14 વર્ષમાં મોદી કેબિનેટનું વિસ્તરણ કેટલી વખત થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : છેલ્લા ૧૨ વર્ષથી કેન્દ્રમાં સત્તા પર રહેલી એનડીએ સરકારએ ચાર મોટા ફેરફાર કર્યા છે. આ સિવાય કેટલાક તબક્કે નેતાઓના રાજીનામાને કારણે નવા ચહેરાઓને તક મળી છે. ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી ત્રણ વખત મુખ્ય ફેરફાર થયા હતા. સરકાર બન્યાના છ મહિના પછી મંત્રી મંડળના વિસ્તારમાં ૨૧ નવા ચહેરાઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૬ની પાંચમી જુલાઈએ ૧૯ નવા મંત્રીઓને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ૯ નવા રાજ્યમંત્રીઓએ સોગંધ લીધા હતા અને ૪ જૂનિયર મંત્રીઓને કેબિનેટ રેંકમાં પ્રમોટ કરવામાં આવ્યા હતા. સરકારના બીજા કાર્યકાળ દરમિયાન ૭મી જુલાઈ ૨૦૨૧એ ૨૩ મંત્રીઓએ સોગંધ લીધા હતા જેમાં ૩૬ નવા ચહેરા હતા અને ૭ને પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ જ વખતે રવિશંકર પ્રસાદ, ડો. હર્ષવર્ધન અને પ્રકાશ જાવડેકર સહિત ૧૨ સિનિયર મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
દક્ષિણ ભારતમાં ભાજપના આયોજન પર જૂથવાદનું ગ્રહણ
પશ્ચિમ બંગાળમાં વિજય મેળવ્યા પછી ભાજપની નજર હવે પંજાબ અને દક્ષિણ ભારત તરફ છે. કર્ણાટકમાં ભાજપનો પ્રભાવ સારો હોવાનું કહેવાય છે, પરંતુ કર્ણાટક ભાજપમાં આંતરીક જૂથવાદ હાઇકમાન્ડ માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. બે વર્ષ પછી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીની તૈયારી કરવાને બદલે ભાજપના નેતાઓ અંદરખાને લડી રહ્યા છે. કર્ણાટક ભાજપમાં એક કરતા વધુ જૂથો સક્રિય છે. વિધાનપરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પછી યેદીયુરપ્પા કુટુંબ નિશાન પર છે અને અલગ અલગ જૂથો જાહેરમાં એક બીજા પર હુમલા કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભાજપ હાઇકમાન્ડ નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવવા એ નિર્ણય કરી શકતો નથી. ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યો વિરુદ્ધ અત્યાર સુધી કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.
સપાના ત્રણ મહિલા સાંસદોની પોતાના જ ધારાસભ્યો સાથે દુશ્મની
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી છેલ્લા ૧૦ વર્ષથી સત્તાની બહાર છે. પરત સત્તા મેળવવા અખિલેશ યાદવનો પક્ષ ઘણી મહેનત કરે છે. જોકે પક્ષના આંતરીક જૂથવાદ અને ઝઘડાને કારણે પક્ષને નુકસાન થઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જે રીતે સપામાં આંતરીક રાજકારણ રમાઈ રહ્યું છે એને કારણે અખિલેશ યાદવએ કમાલ અખ્તરને મુખ્ય દંડક પદેથી હટાવ્યા છે. મુરાદાબાદ લોકસભાના સાંસદ રુચી વિરા અને કમાલ અખ્તરના ખટરાગને કારણે અખિલેશ યાદવે પગલા લેવા પડયા છે. ઉત્તર પ્રદેશમા ત્રણ સપા મહિલા સાંસદોને પોતાના વિસ્તારના ત્રણ સપા ધારાસભ્યો સાથે છત્રીસનો આંકડો છે. જોનપુરની મછલી શહેર બેઠક પર સપાના બે યુવાન મહિલા નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલે છે. સપા સાંસદ પ્રિયા સરોજ અને સ્થાનિક ધારાસભ્ય ડો. રાગીણી સોનકર વચ્ચેની રાજકીય દુશ્મની જાહેર છે. મુરાદાબાદના સપા સાંસદ રુચી વિરા અને જિલ્લાના કાંઠ વિધાનસભાના ધારાસભ્ય કમલ અખ્તર વચ્ચે ૨૦૨૪થી ખટપટ ચાલી રહી છે.
