મોદીએ ફૂલાવેલા ફૂગ્ગામાં ખડગેની ટાંકણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વધેલા જીડીપી બાબતે વીડિયો રીલીઝ કર્યો હતો. વધેલા જીડીપી દરને કારણે મોદી ઉજવણીના મૂડમાં છે. જોકે મલ્લિકાર્જૂન ખડગેએ મોદીએ ફૂલાવેલા ફૂગ્ગામાં ટાંકણી ભોંકી દીધી છે. એમનો આરોપ છે કે સામાન્ય લોકો હજી પણ બેરોજગારી, મોંઘવારી અને અસમાનતા સામે લડી રહ્યા છે. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે લખ્યું છે કે, 'લાઇટ્સ. કેમેરા અને નિષ્ક્રિયતા. જ્યારે અર્થવ્યવસ્થાની વાત આવે છે ત્યારે વડાપ્રધાન મોદીના પ્રચારની આ વાર્તા છે. વડાપ્રધાન મોદી, તમે કહી રહ્યા છો કે દેશના વધેલા જીડીપી વૃદ્ધિદરની ઉજવણી કરીએ. તમારી પાસે ઉજવણીની સગવડ હોઈ શકે છે, પરંતુ સામાન્ય માણસ પાસે આવી સગવડ નથી. સામાન્ય માણસ ૩'યુ'થી પરેશાન છે અને એ માટે તમે જવાબદાર છો.' ખડગેનો મતબલ અભૂતપૂર્વ (અનપ્રીસીડેન્ટેડ) બેરોજગારી, અસહ્ય (અનબેરેબલ) મોંઘવારી અને બેલગામ (અનબ્રાઇડલ્ડ) અસમાનતા.
ભાજપ - અકાલી દળને પંજાબમાં જીતની ફોર્મ્યુલા મળી
પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે હમણા પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી ચર્ચાસ્પદ રહી હતી. પંજાબ યુનિવર્સિટીની ચૂંટણીમાં શિરોમણી અકાલી દળના વિદ્યાર્થી સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (એઓઆઇ)એ પંજાબના ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ (એબીવીપી)ને ટેકો જાહેર કર્યો હતો. એબીવીપીના ઉમેદવાર અંકીત બિધાન ચૂંટણી જીતી ગયા. હમણા દેશભરમાં ચાલી રહેલા જેન ઝી પ્રોટેસ્ટ પછી યુવાનોના ગઢમાં આ પહેલી ચૂંટણી હતી. આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન એએસએપી અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇને ચૂંટણીમાં સફળતા મળી નહોતી. આ પરિણામ પછી પંજાબમાં અકાલી દળ અને ભાજપના ગઠબંધનની વાત ફરીથી ચર્ચાવા માંડી છે. ભાજપ એવો દાવો કરે છે કે, ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે પંજાબનું જેન ઝી ભાજપ સાથે છે.
રાહુલે સરકારને પૂછયું, નિષ્ફળતા કયાં સુધી છૂપાવશો
દિલ્હી - એનસીઆર ખાતે સ્લીપર બસની અંદર એક સગીર બાળા પર થયેલા સામૂહીક બળાત્કાર બાબતે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશની સરકારને ઘેરી છે. એમણે સવાલ કર્યો છે કે, આટલા બધા કીલોમીટરની યાત્રા દરમિયાન બસ ચેકપોઈન્ટ પર કેમ નહીં ઉભી રાખવામાં આવી. રાહુલ ગાંધીએ દિલ્હી - એનસીઆરમાં મહિલાઓની સુરક્ષા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એમના કહેવા પ્રમાણે ગ્રેટર નોઇડાથી દિલ્હી સુધી બસ નોઇડા - ગ્રેટર નોઇડા એક્સપ્રેસ વે, દિલ્હીના રીંગરોડ અને સરહદ ક્ષેત્ર પરથી પસાર થઈ હતી. આમ છતાં બસમાં તપાસ કરવામાં આવી નહીં. સ્લીપર બસની ચારે તરફ પડદા હોવાને કારણે અંદર શું થઈ રહ્યું છે એ બહાર ખબર પડતી નહોતી. ૨૦૧૨ના નિર્ભયા કાંડ પછી સ્લીપર બસોની યોગ્ય તપાસ કેમ કરવામાં આવતી નથી. શાસકોની નિષ્ફળતા પર પડદો નાખવાની કોશિષ થઈ છે.
