેલા ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલા ૪૨ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ પણ ખુલ્લો પત્ર લખ્યો હતો. આ ભૂતપૂર્વ અધિકારીઓનું માનવું છે કે ચૂંટણી વ્યવસ્થામાં સમય જતા ફેરફાર થયો છે. પહેલા બુથો પર કબજો જમાવવો, મતપેટીઓ લૂંટવી કે મતપેટીઓમાં બોગસ મતદાન કરવું અને હિંસા જેવી સમસ્યા જોવા મળતી હતી.
સીજેઆઇ બોલ્યા હું મળીશ નહી, રાહુલ ગાંધી કેમ ખુશ થયા
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે એમને આગળનો રસ્તો બતાવ્યો છે. એમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે સીજેઆઇએ વિરોધ પક્ષોને મુલાકાત માટે સમય આપવાનો ઇન્કાર કર્યોે હતો. જોકે સત્તાવાર રીતે એમણે પોતાના નિર્ણયનું કારણ આપ્યું નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'અમે સીજેઆઇને માન આપીએ છીએ, સુપ્રિમ કોર્ટને પણ માન આપીએ છીએ. હું ખુશ છું કે એમણે અમને આગળનો રસ્તો બતાવ્યો છે. એમણે કહ્યું હતું કે તમે અરજી દાખલ કરી શકો છો એ આગળનો રસ્તો છે. અમારો જંગ અમે ઘણા મોરચે લડી રહ્યા છીએ. પહેલી ધારણા, પછી માનસીક, ત્રીજી કાયદા દ્વારા, ચોથી રાજકીય. અમે દરેક મોરચે લડી રહ્યા છીએ. મને જણાવતા આનંદ થાય છે કે દરેક મોરચે અમે જીતી રહ્યા છીએ.'
વિરોધ પ્રદર્શનો પાછળ હરીશ સાલ્વેને વિદેશી હાથ દેખાય છે
સિનિયર વકીલ અને ભારતના ભૂતપૂર્વ સોલીસીટર જનરલ હરીશ સાલ્વેનો આરોપ છે કે ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પાછળ વિદેશી ફંડીગ અને બહારના કેટલાક તત્વો જવાબદાર છે. સાલ્વેના કહેવા પ્રમાણે સિસ્ટમને અસ્થિર કરીને દેશના વિકેસને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સાલ્વેએ કહ્યું હતું કે, 'કેટલાક વિદેશી દેશ, ખાસ કરીને અમેરિકા, ભારતથી ખુશ નથી. નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં થયેલી ઉથલપાથલ પાછળ કોણ હતું એ બધા જાણે છે. શેખ હસીનાને કોણે હટાવી અને ત્યાં નવા પ્રધાનમંત્રી કોના કહેવાથી બન્યા? મારા મત મૂજબ આ બધી ઘટનાઓ પાછળ બહારની તાકાત જવાબદાર હતી. ભારતમાં કેટલાક લોકો વિરોધ પ્રદર્શનો પછી નેતા બનીને બહાર આવ્યા છે. આમા યુ ટયુબર્સનો સમાવેશ પણ થાય છે. કેટલાક લોકો જર્મની અને બીજા દેશોમાં રહે છે.' સાલ્વેનો ટોણો ધ્રુવ રાઠી માટે હતો એ સ્વાભાવીક છે.
