Delhi ni Vaat

સરકાર ચોમાસા સત્રમાં જૂના બીલો રજૂ કરશે

By GS Team
3 Jul 20264 mins read
TukuTouch Logo
નવીદિલ્હી: વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેન્દ્રીય કે રાજ્ય મંત્રી 30 દિવસ જેલમાં રહેશે તો પદ છોડવું પડશે. 130મા બંધારણ ફેરફાર બીલ પર સંસદની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) આ જોગવાઈ દૂર કરવાના પક્ષમાં નથી. સમિતિ 17 જુલાઈએ રિપોર્ટ મંજૂર કરી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા ચોમાસા સત્રમાં આ બીલો રજૂ કર્યા હતા. ફક્ત ધરપકડથી હોદ્દો ગુમાવવો નહીં પડે, જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેશે તો કાયદો લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકાર ચોમાસા સત્રમાં જૂના બીલો રજૂ કરશે

નવીદિલ્હી : જો કોઈ વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી કે રાજ્યના મંત્રી કોઈક ગંભીર ગુનામાં લગાતાર ૩૦ દિવસ સુધી જેલમાં રહેશે તો એમણે પદ છોડવું પડશે. આ પ્રકારના બીજા બીલો સરકાર ચોમાસા સત્રમાં ફરીથી રજૂ કરશે. ૧૩૦માં બંધારણ ફેરફાર બીલ પર બનેલી સંસદની જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી (જેપીસી) આ બીલોની જોગવાઈ દુર કરવાના પક્ષમાં નથી. સમીતી ૧૭ જુલાઈએ પોતાના રીપોર્ટને મંજૂર કરે એવી શક્યતા છે. ગૃહમંત્રી અમિત શાહે આ સાથે જોડાયેલા ત્રણ બીલો છેલ્લા ચોમાસા સત્રમાં સંસદના બંને ગૃહોમાં રજૂ કર્યા હતા. ત્યાર પછી આ બીલોને જેપીસી સમક્ષ મોકલવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે ફક્ત ધરપકડ થવાથી હોદ્દા ગુમાવવા નહીં પડે. આ કાયદો ત્યારે જ લાગુ થશે જ્યારે હોદ્દેદાર ૩૦ દિવસ સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેશે.
પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસએ ટીમ બનાવી
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ એક્ટીવ થઈ ગઈ છે. કોગ્રેેસ હાઇકમાન્ડએ પંજાબના સિનિયર નેતાઓ સાથે છેલ્લા દિવસો દરમિયાન કેટલીક બેઠકો કરી હતી. વિધાનસભા ચૂંટણી માટે પક્ષે કમીટીઓ બનાવી છે. આ કમીટીઓમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીથી માંડીને સિનિયર નેતા સુખજિંદર સિંહ રંધાવાને અગત્યના હોદ્દાઓ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ આ ચૂંટણી પંજાબ પ્રદેશ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારીંગના નેતૃત્વમાં લડશે. પ્રચાર સમીતીની કમાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને આપવામાં આવી છે. ચૂંટણી સમન્વય સમીતીની અધ્યક્ષતા વિજયઇન્દર સિંઘલા કરશે. કોર કમીટીના અધ્યક્ષ તરીકે સુખજિંદર સિંહ રંધાવાને નિમવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પંજાબના સંગઠનમાં કોઈપણ ફેરફાર નહીં થાય. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેથી માંડીને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પંજાબના નેતાઓ અને કાર્યકરોને મળી રહ્યા છે.
'સત્તા ગઈ તો ભાજપના ૧૦ ટૂકડા થશે'
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના બહુ બોલકા સાંસદ સંજય રાઉતે ભાજપની ઝાટકણી કાઢી છે. એમનો આરોપ છે કે ભાજપ પક્ષપલ્ટો કરાવવા અને વિરોધપક્ષોને નબળા કરવા માટે ગાંડુ થઈ ગયું છે. વિરોધપક્ષોમાં ભાગલા પાડવા તેમજ રાજકીય સંગઠનોને તોડવા માટે ભાજપ ઝનુની છે. એમણે કહ્યું હતું કે, 'ભાજપ પક્ષોને તોડવા બાબતે એટલું ઝનુની છે કે છેલ્લે સુધી એક બીજાના પક્ષો તોડતું રહેશે. જો ભાજપ સત્તા ગુમાવશે તો ખંડીત થઈ જશે. મે આ પહેલા પણ કહ્યું છે કે ભાજપ જે દિવસે સત્તા પર નહીં હોય અને કેન્દ્રીય એજન્સીઓ અમારા કાબુમાં હશે એ દિવસે ભાજપના ૧૦ ટૂકડા ૧૦ મીનીટમાં થઈ જશે. સચીન આહિરને પક્ષે બધુ જ આપ્યું હતું. આમ છતા એમણે પક્ષ સાથે દગો કર્યો.'
