Delhi ni Vaat

સીજેપીનો હવે પછીનો ટાર્ગેટ ચૂંટણી કમિશનર

By GS Team
6 Aug 20265 mins read
TukuTouch Logo
નવીદિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીની બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આંદોલનનો નિર્ણય લેવાયો. સરકારે ફેસબુક પરથી PMનો વીડિયો હટાવવા બદલ મેટાને 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે, અન્યથા 'સેફ હાર્બર પ્રોટેક્શન' રદ થશે. તમિલનાડુમાં ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડથી DMK નારાજ છે, NDAને સીમાંકન બિલમાં ટેકો મળવાની શક્યતા. રાષ્ટ્રપતિ ભવનમાંથી IPS વિનુ બંસલને અયોગ્ય વર્તન બદલ હટાવાયા. જંતર મંતર પર બેજ ઉતારનાર પોલીસ કોન્સ્ટેબલ શેર સિંહને નોકરી ગુમાવવી પડી. કલકત્તા હાઈકોર્ટે અભિષેક બેનર્જીને વિદેશ જવાની પરવાનગી નકારી. રાંચીમાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહતોએ સરકારી પરીક્ષાના ગોટાળા વિરુદ્ધ ઉપવાસ તોડ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

સીજેપીનો હવે પછીનો ટાર્ગેટ ચૂંટણી કમિશનર

નવીદિલ્હી : કોકરોચ જનતા પાર્ટીના ટોચના નેતાઓની મીટીંગ અભિજીત દિપકેના નિવાસસ્થાને મળી હતી. મીટીંગમાં ભવિષ્યની યોજનાઓની ચર્ચા થઈ હતી. હવે પછીનું આંદોલન મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ કરવાનું નક્કી થયાની વાત છે. મીટીંગ પછી પક્ષના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું હતું કે, પક્ષના આંદોલનનો ઉદ્દેશ પરંપરાગત રાજનીતિથી જુદા પડીને પ્રભાવ વધારવાનો છે. અમે બીજો કોઈ રાજકીય પક્ષ બનાવવાને બદલે લોકોની તકલીફો ઓછી કરવા માંગીએ છીએ અને સામાજીક જાગૃતિ વધારવા માંગીએ છીએ. એમની ઇચ્છા જમીનસ્તરે લોકોને જાગૃત કરવાની છે. કોર કમીટીમાં શું થયું એ બાબતે એમણે કહ્યું હતું કે, 'દેશમાં ઘણા બધા રાજકીય પક્ષો છે, પરંતુ વાસ્તવિકતા જોઈએ તો લોકોમાં હજી જાગૃતિનો અભાવ છે અને સીજેપી એજ કાર્યવાહી કરી રહી છે.'
મેટા સાથે સરકારનો ટકરાવ
જંતર મંતર ખાતેના વિદ્યાર્થી આંદોલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરવા માટે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો ફેસબુક પરથી દુર કરવામાં આવ્યો હતો. વીડિયો દુર થતા નારાજ થયેલી સરકારે મેટા પાસે ખુલાસો માંગ્યો હતો. મેટાના અધિકારીઓએ કહ્યું હતું કે ભૂલથી આ વીડિયો દુર કરવામાં આવ્યો હતો. હવે સરકાર બદલો લેવાના મૂડમાં છે. સરકારે માર્ક ઝુકરબર્ગને ૩ દિવસનો સમય આપ્યો છે જે દરમિયાન એમણે સંપૂર્ણ ઘટનાનો ખુલાસો આપવો પડશે. જો તેઓ એમ કરવામાં નિષ્ફળ જશે તો મેટા સામે આકરા પગલા લેવામાં આવશે. સરકાર સોશ્યલ પ્લેટફોર્મ્સને રક્ષણ માટે 'સેફ હાર્બર પ્રોટેક્શન' આપે છે જેથી કાયદાકીય કાર્યવાહી સામે મેટા જેવી કંપનીને રક્ષણ મળે. હવે સરકાર આ સેફ હાર્બર પ્રોટેક્શન રદ કરવાની તૈયારીમાં છે. મેટાને કહેવામાં આવ્યું છે કે એણે ભારતના કાયદાનો અમલ કરવો પડશે અને જો બાળકોની જાતીય સતામણીને લગતી પોસ્ટ પ્લેટફોર્મ પર મૂકાશે તો ગંભીર પરીણામ ભોગવવા પડશે.
સ્ટાલીનની ધરપકડથી ભાજપને આડકતરો ફાયદો
તામિલનાડુના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી ઉદયનીધિ સ્ટાલીનની ધરપકડ તામિલનાડુ પોલીસે કરી હતી. ઉદયનીધિ સ્ટાલીન જામીન પર છૂટી ગયા છે. છૂટયા પછી તેઓ સીધા પિતાને મળવા પહોંચ્યા હતા. જ્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એમનો આરોપ છે કે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓના ઘેરામાં એમને ચેન્નઇથી તંજાવુર સુધી બસમાં ચારસો કીલોમીટર દુર લઈ જવામાં આવ્યા હતા. ઉદયનીધિની ધરપકડને કારણે ડીએમકેના ટોચના નેતાઓ આક્રમક મૂડમાં છે. દિલ્હીમાં જે રીતે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ ઉદયનીધિની ધરપકડની ટીકા કરી નથી એને કારણે ડીએમકેના નેતાઓ નિરાશ થઈ ગયા છે. એમ મનાઈ રહ્યું છે કે, હવે સિમાંકન બીલ બાબતે ડીએમકે એનડીએને ટેકો આપે એવી પુરી શક્યતા છે. જો ડીએમકેના સાંસદો એનડીએ માટે મતદાન કરે તો એનડીએ બેતૃતિયાંસ બહુમતીથી બીલ પસાર કરાવી શકે એમ છે.
