સરકાર સામે સીજેપીની લડત સહેલી નહોતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી: કોકરોચ જનતા પાર્ટીએ પેપર લીક મુદ્દે ૨૦મી જુનથી જંતર મંતર ખાતે આંદોલન શરૂ કર્યું હતું. શરૂઆતમાં એમને પૂરતું સમર્થન મળ્યું નહોતું. ૨૦મી જૂને સીજેપીએ જંતર મંતર પર પ્રદર્શનની પરવાનગી દિલ્હી પોલીસ પાસે માંગી હતી. પરવાનગી મળી જતા ધીમે ધીમે યુવાનો ભેગા થવા માંડયા હતા. શરૂઆતમાં અભિજીત દિપકેએ આક્ષેપ કર્યો હતો કે, પ્રદર્શન સ્થળે વીજળી અને પાણીનો પુરવઠો રોકી દેવામાં આવ્યો હતો. આંદોલનના ૯મા દિવસે સામાજીક કાર્યકર સોનમ વાંગચૂક જંતર મંતર પર પહોંચ્યા હતા અને ભૂખ હડતાળ શરૂ કરી હતી. સોનમ વાંગચૂકને જ્યારે પોલીસ ઉપાડી ગઈ અને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યાર પછી વાંગચૂક પર દબાણ વધી ગયું હતું. એમ મનાય છે કે સતત દબાણને કારણે અને વજન ઘટવાને કારણે વાંગચૂક માનસીક રીતે પણ નબળા પડી ગયા હતા. વાંગચૂકના એનજીઓને મળતું ફંડ અટકાવી દેવામાં આવે એવી વાતો પણ આડકતરી રીતે કરવામાં આવી હતી.
છેવટે આરએએફએ વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાની વાત માની
૨૦મી જૂને દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર સીઆરપીએફ તેમજ રેપીડ એક્શન ફોર્સ (આરએએફ)એ લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની વર્તણૂકની ઘણી ટીકા થઈ હતી. હવે આરએએફએ કબૂલ કર્યું છે કે, વિદ્યાર્થીઓ સામે અનઆવશ્યક બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. આરએએફના આઇજીએ એમના અધિકારીઓ તેમજ સુરક્ષા કર્મચારીઓને ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં યાદ રાખવું કે આરએએફનો મૂળ સિદ્ધાંત 'સંવેદનશીલ પોલીસીંગ' છે. કોઈપણ પરિસ્થિતિમાં બળનો પ્રયોગ જરૂરી હોય તો જ કરવો જોઈએ. અહીં અગત્યની વાત એ છે કે, આરએએફ હોમ ડીપાર્ટમેન્ટ હેઠળ આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અમિત શાહ છે. દિલ્હીમાં ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રાલય વચ્ચે પરિસ્થિતિને કાબુમાં લેવા કોઇ મતભેદ તો નથી ને!
'અમે ૧૨ વર્ષમાં જે નથી કર્યું એ તમે કરી બતાવ્યું'
તૃણમુલ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ સાંસદ મોહુઆ મોઇત્રાએ ફરી એક વખત કેન્દ્ર સરકારને શાબ્દીક ચાબખા માર્યા છે. કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સ્થળે તેઓ જતા હતા. એમણે સીજેપીના યુવાનોને સંબોધન પણ કર્યું હતું. એમણે કહ્યું હતું કે અમે જે ૧૨ વર્ષમાં નથી કરી શક્યા એ તમે કરી બતાવ્યું છે. નરેન્દ્ર મોદીના રાત્રે ૧૨ વાગ્યાના ઇન્સ્ટાગ્રામના વીડિયોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે તમે મોદીજીને જગાડયા છે. અમે આ કામ કરી શક્યા નહોતા. મોહુઆ મોઇત્રા શરૂઆતથી જ સીજેપીને સપોર્ટ કરે છે. એ વખતે એમની સાથે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી પણ હતા. મોહુઆએ સીજેપીના આંદોલનકારીઓને વારંવાર થેંક્યુ કહ્યું હતું. દિલ્હીમાં જે રીતે મેટ્રો સ્ટેશન બંધ કરાવવામાં આવ્યા છે એ બાબતે પણ મોહુઆ મોઇત્રાએ આકરી ટીકા કરી હતી.
