Delhi ni Vaat

નિતિશ મામલે સીડબ્લ્યુસીમાં મતભેદ

By GS Team
1 Oct 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર અને નિતિશ કુમાર અંગે ચર્ચા થઈ હતી. સોનિયા ગાંધીએ નિતિશ કુમારના ઇન્ડિયા ગઠબંધન છોડવા પર રાહત વ્યક્ત કરી, જ્યારે દિગ્વિજય સિંહે અલગ મત દર્શાવ્યો. મહારાષ્ટ્રમાં વોટ્સએપ દ્વારા વોટર ડોક્યુમેન્ટ્સ માન્ય ગણાશે. ધનરાજ નથવાણી રાજ્યસભા ઉમેદવાર બનતા પ્રિયંકા ચતુર્વેદીએ અભિનંદન પાઠવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

નિતિશ મામલે સીડબ્લ્યુસીમાં મતભેદ

નવીદિલ્હી : કોંગ્રેસ વર્કિંગ કમીટી સીડબ્લ્યુસીની બેઠકમાં ચૂંટણી કમિશન, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર અને એસઆઇઆર સહિત તમામ બાબતે ચર્ચા થઈ હતી. એ વખતે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના રાજ્યસભા સાંસદ નિતિશ કુમારનું નામ પણ ચર્ચાયું હતું. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે એવું કહ્યું હતું કે જેડીયુ નેતા નિતિશ કુમાર જો ઇન્ડિયા ગઠબંધનમાં હોત તો પરિસ્થિતિ જુદી જ હોત. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ વખતે સોનિયા ગાંધીએ દિગ્વિજય સિંહને કાપી નાખતા કહ્યું હતું કે, સારૂ થયું સમય પર નિતિશ કુમાર ચાલ્યા ગયા. દિગ્વિજય સિંહે એવું પણ કહ્યું હતું કે, 'આપણે નિતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધનથી જુદા થવા દેવા જોઈતા નહોતા. જો સાથે હોત તો રાજકીય પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. સોનિયા ગાંધીનું માનવું છે કે, નિતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનથી દુર થવાના બહાના શોધતા હતા, કારણ કે ભાજપ એમને કંટ્રોલ કરતી હતી.'
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં શું થયું
દિલ્હી ખાતે વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે દેશભરમાંથી વિરોધ પક્ષના નેતાઓ આવ્યા હતા. તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીથી લઈને નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા સુધીના નેતાઓ ભેગા થયા હતા. મીટીંગમાં એસઆઇઆર પ્રક્રિયા અને ચૂંટણી કમિશન પર ચર્ચા થઈ હતી. કોઓર્ડીનેશન મીટીંગ દરમિયાન વિરોધપક્ષના નેતાઓ એસઆઇઆર પ્રોસેસ અને બીજા કેટલાક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનના લગભગ ૨૩ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે આમ આદમી પાર્ટી, ડીએમકે, બીજેડી અને તમીલગા વેત્રરી કઝગમએ ઇન્ડિયા ગઠબંધનથી દુર રહેવાનું પસંદ કર્યું હતું. આ પક્ષો એમ માની રહ્યા છે કે, કોંગ્રેસના સાથીપક્ષ તરીકેની ઇમેજ એમને રાજકીય રીતે નુકસાન કરી શકે એમ છે.
એસઆઇઆર પ્રક્રિયા બાબતે મોટો નિર્ણય
મહારાષ્ટ્રથી એસઆઇઆર પ્રક્રિયા બાબતે અપડેટના સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એસ ચોકાલીંગમએ ચૂંટણી અધિકારીઓને કહ્યું છે કે, એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન વોટ્સએપથી મોકલેલા વોટર ડોક્યુમેન્ટ્સ પણ હવેથી માન્ય ગણાશે. ચૂંટણી કમિશનના એક અધિકારીએ આ વાત જણાવીને કહ્યું હતું કે, બીએલઓને સૂચના આપવામાં આવી છે કે જો જરૂર પડે તો દસ્તાવેજોની ચકાસણી માટે લોકોના ઘરે જાય. રાજ્ય ચૂંટણી કમિશનના અધિકારીએ માહિતી આપી હતી કે, લોકો ઇસીઆઇનેટ સોફટવેર દ્વારા અપાયેલી નોટીસનો જવાબ આપવા વોટ્સએપનો પણ ઉપયોગ કરી શકે છે. આ પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોકાલીંગમએ ચૂંટણી કમિશનને ઇસીઆઇનેટ સોફટવેરમાં સુધારો કરવા પણ કહ્યું છે, કે જેનાથી ઇલેક્ટ્રોરોલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (ઇઆરઓ) વોટર લિસ્ટમાની ગરબડ બાબતે સ્વંયમ નિર્ણય કરી શકે.
ધનરાજ નથવાણી રાજ્યસભા બેઠકના ઉમેદવાર બનતા પ્રિયંકા ચતુર્વેદી ખુશ
