Delhi ni Vaat

મોદી સરકારે મંત્રીઓના બંગલા ચમકાવવા માટે કરોડો ખર્ચ્યા

By GS Team
25 Aug 20264 mins read
TukuTouch Logo
દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓના બંગલા સજાવવા પાછળ 12 વર્ષમાં 547.68 કરોડનો ખર્ચ થયો છે. કોકરોચ જનતા પાર્ટીએ આ રકમનો સરકારી સ્કૂલો સુધારવા ઉપયોગ કરવાની માંગ કરી છે. CJI સૂર્યકાંતે જંતર મંતર પર મહિલાઓના યૌન શોષણના આરોપોની તપાસને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી સરકારે મંત્રીઓના બંગલા ચમકાવવા માટે કરોડો ખર્ચ્યા

નવીદિલ્હી : દિલ્હીમાં ક્રિકેટ મેદાન જેટલા મોટા કેમ્પસોમાં મંત્રીઓના બંગલાઓ આવ્યા છે. ફક્ત મંત્રીઓના જ નહીં, સિનિયર ન્યાયાધીશો અને અધિકારીઓના બંગલાઓ પણ જાહોજલાલીવાળા છે. કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના કેન્દ્રીય મંત્રીઓના સરકારી બંગલાઓની સજાવટ પાછળ થતા ખર્ચાની ટીકા કરી છે. સીજેપીનું કહેવું છે કે જે રકમ મંત્રીઓના આલીશાન બંગલાઓને સજાવવા માટે ખર્ચાય છે એમાંથી સરકારી સ્કૂલોને સુધારી શકાય છે.
આરટીઆઇ દ્વારા મેળવેલા આકડા પ્રમાણે છેલ્લા ૧૨ વર્ષોમાં કેન્દ્રીય મંત્રીઓના રહેઠાણો સજાવવા માટે કુલ રૂપિયા ૫૪૭.૬૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
છેલ્લા વર્ષમાં આ ખર્ચ ૯૨ કરોડનો થયો છે. ૨૦૧૪ - ૧૫માં આ ખર્ચ રૃા. ૨૭ કરોડનો હતો.
આ રકમ ૨૦૨૫-૨૬માં વધીને ૯૨ કરોડ સુધી પહોચી ગઈ છે.
જંતર મંતર પર મહિલાઓના યૌન શોષણની તપાસ પહેલા થશે
સીજેઆઇ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે, જંતર મંતર પર થયેલા પ્રદર્શન દરમિયાન પોલીસ હિંસાના આરોપોની તપાસ કરી રહેલી કમીટી સૌથી પહેલા દેખાવકારોએ મુકેલા યૌન શોષણના આરોપની તપાસ સૌથી પહેલા કરશે. સીજેઆઇએ કહ્યું હતું કે ૧૮મી ઓગસ્ટના હુકમ અનુસાર કમીટીને મહિલા દેખાવકારોની વિરુદ્ધ થયેલી યૌન હિંસા, શોષણ, છેડછાડ અને અન્ય પ્રકારની હિંસા સાથે જોડાયેલી ફરિયાદોની તપાસ તાત્કાલીક કરીને છેવટનો રીપોર્ટ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સિનિયર એડવોકેટ શોભા ગુપ્તાએ જંતર મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ પર થયેલા અત્યાચાર બાબતે સુપ્રિમ કોર્ટને સુઓ મોટો કરવા આગ્રહ કર્યો હતો. આ મામલો અતિ સંવેદનશીલ છે, કારણ કે જો પોલીસ કર્મચારીઓ પર યૌન શોષણનો કેસ ચાલે તો પોલીસ બેડામાં ભારે ચકચાર થાય એમ છે.
ભારે વિરોધ પછી વિજયની પીછેહટ
તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય કોઈપણ બાબતનો વિરોધ થાય એટલે તરત જ સમાધાન કરી લે છે. તેઓ કોઈપણ વિરોધને આગળ વધવા દેતા નથી. ચેન્નઇની પાસે નવા એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ હતો. આ પરિયોજના હવે રદ કરવામાં આવી છે. જોકે ત્યાર પછી સત્તામાં રહેલા પક્ષ તમિલગા વેતરી કઝગમ (ટીવીકે) અને મુખ્ય વિરોધ પક્ષ ડીએમકે વચ્ચે ટકરાવ વધી ગયો છે. પ્રોજેક્ટનો વિરોધ સ્થાનીક લોકો અને ખેડૂતો ઘણા સમયથી કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોના સમર્થનમાં વિજય પહેલેથી જ હતા. રાજ્યની રાજધાની ચેન્નઇથી લગભગ ૭૦ કીમી દુર કરમદુરમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટના વિરોધમાં પર્યાવરણ સંબંધી ચિંતા તેમજ કૃષિને નુકસાન થાય એવો ડર પણ હતો. વિજયએ ખેડૂતોને ખુશ કરવા જ કહ્યું હતું કે ખેડૂતોના ભોગે કોઈ પણ ભવ્ય વિકાસ થશે નહીં.
'૧૯૭૧ના યુદ્ધમાં અમે પાકિસ્તાની સૈન્યની બહાદુરી જોઈ ચૂક્યા છીએ'