નિવૃત્તિના દિવસે જ આઇએસઆઇ અધિકારીની ધરપકડ
કોઈપણ સરકારી કર્મચારી માટે નિવૃત્તિનો દિવસ અગત્યનો હોય છે. એ દિવસે એમની વિદાય માટે સન્માન સમારોહ રાખવામાં આવે છે, પરંતુ હરિયાણાના એક સિનિયર આઇએએસ અધિકારી માટે નિવૃત્તિનો દિવસ આઘાતજનક રહ્યો. સીબીઆઇએ હરિયાણા રાજ્ય પ્રદુષણ બોર્ડ (એચએસપીસીબી) ના તત્કાલીન સચિવ અને આઇએએસ અધિકારી પ્રદિપકુમારની ધરપકડ એમની નિવૃત્તિના દિવસે જ કરી છે. આરોપ છે કે, એમના કાર્યકાળ દરમિયાન સરકારી પૂંજીના ૧૬૯ કરોડ રૂપિયાની ગરબડ કરીને એમણે બોગસ રોકાણો કર્યા હતા. હરિયાણામાં આ ધરપકડની ચર્ચા થઈ રહી છે. હરિયાણા સરકારના કેટલાક વિભાગોના કરોડો રૂપિયા બોગસ ફીક્સ ડીપોઝીટ તરીકે વિવિધ ખાતાઓમાં બતાવવામાં આવ્યા હતા. સીબીઆઇનો દાવો છે કે એકલા એચએસપીસીબીને ૧૬૯ કરોડનું નુકસાન થયું હતું.
સીએમ વિજયએ સ્કૂલનો અભ્યાસક્રમ નક્કી કરવાની જવાબદારી વૈજ્ઞાનિકને સોંપી
તામિલનાડુના મુખ્યમંત્રી વિજય ઘણા વિવાદમાં ફસાયા છે. જોકે એમણે કરેલી એક પહેલના વખાણ થઈ રહ્યા છે. કોલેજ ડ્રોપ આઉટ સી જોસેફ વિજયએ સ્કૂલોનો અભ્યાસક્રમ સુધારવા માટે નિર્ણય કર્યો છે. તામિલનાડુની સરકારે એક અગત્યના નિર્ણયમાં ઇસરોના વૈજ્ઞાાનિક ડો. માઇલસ્વામી અન્નાદુરાઈને સ્કુલના અભ્યાસક્રમ ડિઝાઇન સમીતીના પ્રમુખ બનાવ્યા છે. ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાાનિક અન્નાદુરાઇ 'મૂનમેન' તરીકે ઓળખાય છે. અન્નાદુરાઈ હવે સાયન્સ ટેક્નોોલોજી અને એઆઇ પર ફોકસ કરીને તામિલનાડુની શાળાઓનો અભ્યાસક્રમ ડિઝાઇન કરશે. અન્નાદુરાઈ રાજ્યના ૧.૩ કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ આધુનિક બનાવશે. તામિલનાડુની સરકારે એમને ત્રણ વર્ષ માટે ડિઝાઇન કમીટીના ચેરમેન બનાવ્યા છે. આ નિમણૂક ૨૦૨૫ની રાજ્યશિક્ષા નીતી અંતર્ગત ફરીથી બનાવવામાં આવેલી ૧૭ પેનલનો હિસ્સો છે.
એકાંતવાસમાંથી ચંપત રાય બોલ્યા, કલંક લઈને નહીં જાઉ
રામ મંદિર ચઢાવા ચોરી પ્રકરણની વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહામંત્રી ચંપત રાયના નવા સમાચાર બહાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચંપત રાય એકાંતવાસમાં ચાલ્યા ગયા છે. એમણે એમની કેટલીક નજીકની વ્યક્તિઓને વાતચીતમાં કહ્યું છે કે હવે અયોધ્યામાં એમની સેવા પુરી થઈ ગઈ છે અને તેઓ કલંક લઈને જશે નહીં. એમના કહેવા પ્રમાણે એમની સાથે વિશ્વાસઘાત થયો છે. એસઆઇટી તપાસ દરમિયાન ચંપત રાય મંદિર પરિષરમાં આવેલા ભવનના ઉપલા માળે રહે છે. જ્યારથી તપાસ શરૂ થઈ છે ત્યારથી તેઓ ત્યાં જ રહે છે. ચઢાવા ચોરી બાબતે એમની પર ઘણા આક્ષેપો થયા છે. હજી સુધી એમણે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે એમની નજીકની વ્યક્તિઓને ચોરી બાબતે કેટલીક અગત્યની વાત કરી છે.
દેશ આખામાં બોમ્બની ધમકી આપનાર પકડાયો
દિલ્હી પોલીસે એનઆઇએ, ઇસરો, ડીઆરડીઓ અને એર ઇન્ડિયાની ફલાઇટો સહીત દેશભરમાં બોમ્બ ફોડવાની બોગસ ધમકીઓના ઇમેલ કરનારને પકડી પાડયો છે. આરોપી ગાઝીયાબાદનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી ૩૪ વર્ષનો નિશાંત ત્યાગી ૨૦૦૮થી માનસીક બીમાર છે અને એની સારવાર ચાલી રહી છે. આ જ વ્યક્તિએ એનઆઇએ, ઇસરો, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ, ડીઆરડીઓ, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સહિત વિવિધ બેંકો અને સ્કૂલોમાં પણ ધમકીના ઇમેલ કર્યા હતા. દિલ્હીથી ન્યુયોર્ક જનાર એર ઇન્ડિયાની એક ફલાઇટમાં બોમ્બ હોવાનો ઇમેલ પણ એણે કર્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી અને ટેક્નીકલ ટીમની મદદથી વિવિધ મેલ એકાઉન્ટ તપાસ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ઇમેલમાંથી એક મોબાઇલ નંબર મળ્યો હતો. આ મોબાઇલ નંબરને આધારે નિશાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવી હતી.