Delhi ni Vaat

મોદી કેબિનેટ વિસ્તારની તૈયારી

By GS Team
28 Aug 20265 mins read
TukuTouch Logo
દિલ્હીમાં મોદી મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા તેજ બની છે. 2 સપ્ટેમ્બરે પીએમ પશ્ચિમ એશિયાના પ્રવાસેથી પરત ફર્યા બાદ યુવાનો અને મહિલાઓને વધુ સ્થાન મળશે. મહિલા મંત્રીઓની સંખ્યા 7 થી વધારીને 12 કરાશે. 50થી ઓછી ઉંમરના મંત્રીઓની ટકાવારી 24% થી 40% કરાશે, કુલ મંત્રીઓ 75 થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી કેબિનેટ વિસ્તારની તૈયારી

નવીદિલ્હી : દિલ્હીમાં ચાલતી ચર્ચા પ્રમાણે થોડા દિવસોમાં જ મોદી મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા મંત્રી મંડળમાં યુવાનો અને મહિલાઓને વધુ સ્થાન મળશે. જેન ઝીના આંદોલન પછી ચોંકી ગયેલા વડાપ્રધાને હવે વધુમાં વધુ યુવાનોને આગળ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રી મંડળના વયોવૃદ્ધ મંત્રીઓની સંખ્યા ઘટાડવામાં આવશે. મહિલા મંત્રીઓની સંખ્યા ૭ને બદલે ૧૨ કરવામાં આવશે અને નવા મંત્રીઓનો સમાવેશ થશે તો કુલ મંત્રીઓની સંખ્યા ૭૫ જેટલી થઈ શકે છે. ૫૦થી ઓછી ઉંમરના મંત્રીઓની ટકાવારી ૨૪ ટકા વધારીને ૪૦ ટકા જેટલી કરવામાં આવી શકે છે. વડાપ્રધાન પશ્ચિમ એશિયાના પ્રવાસેથી ૨ સપ્ટેમ્બરે પરત ફર્યા બાદ મંત્રીમંડળને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એ રાજ્યોને વધુ પ્રતિનિધિત્વ મળે એવી પણ શક્યતા છે.
અમેરિકાના મૂળ ભારતીયો બે ભાગમાં વહેચાયા
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વડા મોહન ભાગવત હમણા વિદેશ પ્રવાસે છે. ન્યૂયોર્ક શહેરના મેયર જોહરાન મમદાની મોહન ભાગવતનો વિરોધ કરી રહ્યા છે. એમણે કહ્યું હતું કે ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન (એમએસજી) ખાતે મોહન ભાગવતના કાર્યક્રમનું સમર્થન તેઓ કરતા નથી. 'યુનિવર્સલ વન નેશન સેલિબ્રેશન' નામના આયોજીત આ કાર્યક્રમનું આયોજન અમેરિકાના હિન્દુઝ ફોર એંગેજમેન્ટ એન્ડ ડાયલોગ કરી રહ્યું છે. લગભગ પાંચ હજાર અમેરિકન ભારતીયો આ કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાની ગણતરી છે. કાર્યક્રમની વિરુદ્ધમાં ડાબેરી સમુદાય વિરોધ કરી રહ્યો છે અને આ કાર્યક્રમને રદ કરવાની માંગણી કરે છે. મમદાની ન્યૂયોર્કના પહેલા મુસ્લિમ મેયર છે. મમદાનીના નિવેદનનો વિરોધ પણ મૂળ ભારતીય પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા હિન્દુઓ કરી રહ્યા છે. બીજી તરફ ડાબેરી વિચારસરણી ધરાવનારાઓને આ કાર્યક્રમ સામે વાંધો છે.
ડિમ્પલ યાદવના 'મહિલા કાર્ડ'નું કાઉન્ટર ભાજપની મહિલા નેતાઓ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. યુવા પછી હવે મહિલા મતદારોને આકર્ષવા માટે પક્ષો તૈયારી કરે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૬૦ વર્ષથી વધુની ઉંમરવાળી મહિલાઓને આજીવન મફત બસ સેવા આપવાની જાહેરાત કરી છે. આના જવાબમાં સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવએ 'સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના' હેઠળ મહિલાઓને વર્ષે ૪૦ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. ડિમ્પલ યાદવ ફ્રન્ટફૂટ પર આવીને રમ્યા પછી હવે ભાજપે પણ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. ભાજપે પોતાની મહિલાઓની પૂરી ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. આ મહિલા નેતાઓ સમાજવાદી પાર્ટીને મહિલા વિરોધી ગણાવી રહી છે. ડિમ્પલ યાદવ અખિલેશ યાદવના પત્ની અને મેઇનપુરીથી ચૂંટાયેલા સાંસદ છે.
૧૫હજાર મતથી હારેલાને ચિરાગે પ્રદેશ પ્રમુખ બનાવ્યા