ગુજરાતના યુવાન ધનરાજ પરિમલ નથવાણીને સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. આ સમાચાર જાણ્યા પછી શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ભૂતપૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદી ખુશ થઈ ગયા છે. એમણે ધનરાજને અભિનંદન પણ આપ્યા છે. ધનરાજ નથવાણીને સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા રાજકીય વર્તુળોમાં ઘણાને નવાઈ લાગી છે. આ નિર્ણને કારણે ઉત્તર પ્રદેશ રાજકારણમાં પણ ચર્ચા થઈ રહી છે, જોકે ધનરાજ નથવાણીને રાજ્યસભાના ઉમેદવાર બનાવવાના નિર્ણયથી રાજકીય પક્ષો મતભેદ ભૂલીને એમને ટેકો આપી રહ્યા છે. પ્રિયંકા ચતુર્વેદીએ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને ધનરાજને અભિનંદન આપ્યા છે. ચતુર્વેદીએ લખ્યું છે 'ખુબ ખુબ અભિનંદન ધનરાજ નથવાણી, રાજ્યસભામાં તમારૂ આવવું જરૂરી હતું. તમને ખુબ ખુબ શુભેચ્છા.' ધનરાજ નથવાણીએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો પણ આભાર માન્યો હતો.
સીજેપીનું જેલ ભરો આંદોલન કયારથી શરૂ થશે
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ જાહેરાત કરી છે કે, ગાંધી જયંતિના દિવસે મુંબઈના શિવાજી પાર્ક પરથી જેલ ભરો આંદોલનની શરૂઆત થશે. એમનો આક્ષેપ છે કે ચૂંટણી કમિશન યોગ્ય રીતે કામ કરતું નથી. દિપકેએ તમામ રાજકીય પક્ષોને આંદોલન સાથે જોડાવા અપીલ કરી હતી. એમનો આરોપ છે કે ચૂંટણી કમિશનની સરમુખત્યારશાહી ચિંતાનો વિષય છે. દેશમાં ફેરફાર માટે સામુહિક પ્રયાસોની જરૂર છે. ચૂંટણીમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો દુરઉપયોગ થતો હોવાના એનસીપી (શરદ પવાર)ના આક્ષેપોનું પણ દિપકેએ સમર્થન કર્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંને પિતરાઈ ભાઈઓ ૪થી ઓક્ટોબરે ચૂંટણી કમિશન વિરુદ્ધ એક મોરચો કાઢવાના છે જે ભાયખલ્લાથી બીએમસીની ઓફિસ સુધી જશે.
વહુ સ્મિતા ઠાકરેએ ગયામા બાલા સાહેબનું પીંડદાન કેમ કર્યું
બાલા સાહેબ ઠાકરેના ત્રીજા પુત્ર જયદેવ ઠાકરેના પત્ની સ્મિતા ઠાકરેના સંબંધો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે વર્ષોથી બગડી ગયા છે. એક જ ઘર માતૃશ્રીમાં રહેતા હોવા છતાં ઉદ્ધવ ઠાકરેના કુટુંબ સાથે એમને સંબંધ નથી. બાલા સાહેબ ઠાકરે માટે સ્મિતા ઠાકરેને ખૂબ લાગણી અને માન હતા. હવે જ્યારે દેશભરમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે ત્યારે સ્મિતા ઠાકરેએ બિહારના ગયા ખાતે પહોંચ્યા હતા. એમણે પોતાના સસરા બાલા સાહેબ ઠાકરેનું પીંડદાન કરીને શ્રાદ્ધ તર્પણ કર્યું હતું. ઘણા સમયથી તેઓ ગયા જઈને બાલા સાહેબનું પિતૃ તર્પણ કરવા માંગતા હતા. સ્મિતા ઠાકરેની નજીકની વ્યક્તિનું માનવું છે કે જે રીતે ઉદ્ધવ ઠાકરેએ બાલા સાહેબના સિદ્ધાંતોને ભૂલીને રાજકારણ કર્યું છે એનાથી બાલા સાહેબનો આત્મા દુભાતો હોવાનું સ્મિતા માનતા હતા. સ્મિતા ઠાકરે ફિલ્મ લાઇન સાથે પણ સંકળાયા છે અને એમણે કેટલીક સિરિયલો પણ બનાવી છે.
શું દરેક તપાસ સીબીઆઇને આપીએ? સુપ્રિમ કોર્ટ નારાજ
સુપ્રિમ કોર્ટે એક ફોજદારી તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસની કામગીરી બાબતે નારાજગી જાહેર કરી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યના તમામ કેસોની તપાસ કામગીરી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ને આપી શકાય છે. જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ સંજીવ સચદેવાની બેચે ટીપ્પણી કરી હતી કે તેઓ ઉત્તર પ્રદેશ પોલીસને બરખાસ્ત કરી શકે છે અને સીબીઆઇને રાજ્યમાં તમામ કેસોની તપાસ સોંપવાનો હુકમ કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે, 'દરેક બાબતે તમારો કોઈને કોઈ એજન્ડા હોય છે. જો તમે દરેક કેસ આ રીતે સંભાળશો તો લોકો તમારા પર ભરોસો કઈ રીતે કરશે? આના કરતા તો અમે સીબીઆઇને યુપી પોલીસની તમામ તપાસ સોંપી દઈએ એ સારૂ રહેશે. આ બકવાસ કોઈક રીતે અટકવો જોઈએ.' એક પોલીસ તપાસમાં ગંભીર ગેરરીતિ દેખાતા કોર્ટે આ ટીપ્પણી કરવી પડી હતી.