સંસદમાં અમિત શાહની ભેદી ગેરહાજરી પર રાહુલે સવાલ કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઝાટકી નાખ્યા છે. એમણે ટીકા કરી હતી કે, દોષની લાગણીથી પીડાતા હોવાને કારણે અમિત શાહ સંસદમાં આવી શકતા નથી. સુપ્રિમ કોર્ટની નજર હેઠળ વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા અત્યાચારની તપાસ થવી જોઈએ. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર એક વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં પોલીસ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતી દેખાય છે. પોતાની પોસ્ટમાં એમણે કહ્યું છે કે, વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. તપાસ માટે ઉચ્ચસ્તરની કમીટી બનાવવામાં આવવી જોઈએ. બીજી એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ પૂછયુ છે કે, વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાબતે જવાબ આપતા અમિત શાહ આટલા ડરે છે કેમ. જો એમને પેલેટ ગનનો ઉપયોગ થયો હોવાની માહિતી નહીં હોય તો તેઓ પદ પર રહેવાને લાયક નથી.
જેન ઝી લેડી સિંઘમ કોણ છે
નીટ પેપર લીક મામલે બિહારમાં થયેલા વિદ્યાર્થી આંદોલન વખતે પટણાના રસ્તાઓ પરનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આંદોલન દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિમાં કાયદો વ્યવસ્થાની સંભાળ રાખી રહેલા ૨૦૨૨ બેચના યુવાન આઇપીએસ અધિકારી શૈલજા દાસ એમના સાથીઓને સંયમ રાખવા શીખામણ આપતા દેખાય છે. એમણે કહ્યું હતું કે, 'ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે. જેમણે જે કહેવું હોય એ કહેવા દો. જ્યાં સુધી તેઓ આપણા પર હુમલો નહીં કરે ત્યાં સુધી આપણે બળપ્રયોગ કરવાનો નથી.' મહિલા પોલીસ અધિકારીના શાંત, પરિપક્વ અને લોકશાહી તરફી સ્વભાવના સોશ્યલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. આ મહિલા અધિકારીનું નામ લોકોએ 'જેન ઝી લેડી સિંઘમ' પાડયું છે. આ મહિલા અધિકારી બિહારના સહરસા જિલ્લાના કાયસ્થ ટોલાના રહેવાસી છે. ૧૯૯૭ની ૭મી નવેમ્બરે ડો. અજય દાસ અને અર્ચના દાસના ઘરે એમનો જન્મ થયો હતો. એમના પિતા ડોક્ટર છે. શૈલજાએ એમનો અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો.
'મોગલોએ પણ શિવાજી મહારાજને ઉંદર કહ્યા હતા'
કોકરોચ જનતા પાર્ટીના યુવાનો ખુદ પોતાને કોકરોચ ગણાવે છે. જોકે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે અલગ વિચાર ધરાવે છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રવક્તા હર્ષલ પ્રધાને લખેલા પુસ્તકને લોંચ કરવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. એ વખતે એમણે કહ્યું હતું કે જેમને વાંદા કે કોકરોચ કહેવામાં આવે છે તેઓ ૧૬-૧૭ વર્ષની ઉંમરના છે. મોગલોએ તો શિવાજી મહારાજને પણ ઉંદર કહ્યા હતા. આજે તમે યુવાનોને કોકરોચ કહી રહ્યા છો. બંને ઠાકરે ભાઈઓએ યુવાનોના અપમાન, કેન્દ્ર સરકારની નીતિ, બેરોજગારી અને લોકતંત્રની થતી હત્યા બાબતે સરકારની આકરી ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આજે કોઈ વ્યક્તિ પોતાનો અધિકાર માગે છે તો તરત જ તેને દેશ વિરોધી ગણવામાં આવે છે.
