Get The App

દિલ્હીની વાત : બાબરી મસ્જિદનો પાયો નાખનાર હુમાયુ કબીર હવે શું કરશે

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બાબરી મસ્જિદનો પાયો નાખનાર હુમાયુ કબીર હવે શું કરશે 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નાખનાર ધારાસભ્ય હુમાયુ કબીર હવે તૃણમુલ કોંગ્રેસને સીધી ચેલેન્જ કરશે. એક તરફ એમણે નવો પક્ષ રચવાની જાહેરાત કરી છે તો ૧૩૫ બેઠકો પર ચૂંટણી લડવાનું આયોજન પણ કર્યું છે. બે દસકાથી વધુની રાજકીય કારકીર્દી ધરાવતા કબીર કરોડપતિ છે. તેઓ ટીએમસી અને ભાજપ સહિત ઘણા પક્ષોમાં ચક્કર મારી આવ્યા છે. એક સમયે હુમાયુ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની નજીક હતા. એમની કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી થઈ હતી. ૨૦૧૨ના વર્ષમાં તેઓ કોંગ્રેસ છોડીને ટીએમસી સાથે જોડાયા હતા. જોકે કેટલાક એમ માની રહ્યા છે કે, હુમાયુ કબીર ખાનગીમાં ભાજપની ગેમ રમી રહ્યા છે. તેઓ પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા બાબરી મસ્જિદ બનાવી રહ્યા હોવાથી હિન્દુ મતોનું ધુ્રવીકરણ ભાજપ તરફ થાય એવું આયોજન છે.

એસઆઇઆર અભિયાનમાં પહેલી વખત એફઆઇઆર દાખલ થઈ

દેશના કેટલાક રાજ્યોમાં ચૂંટણી કમિશન મતદાર યાદીમાં સુધારો કરવા એસઆઇઆર અભિયાન ચલાવી રહ્યું છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં એસઆઇઆર અભિયાન દરમિયાન ખોટી માહિતી આપવા બદલ પ્રથમ એફઆઇઆર નોંધવામાં આવી છે. રામપુરની રહેવાસી નૂરજહા નામની મહિલાએ પોતાના બે પુત્રો આમીર ખાન અને દાનીસ ખાન બાબતે ફોર્મમાં ખોટી માહિતી ભરી હતી. બંને પુત્રોમાંથી એક દુબઈ અને બીજો કુવૈત ઘણા વર્ષોથી રહે છે. જોકે એમની માતાએ આ વાત જાહેર નહીં કરીને બંનેને ભારતમાં રહેતા હોવાનું જાહેર કર્યું હતું. ફોર્મ પર આ બંનેની બોગસ સહીઓ પણ કરવામાં આવી હતી. જ્યારે બીએલઓ (બુથ લેવલ ઓફિસર)એ ડેટાનું ડીજીટાઇઝેશન કર્યું તો આ ગરબડ ખબર પડી હતી. ત્યાર પછી રામપુરના જિલ્લા અધિકારી અજયકુમાર દ્વિવેદીએ માતા અને બંને પુત્રો સામે કેસ દાખલ કર્યો છે.

'દિલ્હીથી મને ઉઠાવી લેવામાં આવી હતી, હું ત્યા ફરીથી નહીં જાઉ'

બાંગ્લાદેશથી ભારત પરત લાવવામાં આવેલી મહિલા સુનાલી ખાતુન પોતાના માતા-પિતાના ઘરે ગઈ છે. પશ્ચિમ બંગાળના બીરભુમ જિલ્લાના પૈકર ગામમાં સુનાલી પોતાની પાંચ વર્ષની પુત્રી અને માતા-પિતાને મળી હતી. બીમાર હોવાથી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહેંદીપુર બોર્ડર આઉટ પોસ્ટથી ભારતની બોર્ડરમાં એન્ટ્રી કરાવ્યા પછી સુનાલી ખાતુનને માલદાની હોસ્પિટલમાં ૨૪ કલાક માટે રાખવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે હમણા જ સુનાલીની દેશ વાપસી માટે કામગીરી કરવાની સૂચના આપી હતી. સુનાલીના પતિ દાનીશ શેખ, સ્વિટી બીબી અને એના બે બાળકો હજી પણ બાંગ્લાદેશમાં છે, કારણ કે કેન્દ્ર સરકારે એમના ભારતીય નાગરીકતાના દાવાને પડકાર્યો છે. સુનાલીએ હવે કહ્યું છે કે, મને અને મારા પુત્રને ભારત પરત લાવનારાઓનો હું આભાર માનું છું. જોકે હું દિલ્હી પાછી નહીં જઈશ કારણ કે દિલ્હીથી જ મને ઉઠાવી લેવામાં આવી હતી.