તામિલનાડુના મુખ્યમંત્રી વિજયની તાકાત વધી
તામિલનાડુના રાજકારણમાં બનતી કેટલીક ઘટનાઓ ચર્ચાસ્પદ બની રહી છે. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઇએડીએમકે)ના ચાર ભૂતપૂર્વ મંત્રી, કેટલાક ભૂતપૂર્વ ધારાસભ્યો અને હજારો કાર્યકરો સત્તા પક્ષ તમીલગા વેત્રી કડગમ (ટીવીકે)માં જોડાઈ ગયા છે. ૨૦૨૬ વિધાનસભાની ચૂંટણી પછીનો આ સૌથી મોટો પક્ષપલટો છે. ટીવીકેમાં જનારા ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સી વિજય ભાસ્કર અને ભૂતપૂર્વ પરિવહન મંત્રી એમ આર વિજય ભાસ્કર મુખ્ય છે. સભ્ય બનાવવાનો કાર્યક્રમ મામલ્લાપુરમના એક ખાનગી રીસોર્ટમાં યોજાયો હતો. સી વિજય ભાસ્કર અને એમ આર વિજય ભાસ્કર એઆઇએડીએમકેના મોટા નેતાઓ ગણાય છે. બંને નેતાઓએ હમણા જ ધારાસભ્ય તરીકે રાજીનામા આપ્યા હતા. આ બંનેએ પક્ષના વ્હીપને અવગણીને મુખ્યમંત્રી સી જોસેફ વિજયના પક્ષની તરફેણમાં મતદાન કર્યું હતું.
૧૬ દસ્તાવેજો હોવા છતાં યુવક ભારતની નાગરીકતા પુરવાર કરી શક્યો નહીં
છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે કે ભારતમાં એક પણ દસ્તાવેજ એવો નથી કે જે કોઈની પણ નાગરીકતા પુરવાર કરી શકે. આસામમાં એક વિચિત્ર ઘટના બની છે. આસામ હાઇકોર્ટે આ બાબતે એક ઐતિહાસીક ચૂકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશી અધિનિયમ હેઠળ પોતાને ભારતીય સાબિત કરવાની સંપૂર્ણ જવાબદારી નાગરીકની છે. ફક્ત કાગળોની થપ્પી રજુ કરવી પુરતું નથી. એક યુવાને રજુ કરેલા ૧૬ દસ્તાવેજો પછી પણ એની અરજી ફગાવી દેવામાં આવી હતી, કારણ કે દસ્તાવેજો નામ તેમજ કૌટુંબિક કડી જોડી શકતા નહોતા. યુવક સાબિત કરવા સક્ષમ નહોતો કે તે ભારતીય નાગરીક છે. જસ્ટીસ કલ્યાણ રાય ખુરાના અને જસ્ટીસ સમીમાની બેન્ચે આ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે વિદેશી અધિનિયમ ૧૯૬૪ની કલમ ૯ હેઠળ એવી ટીપ્પણી કરી હતી કે, જ્યારે કોઈ વ્યક્તિ પર વિદેશી હોવાનો શક હોય ત્યારે ભારતીય હોવાનું સાબિત કરવાની જવાબદારી એ વ્યક્તિની છે.
ખામેનેઇના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યુંં
ઇરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેનેઇના અંતિમ સંસ્કારમાં ભારત તરફથી એક ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવ્યું હતું. આ અંતિમ સંસ્કારમાં દુનિયાભરમાંથી ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફઅલી જરદારી અને વડાપ્રધાન સહબાઝ શરીફ ખોમેનેઇના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા તો ભારત તરફથી બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન અને વિદેશ બાબતોના રાજ્યમંત્રી પબીત્ર માર્ગારેટાએ અંતિમ સંસ્કારમાં હાજરી પુરાવી હતી. સૈયદ અતા હસનૈન ભારતીય લશ્કરમાં ઉચ્ચ અધિકારી રહી ચૂક્યા છે. એમણે ચાર દાયકા સુધી પડકારજનક વિસ્તારોમાં સેવા આપી હતી. એમણે શ્રીલંકા, સિયાચીન, પુર્વ ભારત અને જમ્મુ-કાશ્મીરમાં અગત્યની જવાબદારી સંભાળી હતી. આ સિવાય તેઓ મોઝામ્બીક અને રવાન્ડામાં સંયુક્તરાષ્ટ્ર માટે શાંતિ મિશનમાં પણ ગયા હતા.
દાનચોરી બાબતે કટીયારના દાવાથી રાજકીય ગરમાટો
અયોધ્યા સ્થિત શ્રીરામ મંદિરના કહેવાતા દાનચોરી કિસ્સા બાબતે ભાજપના નેતા અને બજરંગ દળના સંસ્થાપક વિનય કટીયારએ પ્રતિક્રિયા આપી છે. એમના કહેવા પ્રમાણે પૈસાની ગરબડ ચોક્કસ થઈ છે. જોકે બધુ ઠીક થઈ જશે. આવનાર દિવસોમાં કદાચ ચંપત રાય, ગોપાલ રાવ અને અનીલ મિશ્રાએ જેલમાં જવું પડે એમ છે. કિસ્સાની તપાસ કરી રહેલી એસઆઇટીએ વધુ તપાસ માટે બેંક કર્મચારીઓને પણ બોલાવ્યા છે. નાણાકીય લેણદેણ અને બીજા દસ્તાવેજોની તપાસ પણ ચાલુ છે. ચંપત રાય, અનીલ મિશ્રા અને ગોપાલ રાવની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ મળ્યા નથી. ગૂંચવણ વધતી જાય છે. આવનાર દિવસોમાં તપાસનો વિસ્તાર પણ વધારવામાં આવશે. પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે.









