નવીદિલ્હી : રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી આરએલજેપીના પ્રમુખ પશુપતિકુમાર પારસએ ઘોષણા કરી હતી કે એમનો પક્ષ બિહાર વિધાનસભાની ચૂંટણી એકલે હાથે લડશે. પારસના કહેવા પ્રમાણે વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ થવાની એમની કોશિષ સફળ થઈ નથી. મજબૂરીને કારણે એમણે આ નિર્ણય લેવો પડયો છે. આરએલજેપીના ૩૩ ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે પશુપતિકુમારએ કહ્યું હતું કે, મેં તો ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સફળ થયો નહીં. ૧૯૭૭થી ૨૦૧૦ સુધીમાં ૭ વખત અલવલી બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર પારસને આશા હતી કે મહાગઠબંધન સાથે તેઓ જોડાશે તો એમને ઓછામાં ઓછી ૩ બેઠકો મળશે. જોકે મહાગઠબંધનને આ મંજૂર નહોતું. લોક જનશક્તિ પાર્ટીના (લોજપા)ના સ્થાપક રામવિલાસ પાસવાનના નાના ભાઈ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પારસએ લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ પછી એનડીએ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. હવે પારસની હાલત બાવાના બેઉ બગડયા જેવી થઈ છે.
યુપીના બાર હજાર શરણાર્થીઓને ભારતની નાગરીકતા જોઈએ છે
બાંગ્લાદેશથી ભારતમાં આવેલા ૨૫૦૦ કુટુંબના ૧૨ હજાર લોકો ભારતની નાગરીકતા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. ૮૦૦ લોકોએ નાગરીકતા માટે ઓનલાઇન અરજી કરી છે. પુરતા દસ્તાવેજ નહીં હોવાને કારણે મોટા ભાગની અરજીઓ પેન્ડીંગ છે. એક શરણાર્થીને જ નાગરીકતા મળી શકી છે. આ બાંગ્લાદેશીઓ લાંબા સમયથી ભારતના નાગરીક બનવા કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. સ્થાનીક અધિકારીઓથી માંડીને રાજકીય નેતાઓએ નાગરીકતાનો મુદ્દો ચગાવ્યો છે. અખિલ ભારત બંગાળી સમન્વય સમીતીના રાષ્ટ્રીય પ્રમુખ દિંપાકર વૈરાગીના કહેવા પ્રમાણે બંગાળી બહુમતિવાળા ગામ અશોકનગર ઉર્ફ બંગાલી કોલોની, ગોકુલનગરી અને દીબદીબા જેવા ગામોમાં શરણાર્થીઓની સંખ્યા લગભગ ૧૨ હજાર છે. ૧૯૭૧ પછી બાંગ્લાદેશથી અહીં આવીને વસેલા હિન્દુઓની સંખ્યા વધતી જ રહી છે.
સનાતન પર સિદ્ધારમૈયાની ટીપ્પણી પછી બબાલ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સનાતન ધર્મની કરેલી ટીકાનો વિવાદ વધી રહ્યો છે. ભાજપએ સિદ્ધારમૈયા સામે વળતો હુમલો કર્યો છે. સિદ્ધારમૈયા હિન્દુત્વ વિરોધી હોવાનો આક્ષેપ થાય છે. સિદ્ધારમૈયાએ એક ભાષણમાં લોકોને સનાતનીઓથી દુર રહેવાની અપીલ કરી હતી.
સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 'સારી સંગતમાં રહો. સમાજને પડખે ઉભા રહેનારા સાથે જોડાઓ. સામાજીક પરીવર્તનનો વિરોધ કરનારા અને સનાતનીઓનો સાથ છોડો. બંધારણનો વિરોધ કોણે કર્યો ? મનુવાદીઓએ કર્યો, ગોલવરકરે કર્યો, સાવરકરે કર્યો. આપણે બધાએ એમનાથી સાવધ રહેવાની જરૂર છે.' સિદ્ધારમૈયા સામે ભાજપએ પલટવાર કરતા કહ્યું છે કે, પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોથી ધ્યાન બીજે દોરવાની કોશિષ સિદ્ધારમૈયા કરી રહ્યા છે. જમણેરી નેતા વિનોદ બંસલે કહ્યું હતું કે, 'કર્ણાટકના મુખ્યમંત્રીના માતા-પિતાના નામમાં રામ છે. એમનું પત્નીનું નામ પાર્વતી છે અને પોતે પોતાની જાતને સિદ્ધારમૈયા કહે છે.'
ચૂંટણી પછી એલજેપી ઉપમુખ્યમંત્રી પદની માંગણી કરશે
બિહારની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષોનું કોકડુ વધુ ગૂચવાતુ જાય છે. કેન્દ્રીય મંત્રી અને એલજેપીના સુપ્રિમો ચિરાગ પાસવાનની મહત્વાકાંક્ષા વધતી જ જાય છે. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે જો એનડીએ ચૂંટણી જીતે તો એમનો પક્ષ ઉપમુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરશે કે નહીં. ચિરાગ પાસવાનએ જવાબમાં કહ્યું હતું કે, પહેલા સરકાર બને પછી નક્કી કરીશું, પરંતુ હું માનુ છુ કે ઉપમુખ્યમંત્રી પદ એલજેપીને જ મળવું જોઈએ. બીજી તરફ મહાગઠબંધનમાં દરેક પક્ષ પોતાનો ચોકો અલગ કરીને બેઠો છે. અત્યારથી જ ચૂંટણી જીતી ગયા હોય એવો રવૈયો જોવા મળે છે.