રાહુલ ગાંધીનો ચાર શબ્દમાં જવાબ, 'પ્રિયંકાનું ભાષણ સાંભળો'

સંસદના સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પર ચર્ચા થઈ રહી હતી. વડાપ્રધાને આ બાબતે વિરોધ પક્ષોની આકરી ટીકા કરી હતી. આ બાબતે જ્યારે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા માંગવામાં આવી ત્યારે એમણે ફક્ત ચાર શબ્દમાં જવાબ આપ્યો હતો. સંસદ પહોચેલા રાહુલ ગાંધીને જ્યારે વંદે માતરમ પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું હતું કે 'પ્રિયંકાનું ભાષણ સાંભળો' આ વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમને ૧૫૦મી વર્ષગાઠ મનાવવામાં આવી હતી. સંસદમાં મોદીએ કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો હતો કે, એણે વંદે માતરમમાંથી કેટલાક પેરેગ્રાફ હટાવી દીધા હતા. આ સંદર્ભે કોંગ્રેસે મોદીને માફી માગવા કહ્યું હતું. પેરેગ્રાફ હટાવવાનો નિર્ણય કોંગ્રેસનો નહીં, પરંતુ રવિન્દ્રનાથ ટાગોરનો હતો.

'હું, મનિષ સિસોદીયા, વિજય નાયર... દેશ માટે જેલમાં ગયા હતા'

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજકાલ શાંત છે. તેઓ વધુ સમય પંજાબમાં રહે છે અને રીમોટ કંટ્રોલથી પંજાબ સરકારનું સંચાલન કરે છે. હવે એમણે પોતાના તેમજ એમના સાથીઓના જેલવાસને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે આપના છ મોટા નેતાઓ દેશ માટે જેલમાં ગયા હતા. કેજરીવાલના કહેવા પ્રમાણે ૧૦ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છતા પણ એમણે પૈસા બનાવ્યા નહોતા. એમની પાસે કે એમના પક્ષ પાસે એક પણ રૂપિયો નથી. એમણે મનિષ સિસોદીયા, વિજય નાયર અને સંજયસિંહ વગેરેના નામો ગણાવ્યા હતા કે જેમણે લિકર કૌભાડને કારણે જેલમાં જવું પડયું હતું. કેજરીવાલની વાત ભાગ્યે જ કોઈ માને છે છતાં તેઓ હંમેશા એમ કહેતા રહે છે કે દિલ્હીના લોકોનો અવાજ ઉઠાવવા માટે એમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

પુત્રીએ મુંબઈની ટિકિટના 41 હજાર ચૂકવવા પડયા, કેસી ત્યાગી ભડક્યા

દેશમાં ચાલી રહેલી ઇન્ડીગો એરલાઇન્સની ક્રાઇસીસને કારણે મોટો વિવાદ થયો છે. બીજી એરલાન્સ કંપનીઓ મોકાનો ફાયદો ઉઠાવીને દસ ગણા ભાવ વસૂલ કરે છે. હવે એરલાઇન્સ કંપનીઓનો કડવો અનુભવ નીતિશકુમારના પક્ષ જેડીયુના સિનિયર નેતા કેસી ત્યાગીને પણ થયો છે. એમણે ડીસીજીએને સસ્પેન્ડ કરીને ઇન્ડીગો એરલાઇન્સનું લાયસન્સ રદ કરવાની માંગણી પણ કરી છે. ચૂકવવા પડેલા તોતીંગ ભાડા વધારો પાછો માગીને એમણે ભૂખ હડતાળ પર જવાની ધમકી પણ આપી છે. એમના પુત્રીએ મુંબઈ જવા માટે એર ઇન્ડીયાને ૪૧ હજાર રૂપિયા ભાડુ આપવું પડયું હતું. સિવિલ એવીએશન મીનીસ્ટ્રીએ ૧૫૦૦ કીમીથી વધારેના પ્રવાસનું ભાડુ મહત્તમ ૧૫ હજાર રૂપિયા નક્કી કર્યું હતું. ત્યાગીના પુત્રીએ પરીક્ષા આપવા મુંબઈ જવાનું હતું જે માટે પહેલા ઇન્ડીગો એરલાઇન્સની ટિકિટ ૯ હજારમાં ખરીદી હતી. જોકે ઇન્ડીગોની ફલાઇટ કેન્સલ થવાથી એમના પુત્રીએ પછી એર ઇન્ડીયાની ફલાઇટમાં જવું પડયું હતું.

લોકસભામાં રજુ થયેલું રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ શું છે

એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. ભારતમાં વર્કસ અને એમ્પ્લોઇઝ વચ્ચે કામ - જિંદગી વચ્ચે બેલેન્સ સુધારવા માટે આ બિલ રજુ કરવામાં આવ્યું હોવાનો દાવો સુપ્રિયા સુલે કરે છે. બિલમાં એવું પ્રાધાન્ય છે કે, કોઈપણ કંપની કે સોસાયટી એમના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરે તો એમના પર કુલ પગારનો એક ટકો દંડ પેટે વસુલવામાં આવે. આ બિલ કર્મચારીઓને કામ માટે જોડાયેલા ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનથી ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપે છે. એનો મતલબ થાય કે કર્મચારી ઓફિસ સમય બાદ બોસનો ફોન કે ઇ-મેઇલ રીસીવ કરવા માટે બંધાયેલા નથી. એટલે કે કર્મચારીઓ ઓફિસ સમય બાદ બોસના ફોન કે ઇ-મેઇલનો જવાબ નહીં આપે તો કોઈ કાર્યવાહી થઈ શકે નહીં.