પંજાબમાં સત્તાની ચાવી હિન્દુઓ પાસે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સોગઠા ગોઠવવા માંડયા છે. આમ આદમી પાર્ટીએ પણ ફક્ત શીખ મતબેંક પર ધ્યાન આપવાને બદલે હવે હિન્દુ મતબેંકને ખુશ કરવાના પ્રયત્નો પણ ચાલુ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલએ પંજાબના અમૃતસર સ્થિત આવેલા ઐતિહાસીક રામતીર્થ સ્થળ માટે ૧૫૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ દાન લવ-કુશ મંદિર બનાવવા માટે આપવામાં આવ્યું છે. કેજરીવાલે પહેલી વખત પોતાના પક્ષને સનાતની બતાવ્યો છે. પંજાબ સરકાર જૂન મહિનાથી સરકારી ધોરણે વિવિધ ભક્તિ સંધ્યાઓનું આયોજન કરી રહી છે. રાજ્યના તમામ ૨૨ મુખ્ય શહેરોમાં ભક્તિ સંધ્યા યોજવામાં આવશે. આ સિવાય પટીયાલાના કાલીમાતા મંદિર માટે ૮૦ કરોડ રૂપિયાનું દાન, દર વર્ષે ૧.૫ લાખ શ્રદ્ધાળુઓ માટે મફત તીર્થયાત્રાનું આયોજન, મંદિરોના સંચાલન માટે વધુ અધિકાર આપતો કાયદો લાવવાના વચનો પણ આપે આપ્યા છે.
ભાજપે ચૂંટેલા સાંસદની દિપકે સામે શરણાગતી
નાલસર લો યુનિવર્સિટીના દીક્ષાંત કાર્યક્રમમાં સીજેઆઇ સૂર્યકાંત આવવાના હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. આ બાબતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીસીઆઇ)એ કડકાઈ બતાવી હતી. બીસીઆઇએ કહ્યું હતું કે, નાલસર હૈદરાબાદના ૨૦૨૬ બેચના વિદ્યાર્થીઓની વકીલ તરીકે નોંધણી થવી જોઈએ નહીં. બીસીઆઇએ યુનિવર્સિટી પાસે ૩ દિવસમાં રીપોર્ટ માંગ્યો હતો અને વિરોધ કરનાર આયોજકોના નામ પણ માંગ્યા હતા. બીસીઆઇના પ્રમુખ તરીકે રાજ્યસભાના સાંસદ મનનકુમાર મિશ્રા છે. મનનકુમાર મિશ્રા ભાજપના ટેકાથી રાજ્યસભામાં ગયા છે. વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવાની બીસીઆઇની વાતથી મોટો વિવાદ થયો હતો. કોકરોચ જનતા પાર્ટીએ મનનકુમાર મિશ્રા વિરુદ્ધ આંદોલન કરવાની ચેતવણી આપી હતી. ચેતવણીથી ડરી ગયેલા મનનકુમાર મિશ્રાએ પોતાનો નિર્ણય પરત લીધો હતો. કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ મિશ્રાની શરણાગતીને પોતાની જીત ગણાવી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીના 'ગૌમૂત્ર નિષ્ણાંત' નિવેદન સામે ઓનલાઇન ઝુંબેશ
આઇઆઇટી મદ્રાસના ડાયરેક્ટર વી કામકોટીને 'ગૌમૂત્ર નિષ્ણાંત' કહેનાર પ્રિયંકા ગાંધીથી નારાજ થયેલાઓએ હવે વિરોધ કરવાનો શરૂ કર્યો છે. પ્રિયંકા ગાંધી સામે એક ઓનલાઇન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ ઝુંબેશને ૧૮ હજાર લોકોનો ટેકો મળી ચૂક્યો છે. આ ઝુંબેશ બરચહયી.ર્યિ પર શરૂ કરવામાં આવી છે. લોકસભાના સ્પિકર ઓમ બીરલાને આ બાબતે પગલા લેવાની માંગણી થઈ છે. પ્રિયંકાને એમની ટીપ્પણી પાછી લેવા તેમજ માફી માંગવા માટે પણ કહેવામાં આવ્યું છે. ૩૮ જેટલા દેશોમાં રહેલા ભારતીય વૈજ્ઞાાનિકોએ પણ આ ઝુંબેશને સમર્થન આપ્યું છે. ઝુંબેશ શરૂ કરનારાઓએ પ્રિયંકાની ટીપ્પણીને અપમાનજનક ગણાવી છે. એમનું કહેવું છે કે, કોઈપણ વૈજ્ઞાાનિક કે શિક્ષણ શાસ્ત્રીની ટીકા એમના કામ અને વિચારોને આધારે થવી જોઈએ. વ્યક્તિગત ટીપ્પણી યોગ્ય નથી.
અમિત શાહ પ્રત્યેનો સાયોની ઘોષનો અભિપ્રાય રાતોરાત બદલાયો
સાંસદ સાયોની ઘોષ જ્યારે તૃણમુલ કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ સંસદની અંદર તેમજ બહાર અમિત શાહના કડક ટીકાકાર હતા. હવે ટીએમસી છોડયા પછી એમનો અભિપ્રાય એકાએક બદલાઈ ગયો છે. તેઓ અમિત શાહના વખાણ કરવા માંડયા છે. એમણે કહ્યું છે કે અમિત શાહ કદી જવાબ આપવાથી ભાગતા નથી. વિરોધ પક્ષ એમને સાંભળવાને બદલે ભાગી રહ્યો છે. કોંગ્રેસ સહિત વિરોધપક્ષનો આરોપ હતો કે ગૃહમંત્રી સંસદ ભવનમાં આવતા નથી અને જવાબ આપવાથી ભાગે છે. ઘોષે સંસદ ઠપ્પ થઈ જવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. એમના કહેવા પ્રમાણે સંસદનું સત્ર વિવિધ પ્રશ્નો રજૂ કરવા માટે અગત્યનું હોય છે. જે રીતે આ વખતનું સત્ર રહ્યું છે એ દુઃખદ છે. જે બીલો પસાર થયા એમાં પણ વિરોધપક્ષોએ હીસ્સો લીધો નહોતો.