એમએચ-સીઇટી વિવાદ બાબતે કોંગ્રેસ શું માને છે
કોંગ્રેસનું કહેવું છે કે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર મોટા પાયે છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો લાંબી યાત્રાનું પહેલું પગલું છે. પક્ષના મહામંત્રી જયરામ રમેશે સોશ્યલ મીડિયા એક્સ પર એક મીડિયા રીપોર્ટનો સ્ક્રીન શોર્ટ મૂક્યો છે. આ રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મહારાષ્ટ્રની અગત્યની સંસ્થાઓમાં એન્જીનીયરિંગ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઘણા ગોટાળા થયા છે. જયરામ રમેશે લખ્યું છે કે, 'છેલ્લા ત્રણ વર્ષથી એમએચ-સીઇટી (મહારાષ્ટ્ર હેલ્થ એન્ડ ટેક્નીકલ કોમન એન્ટરન્સ ટેસ્ટ)ના પરિણામો અને ૧૨માની બોર્ડ પરીક્ષાના પરિણામોમાં ફેરફાર હોય છે. એમએચ-સીઇટીમાં ટોપ કરનાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ કરી શકતા નથી. આના પરથી લાગે છે કે, કોઈક કાવતરું થઈ રહ્યું છે.'
સંસદની બહાર ૧૯૯૭નો હિસાબ
સંસદ ભવનમાં મકર દ્વારની બહાર રસપ્રદ રાજકીય દ્રશ્ય જોવા મળ્યું હતું. ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી 'ગદ્દાર' લખેલા પોસ્ટર લઈને પ્રદર્શન કરી રહ્યા હતા. એજ વખતે ત્યાં કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પહોંચ્યા હતા. બંને હળવા મૂડમાં હતા અને એમણે કેટલીક જૂની વાતો યાદ કરી હતી. પ્રિયંકા ગાંધી સાથે અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પણ હતા. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ મજાક કરતા એમને કહ્યું હતું કે, 'તમે લોકોએ કોંગ્રેસના નેતાઓને તોડયા અને એમને ટીએમસીમાં લઈ લીધા.' પ્રિયંકાનો ઇસારો કોંગ્રેસમાંથી ટીએમસીમાં ગયેલા નેતાઓ તરફ હતો. કલ્યાણ બેનર્જીએ પણ સામે કહ્યું હતું કે, 'મમતા બેનર્જીને ૧૯૯૭માં કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.' એમનું કહેવું હતું કે મમતા બેનર્જીએ પોતાની મરજીથી કોંગ્રેસ છોડી નહોતી, પરંતુ એમને કાઢવામાં આવ્યા હતા.
'પોલીસ પેલેટ ગનનો ઉપયોગ કરી શકે છે'
નીટ પેપર લીક મામલે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગનના ઉપયોગ બાબતે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને જંતર મંતર ખાતે ફરજ બજાવતી રેપીડ એક્શન ફોર્સને દારૂગોળાનો રેકોર્ડ જાળવી રાખવા માટે કહ્યું છે. સીજેઆઇ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે બીપીઆરડી (બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)ની સલાહ પ્રમાણે પોલીસ પાસે કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં પેલેટ ગન ઉપયોગ કરવાની સત્તા છે. આ પરિસ્થિતિમાં પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી યોગ્ય નથી. જોકે જે પરિસ્થિતિમાં પેલેટ ગનનો ઉપયોગ થયો હોય એની તપાસ થઈ શકે છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી સરકારને સૂચના આપી છે કે વિદ્યાર્થી આંદોલન વખતે જેઓ પેલેટ ગનથી ઘાયલ થયા છે એમનો યોગ્ય ઇલાજ કરે.
ગોવામાં ઉંમર ખાલીદના સમર્થનથી વિવાદ
દિલ્હીમાં થયેલા કોમવાદી હુલ્લડોનું કાવતરૂ કરવાના આરોપસર ઉંમર ખાલીદ જેલમાં છે. સુપ્રિમ કોર્ટે પણ વારંવાર ઉંમર ખાલીદની જામીન અરજી રદ કરી છે. ગોવામાં કેટલાક વિદ્યાર્થીઓએ ઉંમર ખાલીદની તરફેણમાં દેખાવો કર્યા હતા. આ બાબતે ગોવા પોલીસે આ પ્રદર્શનોનું આયોજન કરનારની પૂછપરછ કરી છે. ઘટના સ્થળે ઉંમર ખાલીદના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયા હતા. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા પછી ગોવામાં કેટલાક યુવાનો ઉજવણી કરવા ભેગા થયા હતા. એ વખતે ઉંમર ખાલીદની તરફેણમાં નારા લાગ્યા હતા. પોલીસે આ સંદર્ભે બે યુવાનોની ધરપકડ પણ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ દેખાવો કરવાનું આયોજન એનજીઓ ઉજવાદે કર્યું હતું. માપુસાના એક નાગરીકે આ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી.