કોંગ્રેસમાં સૌથી વધુ દ્વિધા એ બાબતે છે કે, દિલ્હીના કયા નેતાને પૂછીને રણનીતી નક્કી કરવી. રાહુલ ગાંધી આસાનીથી મળતા નથી અને રાષ્ટ્રીય પ્રમુખ ખડગે કોઈ નીર્ણય લઈ શકતા નથી. આરજેડીના નેતાઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં છે.
શું પ્રશાંત કિશોર બિહારના કીંગ મેકર બની શકશે ?
રાજકીય રણનીતિકારમાંથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર બિહારની ચૂંટણી પૂરી તાકાતથી લડી રહ્યા છે. પહેલી વખત એમનો પક્ષ જનસુરાજ પાર્ટી વિધાનસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યો છે. પ્રશાંત કિશોરએ પસંદ કરીને એવા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે કે જેને કારણે એનડીએ અને મહાગઠબંધન ટેન્શનમાં આવી ગયા છે. પ્રશાંત કિશોરએ દારૂબંધી હટાવવા, રોજગાર - શિક્ષા વધારવા. તેમજ સ્થાનાંતર રોકવાનું વચન આપ્યું છે. પ્રશાંત કિશોરને મીડિયાનો પણ પુરો સાથ મળી રહ્યો છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર તેઓ છવાયેલા રહે છે. જોકે પ્રશાંત કિશોરની લોકપ્રિયતા ચૂંટણી સમયે કેટલી ઉપયોગી થશે એ તો સમય જ કહેશે. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે પ્રશાંત કિશોર એનડીએ અને મહાગઠબંધન બંનેના મત તોડશે. જો વિધાનસભાની ચૂંટણીમાં ત્રીશંકુ જેવી પરિસ્થિતિ ઉભી થાય અને પ્રશાંત કિશોરને મહત્વની બેઠકો મળશે તો તેઓ સોદાબાજી કરીને કીંગ મેકરની ભૂમીકા પણ ભજવી શકે એમ છે.
સમીર વાનખેડેએ સુરક્ષા માંગી, પત્ની - બહેનને ધમકી મળે છે
ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનના પુત્રની ડ્રગ્સ કેસમાં ધરપકડ પછી સમાચારમાં ચમકેલા સિનિયર આઇઆરએસ અધિકારી સમીર વાનખેડેનું કહેવું છે કે સત્યને દબાવી શકાય છે, પરંતુ હરાવી શકાતું નથી. જ્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ ડ્રગ્સ કેસમાં કરવામાં આવી હતી ત્યારે થયેલી ચર્ચા પ્રમાણે શાહરુખ ખાનએ કેન્દ્ર સરકારનો સંપર્ક કરીને સમીર વાનખેડેની બદલી કરાવી દઈ પુત્રને જેલમાંથી છોડાવ્યો હતો. થયેલી હેરાનગતીનો બદલો લેવા માટે આર્યન ખાનએ એક વેબસીરીઝ બનાવી હતી જેમાં સમીર વાનખેડેના પાત્રનું ચિત્રણ બેહુદુ કરવામાં આવ્યું હતું. આ મામલે પણ સમીર વાનખેડે કોર્ટમાં ગયા છે. સરકારે કિન્નાખોરી રાખીને સમીર વાનખેડેનું પ્રમોશન અટકાવી દીધું હોવાનો આક્ષેપ પણ છે. સમીર વાનખેડેને તેમજ તેમના પત્ની અને બહેનને અજાણ્યા નંબરો પરથી ધમકી મળી રહી છે. સમીર વાનખેડેએ આ બાબતે અદાલતમાં ઘા નાખી છે.
કર્ણાટકમાં સંઘના કાર્યક્રમ મુદ્દે કોંગ્રેસ-ભાજપ સામસામે
મંત્રી પ્રિયાંક ખડગેએ ચિત્તપૂર વિસ્તારના અધિકારીઓનો હવાલો આપીને કહ્યું હતું કે, કાયદો - વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે એમ હોવાથી આરએસએસની રેલીને આ વિસ્તારમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જોકે કોર્ટે આરએસએસના આ રૂટને સહમતી આપી દીધી છે. બીજી નવેમ્બરે યોજાનાર આરએસએસની રેલીને પરવાનગી નહીં મળવાથી આરએસએસએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આરએસએસના સંયોજક અશોક પાટીલએ કરેલી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી. જસ્ટીસ એમજીએસ કમલએ રાજ્ય સરકારને પૂછયું હતું કે, સરકાર કેવા પ્રકારનું આયોજન કરી રહી છે. કોર્ટે કર્ણાટક સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે દરેકની ભાવનાનું સન્માન થવું જોઈએ. સરકારનું કહેવું હતું કે, કેટલાક વિસ્તારો સંવેદનશીલ હોવાથી એ વિસ્તારોમાં આરએસએસની રેલીને પરવાનગી અપાય તો શાંતિ જોખમાઈ શકે એમ છે.