બહુત બદનામ પેલેટ ગનનો ઇતિહાસ
જંતર મંતર પર દેખાવો કરી રહેલા યુવાનો પર પેલેટ ગનનો ઉપયોગ થવાથી રાહુલ ગાંધી ભારે ગુસ્સામાં છે. પેલેટ ગનના ઉપયોગથી ઘણા વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી. પોલીસ જોકે પેલેટ ગનનો ઉપયોગ કર્યો હોવાનો ઇન્કાર કરે છે. આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે આ હથિયાર પર પ્રતિબંધ છે. ૧૯૯૨માં આરએએફની સ્થાપના પછી ઇઝરાયલ અને બેલ્જીયમથી પેલેટ ગન ખરીદવામાં આવી હતી. જો ૨૩ યાર્ડ દુરથી પેલેટ ગનમાંથી ફાયરીંગ કરવામાં આવે તો એ જોખમી નિવડી શકે છે. છાતી કે ચેહરા પર છરા લાગે તો જીવ પણ જઈ શકે છે. આંખોની રોશની જઈ શકે છે. પેલેટ ગન શરૂઆતમાં વિદેશથી આયાત કરવામાં આવતી હતી. ત્યાર પછી ડીઆરડીઓની મદદથી ભારતમાં જ બનાવવામાં આવે છે. જ્યારે ઇઝરાયલ અને બેલ્જીયમથી પેલેટ ગન ખરીદવામાં આવતી હતી ત્યારે એની કિંમત ત્રણ લાખ રૂપિયા હતી.
સરકાર બદલાશે ત્યારે ભાજપની કોઈ ઓફિસ બચશે નહીં
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેેસની હાર પછી સાંસદ અભિષેક બેનર્જીની કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ઇડી અને સીઆઇડી તેમજ પોલીસ તપાસનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું પરીણામ ૪થી મેએ આવ્યા પછી બેનર્જી સામે અત્યાર સુધીમાં ચાર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. હવે ભાજપને ધમકી આપવા તેમજ ૨૦૩૧માં જોઈ લેવાની ચેતવણી માટે એમની સામે વધુ એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. અભિષેક બેનર્જીએ હમણા જ કલકત્તા હાઇકોર્ટમાં તમામ એફઆઇઆર રદ કરવાની માંગણી કરી હતી જેને કોર્ટે નકારી કાઢી છે. અભિષેક બેનર્જી પર આરોપ છે કે એમણે બંગાળી ભાષામાં ભાજપ સામે બદલો લેવાની અને ૨૦૩૧માં પુરા વ્યાજ સાથે જવાબ આપવાની વાત કરી હતી. એમણે કહ્યું હતું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે ભાજપની એક પણ ઓફિસ સલામત નહીં રહે.
કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બીટ્ટુએ રાજીનામું કેમ આપ્યું
કેન્ર્દ્રીય મંત્રી રવનીત સિંહ બીટ્ટુએ રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ પણ એમના રાજીનામાનો સ્વિકાર કર્યો છે. વડાપ્રધાનના કહેવાથી એમણે રાજીનામું આપ્યું હતું. એમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. એમ મનાય છે કે, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એમનો ઉપયોગ કરશે. ભાજપ એમને ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા આપી શકે છે. બીટ્ટુ પોતે અગત્યની બેઠક લડી શકે એમ છે. લાંબા સમયથી ચર્ચા હતી કે રવનીત સિંહ બીટ્ટુને કેન્દ્રીય મંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરીને પંજાબ મોકલવામાં આવશે. બીટ્ટુ પાસે ભાજપને પંજાબમાં મોટી અપેક્ષા છે. બીટ્ટુના દાદા બિયંત સિંહ પંજાબના મુખ્યમંત્રી હતા. રવનીત સિંહ બીટ્ટુને રાજ્યસભામાં મોકલીને મંત્રી મંડળમાં લેવામાં આવ્યા હતા. રાજ્યસભાનો કાર્યકાળ જૂન મહિનામાં પુરો થઈ ગયો હતો છતાં એમને બીજી વખત રાજ્યસભામાં મોકલવામાં આવ્યા નહોતા.
પત્રકારો પર હુમલા પછી સીએમ શુભેંદુની કાર્યવાહી
નીટ પેપર લીક બાબતે બંગાળમાં પણ દેખાવો થઈ રહ્યા છે. થઈ રહેલા પ્રદર્શનમાં પત્રકારો પર હુમલા થયા હતા. જોકે પરિસ્થિતિ ઓળખીને બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ પત્રકારોની નારાજગીને દુર કરવા હુમલાની નિંદા કરી હતી. એમણે હમણા જ પસાર થયેલા ગુંડા અધિનિયમ હેઠળ હુમલા કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. લગભગ ૭૦ તોફાનીઓની ઓળખાણ થઈ ગઈ છે, જેઓને વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો સાથે કોઈ લેવા દેવા હતી નહીં. કોલકત્તા પોલીસે અત્યાર સુધીમાં છ એફઆઇઆર દાખલ કરી છે. કેટલાક તોફાની તત્વો વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં ઘૂસી ગયા હતા અને ગુંડાગીરી કરી હતી. બંગાળમાં સત્તાપરીર્ર્તન થયા પછી મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જે મીડિયા સરકારની ટીકા કરે છે એમને ટાર્ગેટ કરવામાં આવે છે.