'બાદલ પરિવાર તમારી બહાદુરી કદી નહીં ભૂલે'
મહારાષ્ટ્રના નાદેદમાં પંજાબના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને શીરોમણી અકાલીદળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર હુમલો થયો હતો. બાદલનો જાન બચાવનાર ઇન્સ્પેક્ટર સંતોષના વખાણ લોકસભાના સાંસદ અને સુખબીર સિંહના પત્ની હરસીમરત કૌર બાદલએ કર્યા છે. એમણે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, નાદેદમાં થયેલા હુમલા દરમિયાન સુખબીર સિંહ બાદલનો જીવ બચાવનાર અને બહાદુરી માટે હું મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટના ઇન્સ્પેક્ટર સંતોષ વૈજનાથ કેન્દ્રને સલામ કરું છું. સંતોષ, તમે સુખબીર અને હુમલાખોરની વચ્ચે ઢાલ બનીને ઉભા રહી ગયા હતા અને પોતાના જાનના જોખમે એમની રક્ષા કરી હતી. તમે બતાવ્યું છે કે વર્દી પહેરવાનો અસલી અર્થ શું થાય છે. બાદલ કુટુંબ તમારું આભારી છે. વાહે ગુરુ તમને જલ્દી સારા કરે.
રાહુલ ગાંધીને સુપ્રિમ કોર્ટે રાહત આપી
સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. રાહુલ ગાંધીએ વીર સાવરકર પર આપેલા નિવેદન બાબતે એમની સામે ફોજદારી બદનક્ષીની ફરિયાદ થઈ હતી અને નીચલી કોર્ટે એમને સમન્સ મોકલ્યું હતું. સુપ્રિમ કોર્ટે આ સમન્સ રદ કર્યું છે. જસ્ટીસ દીપાંકર દત્તા અને જસ્ટીસ શીલ નાગુની બેંચે આ નિર્ણય કર્યો છે. બેંચે કહ્યું છે કે, 'ઉત્તર પ્રદેશ સરકારે દાખલ કરેલી એફીડેવીટમાં એડીશનલ સોલીસીટર જનરલ અને ફરિયાદીના વકીલે કહ્યું છે કે, કાયદાકીય મંજૂરીનો કોઈ ઉલ્લેખ નથી. આ પરિસ્થિતિ જોતા ફરિયાદ અને મેજીસ્ટ્રેટે કરેલો હુકમ રદ કરવામાં આવે છે.' અલ્હાબાદ હાઇકોર્ટે કાયદાકીય કાર્યવાહી રદ કરવાનો ઇન્કાર કરતા રાહુલ ગાંધી સુપ્રિમ કોર્ટ ગયા હતા. સુપ્રિમ કોર્ટે પૂછયું હતું કે રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી આપી છે? એ વખતે એડીશનલ સોલીસીટર જનરલ કે એમ નટરાજએ જવાબ આપ્યો હતો કે રાજ્ય સરકારે મંજૂરી આપી નથી.
વસ્તી ગણતરીમાં સરકાર કેવા સવાલો પૂછશે?
કેન્દ્ર સરકારે ૨૦૨૭ના વર્ષમાં થનારી વસ્તી ગણતરી માટે પૂછવામાં આવનાર ૪૦ સવાલોની યાદી તૈયાર કરી છે. સરકારી હૂકમ પ્રમાણે આ સવાલોમાં જાતી, અનુસૂચિત જાતી (એસસી) અને અનુસૂચિત જનજાતી (એસટી)નો દરજ્જો, ધર્મ, શીક્ષા, રોજગાર, પ્રવાસ અને કુટુંબ સાથે જોડાયેલી જાણકારીનો સમાવેશ થાય છે. કોવીડ - ૧૯ના રસીકરણ લીધાના સ્થળથી માંડીને બેંક ખાતાઓની સંખ્યા, મોબાઇલ નંબર, આધાર, વોટર આઇડી અને પાસપોર્ટ જેવી જાણકારી પણ માંગવામાં આવશે. જે વિસ્તારમાં હિમવર્ષા થાય છે ત્યાં વસ્તી ગણતરીની શરૂઆત ૧લી સપ્ટેમ્બરથી થશે. લોકોને પૂછવામાં આવશે કે તેઓ અનુસૂચીત જાતી કે અનુસૂચીત જનજાતીમાં આવે છે કે નહીં. એ સાથે જ એમની જાતીનું નામ નોંધવામાં આવશે. વસ્તી ગણતરી માટે લોકોના ઘરે જઈને નોંધણી કરવામાં આવશે. જોકે ખાસ એપ્લીકેશન દ્વારા સ્વ ગણના પણ કરાવી શકાશે. આ વસ્તી ગણતરી પહેલી વખત જાતી આધારીત હશે.