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ નવી રાષ્ટ્રીય કાર્યકારીણીની જાહેરાત કરી છે. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ચિરાગ પાસવાનના કહેવાથી સંગઠનમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. નવી કાર્યકારીણીમાં કેટલાક નેતાઓને અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન સ્તરે પણ ફેરફાર થયો છે. બિહારમાં સુરેન્દ્ર વિવેક અને ઝારખંડમાં જનાર્દન પાસવાનને નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ચિરાગ પાસવાન પોતે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય સંસદીય બોર્ડના અધ્યક્ષ બની રહેશે. અબ્દુલ ખાલીકને ફરીથી રાષ્ટ્રીય મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. રાજુ તિવારીને બિહારના પ્રદેશ પ્રમુખ તરીકે દુર કરવામાં આવ્યા છે. એમની જગ્યાએ સુરેન્દ્ર વિવેકને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્ર વિવેક ચિરાગ પાસવાનના જમણા હાથ ગણાય છે. સુરેન્દ્ર વિવેક ૨૦૨૫ના વર્ષમાં સાહેબપુર કમાલસીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડયા હતા ત્યારે ૧૫ હજારથી વધુ મતથી ચૂંટણી હારી ગયા હતા.
યુપી વિધાનસભાની ચૂંટણીમાં બદાયુ જિલ્લા પર બધાની નજર
ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ માટે અત્યારથી જ રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. સૌથી વધુ ચર્ચા બદાયુ જિલ્લાની સહસવાન વિધાનસભા બેઠકની થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૭૫ જિલ્લા છે. બદાયુ જિલ્લામાં ૬ વિધાનસભાની બેઠકોમાં બિસોલી, સહસવાન, બદાયુ, શેખપુર અને દાતાગંજનો સમાવેશ થાય છે. બદાયુ બેઠક પર સૌથી પહેલા ૧૯૫૭માં ચૂંટણી થઈ હતી. સહસવાન વિધાનસભા બેઠક પર સૌથી વધારે મુસ્લિમ મતદારોની સંખ્યા છે. આ બેઠક પર લગભગ ૩૬ ટકા મુસ્લિમ મતદારો મતદાન કરે છે. ત્યાર પછી યાદવ સમાજના મતદારોની સંખ્યા ૧૬ ટકા અને મૌર્ય સમાજના મતદારોની સંખ્યા ૧૨ ટકા છે. દલીત મતદારો ૧૧ ટકા છે. ભૂતકાળમાં અહીં ભાજપને સફળતા મળી નથી, કારણ કે અહીં હિન્દુત્વનું કાર્ડ ચાલતુ નથી. આ બેઠક સામાન્ય રીતે સમાજવાદી પાર્ટી માટે સેફ બેઠક ગણાય છે.
૨૦૨૯માં રાહુલ ગાંધી પીએમ બનશે : તામિલનાડુના મંત્રી
તામિલનાડુમાં સત્તા પર જોસેફ વિજયની સરકાર છે. આમ છતા તામિલનાડુના પર્યટન મંત્રી રાજેશકુમાર કોંગ્રેસના ચાહક છે. એમનું કહેવું છે કે, 'કોંગ્રેસ પાર્ટી એક પરંપરાગત પાર્ટી છે. કોંગ્રેસનો ઇતિહાસ ૧૪૬ વર્ષ કરતા જૂનો છે. જો આજે આપણે આઝાદ હોઈએ તો એ કોંગ્રેસને કારણે છે. કોંગ્રેસ પક્ષનો ચહેરો રાહુલ ગાંધી છે. દેશના લોકોનો ચહેરો રાહુલ ગાંધી છે. કોઈ કઈપણ કહે કોંગ્રેસનો વિસ્તાર આખા દેશમાં થયો છે. અમને વિશ્વાસ છે કે ૨૦૨૯માં રાહુલ ગાંધી જરૂર વડાપ્રધાન બનશે અને લોકોની સેવા કરશે.' છેલ્લા ઘણા વર્ષોથી તામિલનાડુમાં કોંગ્રેસે ડીએમકેને સાથ આપ્યો હતો. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકેની હાર થયા પછી કોંગ્રેસે ડીએમકેનો સાથ છોડીને વિજયને સાથ આપવાનું પસંદ કર્યું હતું.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને મોટો ફટકો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના વકીલ દિપક નંદા ઉર્ફ દિપક ખત્રી ઉર્ફ મામાની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કોર્ટે એમને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય હથિયારની દાણચોરી સીન્ડીકેટ પર લગાડવામાં આવેલા યુએપીએ એક્ટ હેઠળ વકીલની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા આ કેસમાં ૧૮ જેટલા આરોપીઓ જેલ ભેગા થઈ ચૂક્યા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સમર્થિત આ સીન્ડીકેટનો માફિયા શાહબાઝ અંસારી વિદેશ ભાગી છૂટયો છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે આ જ ગેગ સાથે જોડાયેલા ગીતા કોલોનીમા રહેતા હર્ષપાલ સિંહ ઉર્ફ રુબલની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે સાબરમતી જેલમાં કેદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગનો એ ખાસ ઓપરેટીવ હતો. હર્ષપાલ સિંહ વકીલ મામા સાથે મળીને ખંડણીનું શેટલમેન્ટ કરતો હતો.