અમિતાભ બચ્ચને કોર્ટમાં હાજર રહેવું પડશે'
અમિતાભ બચ્ચનનો અવાજ દુનિયાભરમાં ખ્યાતનામ છે. એમના ફોટોગ્રાફ્સ અને સ્ટાઇલનો ઉપયોગ બ્રાન્ડ પ્રમોશનમાં કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં અમિતાભ બચ્ચનની પરમીશન હોય છે અને કોઈક વખત એમની પર્સનાલીટીનો ઉપયોગ વગર પરવાનગીએ કરીને ઠગાઈ કરવામાં આવે છે. આ ઠગાઈ રોકવા માટે અમિતાભ બચ્ચને કોર્ટમાં ઘા નાખી છે. અમિતાભ બચ્ચને દિલ્હી હાઇકોર્ટમાં પોતાની પર્સનાલીટી રાઇટ્સની રક્ષા કરવા માટે દાવો દાખલ કર્યો છે. સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન જો પોતાની ફરિયાદ આગળ વધારવા માગતા હોય તો એમણે જાતે કોર્ટમાં હાજર રહેવું પડશે. દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ કુરુશેન્દ્ર કુમાર ગૌરવએ કહ્યું હતું કે, અમિતાભ બચ્ચનને પ્રતિવાદીઓ સાથે સમજૂતી કરવાની કોશિષ ચાલુ રાખી છે. જો આ સમજૂતી નહી થાય અને એમણે કેસ આગળ ચલાવવો હોય તો એમણે કોર્ટમાં હાજર રહેવું પડે.
ધ્રુવ રાઠી કપીલ સિબ્બલને મળ્યા
યુ ટયુબર ધ્રુવ રાઠી પોલીસ અટકાયતમાંથી છૂટયા પછી સુપ્રિમ કોર્ટના સિનિયર વકીલ કપીલ સિબ્બલને મળવા એમના ઘરે ગયા હતા. ધ્રુવ રાઠીએ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, કપીલ સિબ્બલની મુલાકાત પછી તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. કપીલ સિબ્બલ અને ધ્રુવ રાઠી વચ્ચે અરધો કલાકની મુલાકાત થઈ હતી. ધ્રુવ રાઠીનું કહેવું છે કે સોશ્યલ મીડિયા ઉપર એમની સામે આરોપ મૂકવામાં આવે છે કે પ્રોટેસ્ટમાં સામેલ થવાનો અધિકાર એમને નથી. સતત એવું કહેવામાં આવે છે કે વિદેશી પાસપોર્ટ હોલ્ડર ભારતમાં રાજકીય પ્રવૃત્તિ કરી શકે નહીં. હું હંમેશા કહેતો આવ્યો છું કે હું ભારતનો નાગરીક છું અને ઇન્ટરનેટ પર પણ આ માહિતી ઉપલબ્ધ છે. મારો ભારતીય હોવાનો પુરાવો મારી પાસેનો ભારતીય પાસપોર્ટ છે.
'હું મોદી ભક્ત છું, ભાજપ નહીં છોડુ'
કેરળમાં ભારતીય જનતા પાર્ટીના તિરૂવનંતપુરમ નગર નિગમમાં ઉભુ થયેલું સંકટ ટળી ગયું છે. ભૂતપૂર્વ ડીજીપી અને કોર્પોરેટર આર શ્રીલેખાએ કહ્યું છે કે તેઓ પક્ષ છોડશે નહીં. એક અઠવાડિયા પહેલા એમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. મેયર વી વી રાજેશને પોતાનું રાજીનામું આપ્યાના એક અઠવાડિયા પછી શ્રીલેખાએ મૌન તોડીને લખ્યું હતું કે 'હું મોદી ભક્ત છું, મે પક્ષ છોડયો નથી. હું ગર્વ સાથે કોર્પોરેટર બની રહીશ. હું બીજા કોઈપણ પક્ષમાં જવાની નથી. હું જ્યારે ગયા અઠવાડિયે હોસ્પિટલમાં હતી ત્યારે ભાજપના કેટલાક સિનિયર નેતાઓ મને મળવા આવ્યા હતા અને મને આશ્વાસન આપ્યું હતું એમણે મને કહ્યું કે મારે પક્ષ છોડવો જોઈએ નહીં. મે રાષ્ટ્રીય મહિલા પેનલના પ્રમુખ બનવાનું સપનુ જોયું નહોતું.' કેરળના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી શ્રીલેખા બે વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા.