આઇએએસ દિવ્યા મિત્તલના રાજીનામા બાબતે કેન્દ્રના હસ્તક્ષેપની માંગણી
ઉત્તર પ્રદેશમાં આઇએએસ દિવ્યા મિત્તલના રાજીનામા પછી વિવાદ વધ્યો છે. દિવ્યા મિત્તલના કેસમાં હવે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયએ રાજ્યપાલ આનંદીબહેન પટેલને પત્ર લખ્યો છે. અજય રાયની માંગણી છે કે, આ ઘટના કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરવામાં આવે કે જેથી પ્રમાણીક અધિકારીઓનું સન્માન જળવાઈ રહે. એમનું મનોબળ તૂટી નહીં જાય અને એમના અનુભવનો લાભ લોકોને મળે. આ બાબતે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. અજય રાયનું કહેવું છે કે આઇએએસ દિવ્યા મિત્તલને ફિલ્ડ પરથી હટાવીને મહેસૂલ વિભાગમાં મૂકી દેવામાં આવ્યા હતા જેને કારણે એમણે રાજીનામું આપી દીધું છે. અધિકારીએ રાજીનામું આપવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ વર્ષ ૨૦૧૭ પછી ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં ૧૩ આઇએએસ અધિકારીઓએ ક્યાં તો રાજીનામા આપ્યા છે ક્યાં વીઆરએસ મૂક્યું છે.
રસ્તા પર ટેન્ક ઉતાર્યા વગર મૂનીર બન્યા સૌથી શક્તિશાળી સરમૂખત્યાર
પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ (સીડીએફ) અને આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મૂનીર પાકિસ્તાનના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી સૈન્ય જનરલ બની ચૂક્યા છે. પાકિસ્તાનની મીલીટ્રી કમાન્ડના ઢાચામાં હમણા જે રીતનો ફેરફાર થયો છે એને કારણે અસીમ મૂનીર સુપર બોસ બની ગયા છે. પાકિસ્તાનની શહબાજ સરકારે સંસદમાં આ ફેરફારને મંજૂરી આપી દીધી છે જેને કારણે મૂનીર સૈનાની ત્રણે પાંખોમાં સૌથી ટોચની વ્યક્તિ બની ગયા છે. પાકિસ્તાનની સંસદે ૨૦મી ઓગસ્ટે ડિફેન્સ ફોર્સીસ ઓફ પાકિસ્તાન એક્ટ ૨૦૨૬ અને નેશનલ કમાન્ડ ઓથોરીટી એક્ટ ૨૦૨૬ પસાર કરી દીધા છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ આસીફ અલી જરદારીની મંજૂરી પછી આ કાયદાઓ અમલમાં આવી ગયા છે. હવે પાકિસ્તાનમાં ચેરમેન જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમીટી (સીજેસીએસસી)નો હોદ્દો રદ કરવામાં આવ્યો છે અને ચીફ ઓફ ડીફેન્સ ફોર્સીસ (સીડીએફ)નો નવો હોદ્દો બનાવવામાં આવ્યો છે. મૂનીર દેશના પહેલા સીડીએફ વડા બન્યા છે.
મણીપુરમાં વસ્તી ગણતરી મોકૂફ
મણીપુરમાં હાલ પુરતી વસ્તી ગણતરી મોકુફ રાખવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી એક અગત્યની બેઠક પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ બેઠક દિલ્હીમાં યોજાઈ હતી જેમાં મણીપુરમાં વસ્તી ગણતરી પહેલા એનઆરસી લાગુ કરવાની માંગ પર ચર્ચા થઈ હતી. આ નિર્ણય માટે મણીપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો છે. મણીપુરમાં લાંબા સમયથી સિવિલ સોસાયટીના સંગઠનો અને સામાન્ય લોકોની માંગણી છે કે વસ્તી ગણતરી કરતા પહેલા રાજ્યમાં એનઆરસી લાગુ કરવામાં આવે. આ માંગણી બાબતે વિચારણા કરવા માટે ગૃહમંત્રાલયમાં એક હાઇલેવલની મીટીંગ બોલાવવામાં આવી હતી. આ મીટીંગમાં મણીપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લા, મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહ, કેન્દ્રીય ગૃહ સચીવ ગોવિંદ મોહન અને બીજા કેટલાક સિનિયર અધિકારીઓ પણ હતા.
નિતિશકુમારના ખાસ સાથીદાર હરેન્દ્ર સિંહ કોણ છે
બિહારના રાજકારણમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ રાજ્યસભાના સભ્ય નિતિશકુમારની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન ઘણી વ્યક્તિઓ એમની નજીક રહી અને અલગ પણ થઈ. જોકે કેટલીક વ્યક્તિઓ એવી છે કે જેઓ હંમેશા નિતિશકુમારને પડખે રહ્યા છે. હરેન્દ્ર બહાદુર સિંહ એમાના એક છે. હરેન્દ્ર બહાદુર સિંહ એક જમાનામાં બિહાર પોલીસમાં કોન્સ્ટેબલ હતા ત્યાર પછી તેઓ સબ ઇન્સ્પેક્ટર બન્યા હતા અને નિતિશકુમારની સુરક્ષા ટીમમાં હતા. લગભગ ત્રણ દસક સુધી નિતિશકુમાર સાથે જોડાયેલા હરેન્દ્ર બહાદુર સિંહને બિહારના રાજ્ય નાગરીક પરિષદના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. હરેન્દ્ર સિંહ ભોજપુર જિલ્લાના પંવટ ગામના રહેવાસી છે. એમનું કુટુંબ પણ સરકારી સેવાઓ સાથે જોડાયેલું છે. એમના પિતા દૂધેશ્વર સિંહ બિહાર પોલીસમાં હતા.