પાકિસ્તાનની એમએનએસ પાર્ટીના સાંસદ મૌલાના ફઝલુર રહેમાનએ શહબાઝ શરીફ સરકાર અને અસીમ મુનીરની સૈન્યના નૈતૃત્વ વિશે કડવી વાત જાહેરમાં કરી છે. ફઝલુર રહેમાનએ સૈન્ય પ્રમુખ અસીમ મુનીરને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે દેશમાં શાંતિ સ્થાપવામાં તેઓ નિષ્ફળ ગયા છે. પાકિસ્તાનનું સૈન્ય ગપ્પા મારવામાં પણ એક ઇતિહાસ રચી રહ્યું છે. ૧૯૭૧માં ભારત સામે આત્મસમર્પણ કરવાના એક દિવસ પહેલા જનરલ યાહિયા ખાનએ કહ્યું હતું કે, અમે કોઈપણ સંજોગોમાં લડતા રહીશું. આ ડંફાસના બીજા જ દિવસે એમણે ભારત સમક્ષ હથિયારો મૂકી દીધા હતા. આજે પણ ફક્ત નિવેદનબાજી થઈ રહી છે. જમીયત ઉલેમા-એ-ઇસ્લામ (ફઝલ)ના પ્રમુખ અને મૌલાના ડીઝલ તરીકે ઓળખાતા રહેમાનની વાતનો કેવો પડઘો પડે છે એ જોવું રહ્યું.
જજને પ્રભાવિત કરવા તેમજ ધમકાવવાની કોશિષ
અલ્હાબાદ હાઇકોર્ટે સિનિયર આઇએએસ અધિકારી અને દેવી પાટણ મંડળના કમિશનર દુર્ગા શક્તિ નાગપાલના વ્યવહાર માટે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ જોનાર કોર્ટ પાસે કેસ મોકલી આપ્યો છે. એક જજનો આરોપ હતો કે કમિશનરે પેન્ડીંગ સિવિલ કેસ બાબતે એમને ફોન પર પ્રભાવિત કરવા અને ધમકાવવાની કોશિષ કરી હતી. જસ્ટીસ સૈયદ કમર હસન રીઝવીની બેંચે કહ્યું હતું કે, ટેલીફોન પર થયેલી વાતચીતના ટોન અને ભાષા પરથી એવું લાગતું હતું કે, કોર્ટના પ્રિસાઇડીંગ ઓફિસરને પ્રભાવિત કરવાની કોશિષ કરવામાં આવી હતી. કોર્ટે આ વર્તણૂકને આંચકાજનક ગણાવી હતી. કોઈ લીટીગેટીંગ પાર્ટી / રાજ્ય, પેન્ડીંગ કેસ સંદર્ભે ફોન કરીને કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. છેલ્લા ૩૦ વર્ષથી પેન્ડીંગ કેસ સાથે જોડાયેલી એક ટ્રાન્સફર એપ્લીકેશન સંદર્ભે આ વાત કરવામાં આવી હતી.
નિશ્ચિત મર્યાદાથી વધુ સીમ ખરીદનારાઓ ચેતે
સરકારે આજથી મોબાઇલ સીમકાર્ડ બાબતે કડક નીતિનો અમલ કરવાનું ચાલું કર્યું છે. આ નીતિ એટલા માટે બનાવવામાં આવી છે કે સીમકાર્ડનો ખોટો ઉપયોગ થતો રોકવાનું જરૂરી બન્યું છે. સરકાર તરફથી સીમકાર્ડ બાબતે નીતિ તો પહેલેથી છે જ, પરંતુ હવે એનો કડકાઇથી અમલ કરવામાં આવશે. ગ્રાહકો માટે સીમકાર્ડ રાખવાની મર્યાદામાં કોઈ ઘટાડો થયો નથી. ભારતના મોટા ભાગના હિસ્સાઓમાં કોઈ વ્યક્તિ પોતાના નામ પર વધુમાં વધુ ૯ મોબાઇલ કનેક્શન લઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર - પૂર્વ રાજ્યોમાં આ મર્યાદા ૬ સીમકાર્ડની છે. આજથી તમામ ટેલીકોમ કંપનીઓએ ધ્યાન રાખવું પડશે કે ગ્રાહકના નામે અત્યાર સુધી કેટલા સીમકાર્ડ છે. જો કોઈ ગ્રાહક પાસે નિશ્ચિત મર્યાદા કરતા વધુ સીમકાર્ડ હશે તો એને નવો સીમકાર્ડ આપવામાં આવશે નહીં.
સાથી પક્ષે જ વિજયના દાવા પર કટાક્ષ કર્યો
કોંગ્રેસના સાંસદ કાત પી ચિદમ્બરમએ તામિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતામાંથી નેતા બનેલા જોસેફ વિજયને પ્રધાનમંત્રી બનાવવાની માંગ પર કટાક્ષ કર્યો છે. એમણે કહ્યું હતુ કે દેશના વડાપ્રધાન બનવા માટે કોઈપણ નેતા પાસે ઓછામાં ઓછા ૨૭૨ સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. લોકસભામાં જે પક્ષ પાસે આ સંખ્યા હશે એ ગઠબંધનના નેતા જ વડાપ્રધાન બની શકશે. ઘણા સમય પછી જાહેરમાં આવેલા ચિદમ્બરમએ વંદે માતરમ, ધનુષની રાજકારણમાં એન્ટ્રી, મેકેદાતુ બંધ અને કાવેરી જળ વિતરણ જેવા વિષયો વિશે પણ નિવેદનો આપ્યા હતા. વિજયના સમર્થકો દ્વારા એમને વડાપ્રધાન બનાવવાની માંગણી થઈ રહી છે. જોકે આ શેખચલ્લી જેવી વાત છે. હમણા વિજયના પક્ષ પાસે એક પણ સાંસદ નથી ત્યારે એમને વડાપ્રધાન બનાવવાની વાત દિવાસ્વપ્ન જેવી છે.