આઇપીએસ વિનુ બંસલને રાષ્ટ્રપતિ ભવનમાંથી હટાવવામાં આવ્યા
રાષ્ટ્રપતિ ભવનમાં ફરજ બજાવતા દિલ્હી પોલીસના એક સિનિયર અધિકારીના અસંસદીય વ્યવહારનો વિવાદ બહાર આવ્યો છે. વિવાદ વધતા જોઇન્ટ પોલીસ કમિશનર વિનુ બંસલને રાષ્ટ્રપતિ ભવનમાંથી હટાવી દેવામાં આવ્યા છે. એમને દિલ્હી પોલીસના મુખ્ય મથક ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હોવાનું મનાય છે. વિનુ બંસલ ૨૦૦૪ બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ એજીએમયુટી કેડરના છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિનુ બંસલની વર્તણૂકને કારણે રાષ્ટ્રપતિ ભવનનો મોટો સ્ટાફ રજા પર ઉતરી ગયો હતો. આ અધિકારી રાષ્ટ્રપતિ ભવનના ગોલ્ફ મેદાનનો પણ ઉપયોગ કરતા હતા. આવું વારંવાર થયું હોવાની ફરિયાદ પણ રાષ્ટ્રપતિને મળી હતી. એક કાર્યક્રમમાં તેઓ પોતાના કુટુંબીઓને પણ રાષ્ટ્રપતિ ભવનમાં લઈ ગયા હતા.
વિરોધ પ્રદર્શનમાં બેજ ઉતારનાર પોલીસ કર્મચારીએ નોકરી ગુમાવી
દિલ્હીના જંતર મંતર ખાતે જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આંદોલન સ્થળે ઉત્તરાખંડના પોલીસ કોન્સ્ટેબલ શેર સિંહ પહોંચી ગયા હતા. હવે એમને ઉત્તરાખંડ પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ઇથૌડાગઢ પોલીસ સુપ્રિટેન્ડે આ કાર્યવાહી કરી છે. શેર સિંહે જેન ઝી આંદોલન વખતે જંતર મંતર જઈને ભાષણ આપ્યું હતું અને સરકારી નોકરી છોડી દેવાની વાત કરી હતી. એમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, 'આપણે આ ગુંડાઓ (પોલીસ કર્મચારીઓ)નો સામનો કરીશું. આ ભગત સિંહની ધરતી છે. અહીં ક્રાંતિ બોમ્બ કે બંદુકથી નથી આવતી, વિચારોથી આવે છે. વિચારો કદી મરતા નથી.' આટલું કહીને એમણે પોતાનો પોલીસ બેજ ઉતારીને કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેને આપી દીધો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ત્યાર પછી ઉત્તરાખંડ પોલીસે તાત્કાલીક પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે, શેર સિંહને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
અભિષેક બેનર્જીને હાઇકોર્ટનો ફટકો
કલકત્તા હાઇકોર્ટે તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીને આંખના ઇલાજ માટે વિદેશ જવાની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે એમની અરજી પણ ફગાવી દીધી છે. જસ્ટીસ સોગત ભટ્ટાચાર્યની બેંચે આ કેસની સુનાવણી પછી કહ્યું હતું કે, છેલ્લી સુનાવણી વખતે અભિષેક બેનર્જીને પહેલા કોલકત્તાની સરકારી મેડીકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની સલાહ લેવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે હોસ્પિટલનો રીપોર્ટ મળ્યા પછી આ બાબતે નિર્ણલ લેવાશે. સુનાવણી દરમિયાન અભિષેક બેનર્જી તરફથી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તેઓ સરકારી હોસ્પિટલ નહીં જાય. ત્યાર પછી જસ્ટીસ ભટ્ટાચાર્યએ એમને ઇલાજ માટે વિદેશ જવાની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો હતો.
રાંચીમાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહતોએ પારણા કર્યા
ઝારખંડ લોક સેવા આયોગ (જેપીએસસી), ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (જેએસએસસી) સહિત બીજી કેટલીક સરકારી પરીક્ષાઓમાં થયેલા ગોટાળા વિરુદ્ધમાં ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્ર નાથ મહતોએ પારણા કર્યા છે. સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચૂકે એમની સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી હતી ત્યાર પછી એમણે ઉપવાસ છોડયા હતા. દેવેન્દ્ર મહતો ૨૫ જુલાઈથી સત્યાગ્રહ કરી રહ્યા છે અને ૨જી ઓગસ્ટથી એમણે ભુખ હડતાળ શરૂ કરી હતી. એમની શારીરિક હાલત કથળી ગઈ હતી. ડોક્ટરની ચેતવણી પછી એમણે ઉપવાસ છોડયા હતા. મહતોએ કહ્યું હતું કે, 'મેં આજે સોનમ વાંગચૂક સાથે વીડિયો કોલ પર વાત કરી અને એમના આગ્રહને કારણે પારણા કર્યા છે. હું પાણી અને મીઠુ લેતો રહીશ, પરંતુ જ્યાં સુધી અમારી માંગણી સ્વિકારાય નહીં ત્યાં સુધી નક્કર ખોરાક નહીં લઉં.'